Bible Versions
Bible Books

Psalms 147 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાની સ્તુતિ કરો; કેમ કે આપણા ઈશ્વરનાં સ્‍તોત્ર ગાવાં સારું તથા મનોરંજક છે; સ્તુતિ કરવી ઘટતું છે.
2 યહોવા યરુશાલેમને બાંધે છે; ઇઝરાયલનાં વેરાઈ ગયેલાંને તે પાછાં એકઠાં કરે છે. q1
3 હ્રદયભંગ થયેલાંને તે સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે.
5 આપણા પ્રભુ મોટા અને ઘણા પરાક્રમી છે; તેમની બુદ્ધિનો પાર નથી.
6 યહોવા નમ્ર જનો ને સંભાળે છે; દુષ્ટોને તે જમીનદોસ્ત કરી નાંખે છે.
7 યહોવાનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્‍તોત્ર ગાઓ.
8 તે આકાશને વાદળાંથી ઢાંકે છે; પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે; તે પહાડો પર ઘાસ ઉગાવે છે.
9 પશુને, તેમ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.
10 તે ઘોડાના બળથી પ્રસન્‍ન થતા નથી; તે માણસના પગ ના જોર થી પણ રાજી થતા નથી.
11 જેઓ તેમનાથી બીએ છે, અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવા રાજી રહે છે.
12 હે યરુશાલેમ, યહોવાની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર;
13 કેમ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં રહેનાર તારાં છોકરાંને આશીર્વાદ આપ્યો છે.
14 તારી સરહદમાં શાંતિ ફેલાવીને સરસ ઘઉંથી તે તને તૃપ્ત કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમનું વચન બહુ ઝડપથી દોડે છે.
16 તે ઊનના જેવું હિમ આપે છે; અને ભસ્મના જેવું બરફ વેરે છે.
17 રોટલીના કટકા જેવા તે કરા નાખે છે; તેની ટાઢ આગળ કોણ ઊભો રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને પીગળાવે છે; તે પોતાના પવનને વાવાની આજ્ઞા કરે છે, એટલે પાણીઓ વહેતાં થાય છે.
19 તે યાકૂબને પોતાનું વચન, અને ઇઝરાયલને પોતાનાં વિધિઓ તથા ન્યાયશાસનો પ્રગટ કરે છે.
20 તે કોઈ બીજી પ્રજાની સાથે આવી રીતે વર્ત્યા નથી; તેઓએ તેમનાં ન્યાયાશાસનો જાણ્યાં નહિ. યહોવાની સ્‍તુતિ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×