Bible Versions
Bible Books

Psalms 35 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું (ગીત). હે યહોવા, મારી સાથે વાદ કરનારની સાથે તમે વાદ કરો; મારી સામે લડનારની સામે તમે લડો.
2 ઢાલ તથા બખતર સજીને મારી સહાય કરવાને ઊભા થાઓ.
3 ભાલો પણ કાઢો, અને મારી પાછળ ધાનારાને અટકાવો. મારા આત્માને કહો, “હું તારું તારણ છું.”
4 જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને આબરૂહીન થાઓ; જેઓ મારું નુકસાન તાકે છે તેઓ પાછા હઠો અને વીલા પડો.
5 તેઓ પવનથી ઊડતાં ફોતરાંના જેવા થાઓ, અને યહોવાનો દૂત (તેઓને) હાંકી કાઢો.
6 તેઓનો માર્ગ અંધકારમય તથા લપસણો થાઓ, અને યહોવાના દૂત તેઓની પાછળ પડો.
7 કેમ કે તેઓએ વગર કારણે મારે માટે ખાડા(માં) પોતાનો ફાંદો સંતાડી રાખ્યો છે, વિનાકારણ તેઓએ મારા જીવને માટે (ખાડો) ખોદ્યો છે.
8 તેના પર ઓચિંતો સંહાર આવી પડો; અને તેના સંતાડેલા ફાંદામાં તે પોતે સપડાઈ જાઓ; તેમાં પડીને તેનો સંહાર થાઓ.
9 મારો આત્મા યહોવામાં ઉત્સાહ કરશે, તે તેમના તારણમાં હર્ષ પામશે.
10 મારાં સર્વ હાડકાં કહેશે, “હે યહોવા, તમારા સરખો કોણ છે?” તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે, અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.
11 જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; હું જાણતો નથી તે બાબત વિષે તેઓ મને પૂછે છે.
12 તેઓ ભલાને બદલે મને ભૂંડું પાછું વાળે છે, જેથી હું અનાથ થઈ જાઉં છું.
13 પણ તેઓ માંદા પડ્યા હતા ત્યારે તો હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુ:ખી કરતો; અને મારી પ્રાર્થના મારા હ્રદયમાં પાછી આવતી હતી.
14 જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય તેમ હું તેની સાથે વર્તતો; પોતાની માને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
15 પણ મારી પડતીને સમયે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા. તેઓ ટોળે વળીને મારી નિંદા કરતા અને હું(તે) જાણતો નહિ; એવી રીતે તેઓ મને ફાડી નાખતા અને અટકતા નહિ.
16 તેઓ મિજબાનીમાં ધર્મનિંદકોની માફક પોતાના દાંત મારી સામે પીસે છે.
17 હે પ્રભુ, તમે ક્યાં સુધી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવો.
18 હું મહા મંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોમાં હું તમારી પ્રશંસા કરીશ.
19 જેઓ ગેરવાજબી રીતે મારા શત્રુઓ થયા છે, તેઓ મારા ઉપર આનંદ કરો, જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે તેઓ આંખના મિચકારા મારો.
20 કેમ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
21 તેઓ મારી વિરુદ્ધ પહોળા મોઢે બહુ બોલ્યા છે; તેઓએ કહ્યું, “આહા, આહા, અમે તે નજરે જોયું છે.”
22 હે યહોવા, તમે તે જોયું છે; તમે ચૂપ રહો; હે પ્રભુ, મારાથી દૂર રહો.
23 મારો ન્યાય કરવા માટે જાગ્રત થાઓ, હે મારા ઈશ્વર તથા મારા માલિક, મારી દાદ સાંભળવા માટે જાગો.
24 હે મારા ઈશ્વર યહોવા, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો. તેઓને મારા પર આનંદ કરવા દો.
25 તેઓ પોતાના હ્રદયમાં એમ કહે, “આહા, અમારે જોઈતું હતું.” તેઓ એમ કહે, “અમે તેને ગળી ગયા છીએ.”
26 મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વ ફજેત થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની લાજ નષ્ટ થાઓ, તથા તેઓ અપમાન પામો.
27 જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે તેઓ હર્ષ પામીને જયજયકાર કરો, હા, તેઓ હંમેશાં કહો, “જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે તે યહોવા મોટા મનાઓ.”
28 મારી જીભ તમારું ન્યાયીપણું પ્રગટ કરશે, અને આખો દિવસ તમારાં સ્તોત્ર ગાશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×