Bible Versions
Bible Books

Psalms 72 (GUV) Gujarati Old BSI Version

1 હે ઈશ્વર, ઇનસાફ કરવાનો તમારો અધિકાર તમે રાજાને આપો, અને રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
2 તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય, અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
3 પર્વતો તથા ડુંગરો ન્યાયીપણે લોકોને શાંતિ આપશે.
4 તે લોકોમાંના દીનોનો ન્યાય કરશે, તે દરિદ્રીઓના દીકરાઓને તારશે, અને જુલમગારને છૂંદી નાખશે.
5 સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
6 જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારાં ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
7 તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે; અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી શાંતિ પુષ્કળ થશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી, અને નદીથી તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.
9 અરણ્યવાસીઓ તેમની આગળ નમશે; અને તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાર્શીશના તથા દરિયાકિનારાના રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સેબાના રાજાઓ નજરાણાં કરશે.
11 સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; અને સર્વ વિદેશીઓ તેમની સેવા કરશે.
12 કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુ:ખી જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે.
13 તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે.
14 જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેમની દષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે;
15 તેઓ જીવશે; અને તેમને શેબાનું સોનું આપવામાં આવશે; તેમના હકમાં નિત્ય પ્રાર્થનાઓ કરવામાં આવશે; આખો દિવસ તેમને ધન્યવાદ આપવામાં આવશે.
16 દેશમાં પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનની જેમ ઝૂલશે; અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
17 તેઓનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; અને તેમનાથી લોકો આશીર્વાદ પામશે; સર્વ દેશજાતિઓ તેમને ધન્યવાદ આપશે.
18 યહોવા ઈશ્વરને, ઇઝરાયલના ઈશ્વરને, ધન્ય હોજો, એકલા તે આશ્ચર્યકારક કામો કરે છે;
19 સર્વકાળ માટે તેમના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
20 યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ સમાપ્ત થઈ છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×