Bible Versions
Bible Books

Revelation 11 (GUV) Gujarati Old BSI Version

1 પછી લાકડી જેવું એક બરુ મને આપવામાં આવ્યું, અને મને કહેવામાં આવ્યું, “તું ઊઠ, ને ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે, અને મંદિરમાં ઉપાસના કરનારાઓની ગણતરી કર.
2 પણ મંદિરની બહારનું આગણું પડતું મૂક, તેનું માપ લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે.
3 મારા બે શાહેદો ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે, એવો હું તેઓને અધિકાર આપીશ.
4 જૈતૂનનાં જે બે ઝાડ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભાં રહે છે તેઓ છે.
5 જો કોઈ તેઓને ઇજા કરવા ચાહે, તો તેઓનાં મોંમાંથી અગ્નિ નીકળે છે, ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે, અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે, તો તે પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ.
6 તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે, તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહિ. અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જયારે જયારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે.
7 જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, ત્યારે જે શ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે, અને તેઓને મારી નાખશે.
8 જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડાવવામાં આવ્યા, તે નગરના રસ્તામાં તેઓનાં શબ પડયાં રહે છે.
9 અને લોકો તથા કુળો તથા ભાષાઓ તથા દેશોમાંથી આવેલાં માણસો સાડા ત્રણ દિવસ સુધી તેઓનાં શબ જુએ છે. અને તેઓનાં શબને કબરમાં દાટવા દેતાં નથી.
10 પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.
11 પણ સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો, એટલે તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું.
12 તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે, ‘તમે અહીં ઉપર ચઢી આવો.’ અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા.
13 તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો દસમો ભાગ જમીનદોસ્ત થયો. ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયાં. અને જે બાકી રહ્યાં હતાં તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.”
14 બીજી આપત્તિ આવી ગઈ છે. જુઓ, હવે ત્રીજી આપત્તિ સત્વર આવે છે.
15 પછી સાતમા દૂતે વગાડયું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું, “આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે. તે સદાસર્વકાળ રાજ કરશે.”
16 જે ચોવીસ વડીલો ઈશ્વરની સમક્ષ પોતાનાં આસન પર બેઠા હતા, તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી, અને કહ્યું,
17 “હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ; કેમ કે તમે તમારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે, અને તમે રાજ કરવા લાગ્યા છો.
18 દેશોના લોકો ક્રોધે ભરાયા, અને તમારો કોપ પ્રગટ થયો, અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો, તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે.”
19 ત્યાર પછી આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમના કરારનો કોશ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ઘરતીકંપ થયાં તથા પુષ્કળ કરા પડયા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×