Bible Versions
Bible Books

Revelation 14 (GUV) Gujarati Old BSI Version

1 પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું. અને તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું.
2 મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.
3 તેઓ રાજયાસનની આગળ અને ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે એક લાખ ચુમ્માળીસ હજારને ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ કીર્તન શીખી શકયું નહિ.
4 સ્‍ત્રીઓ ના સંસર્ગ થી જેઓ અપવિત્ર થયા નથી તેઓ છે, કેમ કે તેઓ કુંવારા છે. અને હલવાન જયાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા.
5 તેઓના મોંમાં અસત્ય હતું. તેઓ નિર્દોષ છે.
6 પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો. પૃથ્વી પર રહેનારાંઓમાં એટલે સર્વ રાજય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી.
7 તે મોટે સ્વરે કહે છે, “ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયીકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યા, તેમની આરાધના કરો.”
8 ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો, “પડયું રે, મોટું બાબિલોન શહેર પડયું કે, જેણે પોતાના વ્યભિચાર ને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશો ના લોકો ને પીવડાવ્યા છે.”
9 પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સ્વરે બોલ્યો, “શ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે, અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે,
10 તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે.
11 અને તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢયા કરે છે. જેઓ શ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાતદિવસ વિશ્રાંતિ નથી.
12 આમાં સંતોનું ધૈર્ય, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહેલું છે.”
13 પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી, “તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મરણ પામે છે, તેઓને ધન્ય છે. આત્મા કહે છે, હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે; કેમ કે તેઓનાં કામ તેઓની સાથે આવે છે.”
14 પછી મેં જોયું, તો જુઓ, ઊજળું વાદળું ને તેના પર મનુષ્યપુત્રના જેવા એક પુરુષ બેઠેલા હતા. તેમના માથા પર સોનાનો મુગટ હતો, અને તેમના હાથમાં ધારવાળું દાતરડું હતું.
15 પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષ ને મોટે સ્વરે હાંક મારી, “તમે તમારું દાતરડું લગાડીને કાપો, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.”
16 ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું. એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી.
17 ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું.
18 અને બીજો એક દૂત, એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે, વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાતરડું હતું તેને મોટે સ્વરે કહ્યું, “તું તારું ધારવાળું દાતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે.”
19 ત્યારે તે દૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર નાખ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂંમખાંને કાપી લીધાં, ને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં.
20 અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને દ્રાક્ષાકુંડમાંથી બસો માઈલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહી નીકળ્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×