Bible Versions
Bible Books

Revelation 16 (GUV) Gujarati Old BSI Version

1 ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”
2 ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી, ને જેઓ તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ધારું થયું.
3 પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું; એટલે સમુદ્ર શબના લોહી જેવો થઈ ગયો, અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું.
4 પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. એટલે તેઓ લોહી થઈ ગયાં.
5 ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતાં સાંભળ્યો, “હે પવિત્ર, તમે જે છો ને હતા, તમે ન્યાયી છો, કેમ કે તમે એવો અદલ ન્યાય કર્યો છે.
6 કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ માટે લાયક છે.”
7 ત્યારે મેં વેદીને એમ કહેતાં સાંભળી, “હા, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે.”
8 પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું. એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવા ની શક્તિ આપવામાં આવી.
9 માણસો મોટી આંચથી દાઝયાં. અને તેથી જે ઈશ્વરને અનર્થો પર અધિકાર છે, તેમના નામની તેઓએ નિંદા કરી. પણ તેઓએ પસ્તાવો કર્યો નહિ, નએ ઈશ્વરને મહિમા આપ્યો નહિ.
10 પછી પાંચમાએ પોતાનું પ્યાલું શ્વાપદના રાજયાસન પર રેડી દીધું. એટલે તેના રાજયમાં અંધકાર વ્યાપી ગયો. અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી,
11 અને પોતાની વેદનાને લીધે તથા પોતાનાં ઘારાંને લીધે તેઓએ આકાશનાં ઈશ્વરની નિંદા કરી, પણ તેઓએ પોતાનાં કામોનો પશ્ચાત્તાપ કર્યો નહિ.
12 પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર‌ છે તેઓને માટે રસ્તો તૈયાર થાય, માટે તેનું પાણી સૂકાઈ ગયું.
13 ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી દેડકાંના જેવા ત્રણ અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા.
14 કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વ શક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે.
15 (જુઓ, ચોરની જેમ હું આવું છું. જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્‍ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું પડે, અને પોતાની લાજ દેખાય, તેને ધન્ય છે!)
16 અને હિબ્રુ ભાષામાં જેને ‘હાર-માગિદોન’ કહે છે તે સ્થળે તેઓએ તેઓને એકત્ર કર્યા.
17 પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું. એટલે ‘સમાપ્ત થયું’ એમ બોલતી મોટી વાણી મંદિરના રાજયાસનમાંથી થઈ.
18 અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં. વળી મોટો ધરતીકંપ થયો, તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્‍ન થયા ત્યારથી એના જેવો કદી થયો નહોતો.
19 મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાજ્યોનાં નગરો પડયાં. અને ઈશ્વરને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે, તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે.
20 દરેક બેટ નાઠો, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ.
21 અને આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડયા, અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે તેમનો અનર્થ અતિશય ભારે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×