Bible Versions
Bible Books

Revelation 17 (GUV) Gujarati Old BSI Version

1 જે સાત દૂતની પાસે તે સાત પ્યાલાં હતાં., તેઓમાંનો એક આવ્યો, તેણે મારી સાથે વાત કરી, ને કહ્યું, “અહીં આવ, જે મોટી વેશ્યા ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવીશ.
2 તેની સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કર્યો છે, અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વી પર રહેનારા છાકટા થયા.”
3 પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના શ્વાપદ પર એક સ્‍ત્રીને બેઠેલી જોઈ. તે શ્વાપદ ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું. તેને સાત માથાં તથા દશ શિંગડા હતાં.
4 તે‍ સ્‍ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગના વસ્‍ત્ર પહેરેલાં હતાં, અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નોથી તથા મોતીઓથી શણગારેલી હતી, અને તેના હાથમાં તેના વ્યભિચારનાં ધિક્કારપાત્ર કૃત્યોથી તથા મલિનતાથી ભરેલું એક સોનાનું પ્યાલું હતું.
5 તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે “મર્મ, મહાન બાબિલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.”
6 મેં તે સ્‍ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો.
7 દૂતે મને પૂછયું, “તું કેમ આશ્ચર્ય પામે છે? સ્‍ત્રીનો, અને સાત માથાં તથા દશ શિંગડાંવાળું શ્વાપદ, જેના પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને કહીશ.
8 જે શ્વાપદ તેં જોયું. તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાંઓ જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.
9 આનો ખુલાસો જ્ઞાની મન કરે, જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્‍ત્રી બેઠેલી છે.
10 વળી તેઓ સાત રાજા છે. તેમાંના પાંચ પડયા છે, એક છે, અને બીજો હજુ સુધી આવ્યો નથી. જયારે તે આવશે ત્યારે તેને થોડી રહેવાનું થશે.
11 જે શ્વાપદ હતું ને નથી, તે આઠમો છે, તે સાતમાંનો એક છે; અને તે નાશમાં જાય છે.
12 જે દશ શિંગડાં તેં જોયાં છે તેઓ દશ રાજા છે, તેઓને હજી સુધી રાજય મળ્યું નથી. પણ શ્વાપદની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે.
13 તેઓ એક વિચારના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર શ્વાપદને સોંપી દે છે.
14 તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.”
15 તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.
16 તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.
17 કેમ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજય શ્વાપદને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.
18 જે સ્‍ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×