Bible Versions
Bible Books

Romans 8 (GUV) Gujarati Old BSI Version

1 માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.
2 કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
3 કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતના દીકરાને પાપી દેહની સમાનતામાં, અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી,
4 જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારામાં, નિયમની માગણી પૂર્ણ થાય.
5 કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે; પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે.
6 દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે.
7 કારણ કે દૈહિક મન તે ઈશ્વર પર વૈર છે. કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી, અને થઈ શકતું પણ નથી.
8 જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરી શકતા નથી.
9 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્ત નો નથી.
10 જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે; પણ ન્યાયીપણાને લીધે તમારો આત્મા જીવે છે.
11 જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેમણે ખ્રિસ્ત ઈસુને મૂએલાંમાંથી ઉઠાડયા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારાં મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
12 માટે, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી.
13 કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો.
14 કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલા ઈશ્વરના દીકરા છે.
15 કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તકપુત્રપણાનો આત્મા મળ્યો છે, તેને લીધે આપણે આબ્બા, પિતા, એવી હાંક મારીએ છીએ.
16 આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં છોકરાં છીએ,
17 હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો.
18 કેમ કે હું એમ માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વખતનાં દુ:ખો સરખાવવા જોગ નથી.
19 કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે.
20 કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનાર ની ઇચ્છા થી વ્યર્થપણાને સ્વાધીન થઈ;
21 પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.
22 કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી સમગ્ર સૃષ્ટિ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
23 વળી તે એકલી નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની, રાહ જોતાં આપણે પોતના મન માં નિસાસા નાખીએ છીએ.
24 કેમ કે તે આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દશ્ય હોય તે આશા નથી, કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે તેની આશા કેમ રાખે?
25 પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.
26 તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે; કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિ:સાસાથી આપણે માટે મધ્યસ્થતા કરે છે.
27 અને આત્માની ઇચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રોને માટે ઈશ્વર ની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.
28 વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.
29 કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય:
30 વળી જેઓને તેમણે અગાઉથી નકકી કર્યા, તેઓને તેમણે તેડયા પણ; અને જેઓને તેમણે તેડયા, તેઓને તેમણે ન્યાયી પણ ઠરાવ્યા. અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.
31 તો વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?
32 જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?
33 ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે.
34 તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે.
35 ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે, વેદના કે, સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવાર?
36 લખેલું છે, “તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ. કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.”
37 તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.
38 કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે, પરાક્રમીઓ,
39 ઊંચાણ કે ઊંડાણ કે, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×