Bible Versions
Bible Books

1 Chronicles 28 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદે ઇસ્રાએલના બધા અધિકારીઓને યરૂશાલેમમાં ભેગા કર્યા. એમાં કુલસમૂહોના આગેવાનો, રાજ્યની સેવામાં રોકાયેલા અમલદારો, હજાર હજારની અને સો સોની ટુકડીઓના નાયકો, રાજાની અને તેના પુત્રોની તમામ મિલકત અને ઢોરને સંભાળનાર વહીવટદારો, તેમજ દરબારીઓ, શૂરવીરો, ટૂંકમાં બધા મહત્વના માણસોનો સમાવેશ થતો હતો.
2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઇને સંબોધન કરતાં કહ્યું, “મારા ભાઇઓ, અને મારાં પ્રજાજનો, મારી વાત સાંભળો, મારો વિચાર આપણા દેવ યહોવાના કરારકોશ માટે એક વિશ્રાંતિનું મંદિર બાંધવાનો હતો, જે આપણા દેવ માટે પાયાસન જેવું બનશે. અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી;
3 પરંતુ, દેવે મને કહ્યું, ‘તારે મારે નામે મંદિર બાંધવાનું નથી, કારણ, તે ઘણાં યુદ્ધો કર્યા છે. અને પુષ્કળ લોહી રેડ્યું છે.’
4 “તેમ છતાં ઇસ્રાએલના યહોવા દેવે મારા પિતાના કુલસમૂહમાંથી ઇસ્રાએલ પર રાજ્ય કરવા માટે મને સહાય માટે પસંદ કર્યો, કારણ, તેણે રાજકર્તા વંશ તરીકે યહૂદાના કુલસમૂહને પસંદ કર્યો અને તે યહૂદાનાં કુલસમૂહમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યુ. અને તેઓ મારા એટલાં બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને સમગ્ર ઇસ્રાએલનો રાજા બનાવ્યો.
5 અને મારા બધા પુત્રોમાંથી-કારણ, યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે- યહોવાના રાજ્ય સમાન ઇસ્રાએલની રાજગાદી પર બેસવા માટે સુલેમાનને પસંદ કર્યો.
6 અને મને જણાવ્યું, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે મંદિર બંધાવશે, કારણકે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઇશ.
7 જો તે મારા આજ્ઞાઓ તથા હુકમો પાલન આજે કરે છે તેમ ઢતાથી કરતો રહેશે તો હું તેની રાજ્યસત્તા કાયમ માટે સ્થાપન કરીશ.”‘
8 ત્યારબાદ દાઉદે સુલેમાન તરફ ફરીને કહ્યું, “આથી હવે આખા ઇસ્રાએલની, એટલે કે યહોવાના સમાજની સમક્ષ અને યહોવાની સમક્ષ હું તમને સૌને તમારા દેવ યહોવાની આજ્ઞાઓનો અભ્યાસ કરવાનું અને અનુસરવાનું જણાવું છું. જેથી તમે સમૃદ્ધ ભૂમિના માલિક રહો અને તમારા પછી તમારા વંશજોને કાયમ માટે વારસામાં આપી જઇ શકો.
9 “અને મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના દેવનો સ્વીકાર કર અને તેની પૂરા હૃદયપૂર્વક અને રાજીખુશીથી સેવા કર, કારણ, યહોવા અંતર્યામી છે અને તે માણસના બધા વિચારો અને હેતુઓ જાણે છે, જો તું તેની શોધ કરીશ તો તે તારી આગળ પ્રગટ થશે પરંતુ જો તું તેનો ત્યાગ કરીશ તો તે સદા માટે તારો ત્યાગ કરશે.
10 તું એટલું યાદ રાખજે, જે યહોવાએ તને મંદિર બાંધવા માટે પસંદ કર્યો છે; મન મજબૂત રાખી કામ પૂરું કરજે.”
11 પછી દાઉદે સુલેમાનને મંદિર, તેનું પ્રાંગણ અને તેની આસપાસના મકાનોનો નકશો આપ્યો. તેણે તેને ભંડારના, માળ ઉપરની ઓરડીઓ, અંદરની ઓરડીઓ અને દયાસન માટે ઓરડીનો નકશો પણ આપ્યો.
12 યહોવાના મંદિરનું પ્રાગણ બહારની ઓરડીઓ, દેવના મંદિરના ભંડારો અને લોકો જે ભેટો અર્પણ કરે તે રાખવાના કોઠારનો નકશો આપ્યો.
13 તદુપરાંત યાજકો અને લેવીઓના સમૂહો વિષે, યહોવાના મંદિરની ઉપાસનાને લગતાં સર્વ કાર્યો વિષે તથા સેવામાં વપરાતાં વાસણો વિષે પણ તેણે કહ્યું.
14 જુદી જુદી સેવામાં વપરાતા સોનાનાં વાસણો માટે કેટલું સોનું વાપરવું, અને ચાંદીના વાસણો માટે કેટલી ચાંદી વાપરવી,
15 સોના-ચાંદીની દીવીઓ અને તેના કોડિયા માટે કેટલા સોના-ચાંદી વાપરવાં,
16 અપિર્ત રોટલી માટેના બાજેઠોમાંના દરેકમાં કેટલું સોનું વાપરવું, અને ચાંદીના બાજઠો માટે કેટલી ચાંદી વાપરવી,
17 ત્રિશૂળો, થાળીઓ, કટોરા અને રકાબીઓ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું, દરેક સોનાની થાળીઓ માટે કેટલું સોનું વાપરવું અને ચાંદીની થાળી માટે કેટલી ચાંદી વાપરવી,
18 ધૂપની વેદી માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું, અને રથ માટે કેટલું ચોખ્ખુ સોનું વાપરવું તથા યહોવાના કરારકોશ પર પાંખ પ્રસારીને ઊભેલા કરૂબ દેવદૂતો માટે કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે કહ્યું.
19 અને તેણે કહ્યું, “આ બધી નકશાની વિગતો યહોવાએ મને આપ્યા મુજબ તારા માટે મેં લખી રાખી છે.
20 વળી દાઉદે પોતાના પુત્ર સુલોમાનને કહ્યું, “બળવાન અને નિર્ભય બન અને કામ શરૂ કર. આવું જંગી કામ જોઇને ગભરાઇ જતો નહિ. કારણકે જ્યાં સુધી યહોવાના મંદિરનું બાંધકામ તું પૂરું કરે ત્યાં સુધી. યહોવા મારા દેવ તારી સાથે રહેશે, અને તને છોડેશે નહિ અને તારો ત્યાગ નહિ કરે.
21 યાજકોની અને લેવીઓની દેવના મંદિરમાં સેવા કરવા માટેની ટુકડીઓ મેં નક્કી કરી છે. તે બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમજ લોકો પણ તારી આજ્ઞાનું પાલન કરવા તત્પર રહેશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×