Bible Versions
Bible Books

1 Chronicles 28 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદે ઇઝરાયલના સર્વ સરદારોને, કુળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના ને તેના પુત્રોના બધા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારો તથા પરાક્રમી પુરુષોને, એટલે બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.
2 પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોશને માટે, તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે, વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી.
3 પણ ઈશ્વરે મને કહ્યું, ‘તારે મારા નામને માટે મંદિર બાંધવું નહિ, કેમ કે તું લડવૈયો પુરુષ છે, ને તેં લોહી વહેવડાવ્યું છે.’
4 તો પણ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ મારા પિતાના આખા કુટુંબમાંથી મને ઇઝરાયલ પર સર્વકાળ રાજા થવા માટે પસંદ કર્યો છે; કેમ કે અધિકારી થવા માટે તેણે યહૂદાને પસંદ કર્યો છે. અને યહૂદાના કૂળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને મારા પિતાના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયલ પર મને રાજા કર્યો છે.
5 ઇઝરાયલ ઉપર યહોવાનું જે રાજ્ય તેના આસન પર બેસવાને તેમણે મારા સર્વ પુત્રોમાંથી (કેમ કે યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે), મારા પુત્ર સુલેમાનને પસંદ કર્યો છે.
6 યહોવાએ મને કહ્યું ‘તારો પુત્ર સુલેમાન મારું મંદિર તથા મારાં આંગણાં બાંધશે, કેમ કે મારો પુત્ર થવા માટે મેં તેને પસંદ કર્યો છે, ને હું તેનો પિતા થઈશ.
7 જો આજની માફક, મારી આજ્ઞાઓ તથા મારા હુકમો પાળવામાં તે ર્દઢ રહેશે તો હું તેનું રાજ્ય સદાને માટે કાયમ કરીશ,
8 માટે હવે યહોવાની પ્રજાના, એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરનાં સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે સારા દેશનું વતન ભોગવો, ને તમારા પછી તમારાં છોકરાંઓને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ.
9 મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.
10 હવે કાળજી રાખ; કેમ કે પવિત્રસ્થાનને માટે મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે, બળવાન થા, ને તે કામ કર.”
11 પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને મંદિરની ઓસરીનો, તેના ઓરડાઓનો, તેના ભંડારોનો, તેના માળ પરની ઓરડીઓનો, તેના અંદરના ઓરડાઓનો તથા દયાસનની જગાનો નકશો આપ્યો.
12 યહોવાના મંદિરના આંગણાને માટે, ચારે તરફના સર્વ ઓરડાઓને માટે, ઈશ્વરના મંદિરના ભંડારોને માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ તેના મનમાં હતું તે સર્વનો નકશો તેણે તેને આપ્યો.
13 યાજકો તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવવા માટે, યહોવાના મંદિરની સેવાનાં સર્વ કામને માટે, તથા યહોવાના મંદિરની સેવાના પાત્રોને માટે કરેલી સર્વ ગોઠવણ તેણે તેને કહી બતાવી.
14 સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું, તથા દરેક જાતની સેવાનાં રૂપાનાં તમામ પાત્રોને માટે જોઈતું રૂપું તેણે તોળીને આપ્યું.
15 વળી સોનાના દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું, તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું રૂપું તોળીને આપ્યું.
16 અર્પિત રોટલીની મેજોને માટે જોઈતું સોનું, ને રૂપાની મેજોને માટે જોઈતું રૂપું તોળીને આપ્યું.
17 વળી ચોખ્ખા સોનાનાં ત્રિશૂળો, થાળીઓ, વાટકાઓ તથા પ્યાલાંને માટે સોનું ને રૂપાનાં પ્યાલાને માટે રૂપું તોળીને આપ્યું.
18 ધૂપવેદીને માટે ગાળેલું સોનું, ને રથના એટલે યહોવાના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોને નમૂનાને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું.
19 દાઉદે કહ્યું, “એ સર્વ વિષેની, એટલે નમૂનાના સર્વ કામ વિષેની, યહોવા તરફના લેખથી મને સમજણ પાડવામાં આવી છે.”
20 દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું, “બળવાન તથા ખૂબ હિમ્મતવાન થઈને કામ કર; બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ કેમ કે યહોવા ઈશ્વર, હા, મારા ઈશ્વર તારી સાથે છે. યહોવાના મંદિરની સર્વ સેવાનું કામ સંપુર્ણ થતાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ, ને તને તજી દેશે નહિ.
21 ઈશ્વરના મંદિરની સર્વ સેવાને માટે યાજકોની તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવી છે; અને દરેક જાતના કામમાં નિપુણ માણસો રાજીખુશીથી સર્વ પ્રકારના કામમાં તારી સાથે રહેશે. વળી સર્વ સરદારો તથા સર્વ લોકો પૂરેપૂરી રીતે તારી આજ્ઞાને આધીન રહેશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×