Bible Versions
Bible Books

1 Chronicles 29 (GUV) Gujarati Old BSI Version

1 પછી દાઉદ રાજાએ સમગ્ર પ્રજાને કહ્યું, “મારો પુત્ર, સુલેમાન, જેને એકલાને ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજુ જુવાન અને બિનઅનુભવી છે, ને કામ મહા મોટું છે, કેમ કે મહેલ માણસને માટે નહિ, પણ યહોવા ઈશ્વરને માટે છે.
2 હવે મેં મારા સંપૂર્ણ બળથી મારા ઈશ્વરના મંદિરને માટે સોના ની વસ્તુઓ ને માટે સોનું, રૂપા ની વસ્તુઓ ને માટે રૂપું, પિત્તળ ની વસ્તુઓ ને માટે પિત્તળ, લોઢા ની વસ્તુઓ ને માટે લોઢું તથા લાકડાં ની વસ્તુઓ ને માટે લાક્કડ, તેમ ગોમેદ મણિ તથા જડાવકામને માટે તથા ચિત્રવિચિત્ર કામને માટે તરેહ તરેહના રંગનાં, અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન જવાહિરો તથા સંગેમરમરના પુસ્કળ પાષાણો તૈયાર કર્યા છે.
3 વળી તે પવિત્ર મંદિરને માટે જે બધું મેં તૈયાર કર્યુ છે તે ઉપરાંત, મારા ઈશ્વરના મંદિર પર મારો પ્રેમ હોવાથી મારી પાસે મારો પોતાનો સોનારૂપાનો ભંડાર છે તે હું મારા ઈશ્વરના મંદિરને માટે આપું છું.
4 એટલે મંદિરને લગતી ઈમારતોની ભીંતોને મઢવા માટે ઓફીરના સોનામાંથી ત્રણ હજાર તાલંત સોનું, તથા સાત હજાર તાલંત ચોખ્ખું રૂપું;
5 એટલે કારીગરો દ્વારા કરવાની સર્વ પ્રકારની સોનારૂપા ની ચીજોને માટે સોનુંરૂપું આપું છું. તો આજે યહોવાને રાજીખુશીથી અર્પણ થવાને માટે બીજો કોણ આગળ આવે છે?”
6 ત્યારે પિતૃઓનાં કુટુંબોના સરદારોએ, ઇઝરાયલનાં કુળોના સરદારોએ એટલે સહસ્રાધિપતિઓએ, સત્તાધિપતિઓએ, તથા રાજાના કામ પરના મુકાદમોએ રાજીખુશીથી અર્પણ કર્યાં.
7 તેઓએ ઈશ્વરના મંદિરની સેવાને માટે પાંચ હજાર તાલંત સોનું, દશ હજાર ‘દારીક’ સોનું, દશ હજાર તાલંત રૂપું, અઢાર હજાર તાલંત પિત્તળ તથા એક લાખ તાલંત લોઢું આપ્યું.
8 વળી જેઓની પાસે કિંમતી હીરામાણેક મળી આવ્યાં, તેઓએ યહીએલ ગેર્શોનીની મારફતે યહોવાના મંદિરના ભંડારમાં તે આપ્યાં.
9 તેઓએ રાજીખુશીથી તે અર્પ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી તે અર્પણ કર્યા હતાં; અને દાઉદ રાજા પણ બહું હરખાયો.
10 માટે સર્વ સભાજનોના દેખતાં તેણે યહોવાની સ્તુતિ કરી. તેણે કહ્યું, “હે યહોવા, અમારા પિતા ઇઝરાયલના ઈશ્વર, તમે સદા સર્વકાળ સ્તુત્ય હો.
11 હે યહોવા, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તમારાં છે; કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ (તમારું છે); હે યહોવા, રાજ્ય તમારું છે, ને સર્વોપરી અધિકાર પણ તમારો છે.
12 તમારા તરફથી ધન તથા માન બન્ને પ્રાપ્ત થાય છે, ને સર્વ ઉપર તમે રાજ કરો છો. તમારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે. અને સર્વને મોટા તથા બળવાન કરવા તમારા હાથમાં છે.
13 માટે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, ને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ.
14 હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજીખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ? અમારી પાસે જે કંઈ છે તે સર્વ તમારી પાસેથી મળેલું છે, ને તમારા પોતાના આપેલામાંથી અમે તમને આપ્યું છે.
15 અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.
16 હે અમારા ઈશ્વર યહોવા, જે સરંજામ અમે તમારા પવિત્ર નામને માટે તમારું મંદિર બાંધવાને તૈયાર કર્યો છે, તે સર્વ તમારી તરફથી મળેલો છે, ને બધું તમારું પોતાનું છે.
17 હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.
18 હે અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા લોકના અંત:કરણ તથા વિચારો સર્વકાળ એવાં રાખો, ને તમારી તરફ તેઓનાં અંત:કરણ વાળો
19 મારા પુત્ર સુલેમાનને એવું અંત:કરણ આપો કે તે તમારી આજ્ઞાઓ, તમારા નિયમો તથા તમારા વિધિઓ પાળે તથા બધાં કામ કરે અને જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે તે બાંધે.”
20 આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.
21 પછી બીજે દિવસે તેઓએ સર્વ ઇઝરાયલને માટે યહોવાને બલિદાન આપ્યાં અને દહનીયાર્પણો ચઢાવ્યાં, એટલે એક હજાર ગોધાઓ, એક હજાર ઘેટા, એક હજાર હલવાન, તથા તેઓનાં પેયાર્પણો સહિત મોટો યજ્ઞ કર્યો.
22 તેઓએ તે દિવસે મોટા હર્ષથી યહોવાની આગળ ખાધુંપીધું. તેઓએ દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા ઠરાવ્યો, તેઓએ તેને અધિપતિ તરીકે તથા સાદોકને યાજક તરીકે યહોવાની આગળ અભિષિક્ત કર્યા.
23 પછી સુલેમાન પોતાના પિતા દાઉદને સ્થાને રાજા થઈને યહોવાના રાજ્યાસને બિરાજ્યો. તે આબાદ થયો અને સર્વ ઇઝરાયલ તેને આધીન હતા.
24 સર્વ સરદારો તથા પરાક્રમી પુરુષો, તેમ દાઉદ રાજાના બીજા સર્વ પુત્રો પણ સુલેમાન રાજાને આધીન થયા.
25 યહોવાએ સુલેમાનને સર્વ ઇઝરાયલની ર્દષ્ટિમાં બહુ મોટો કર્યો, ને તેની અગાઉના કોઈ પણ ઇઝરાયલના રાજાને હતો એવો રાજ્યવૈભવ યહોવાએ તેને આપ્યો.
26 પ્રમાણે યિશાઈના પુત્ર દાઉદે સર્વ ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
27 તેણે ઇઝરાયલ ઉપર ચાળીસ વર્ષ સુધી રાજ કર્યું. હેબ્રોનમાં રહીને તેણે સાત વર્ષ રાજ કર્યું, ને યરુશાલેમમાં રહીને તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યું.
28 આયુષ્ય, ધન તથા માનથી પરિપૂર્ણ થઈને તે ઘણી વૃદ્ધાવસ્થામાં મરણ પામ્યો. અને તેને સ્થાને તેના પુત્ર સુલેમાને રાજ કર્યુ.
29 દાઉદ રાજાના પહેલાં તથા છેલ્લાં કૃત્યો શમુએલ દષ્ટાના, નાથાન પ્રબોધકના તથા ગાદ દષ્ટાના ઈતિહાસમાં નોંધેલાં છે.
30 તેની આખી કારકિર્દી, તેનાં પરાક્રમ તથા તેના ઉપર તથા ઇઝરાયલ ઉપર તથા દેશોનાં સર્વ રાજ્યો ઉપર જે જે કાળો ગુજર્યા, તે સર્વ તેમાં નોંધેલાં છે..
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×