Bible Versions
Bible Books

1 Corinthians 15 (GUV) Gujarati Old BSI Version

1 હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,
2 અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે, અને વૃથા વિશ્વાસ કર્યો નહિ હોય તો જે દ્વારા તમે તારણ પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.
3 કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્‍ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા;
4 અને ધર્મ શાસ્‍ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા, અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું.
5 અને કેફાને તેમનું દર્શન થયું, પછી બારેય શિષ્યોને થયું;
6 ત્યાર પછી એક સમયે પાંચસો કરતાં વધારે ભાઈઓને તેમનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત‌ છે, પણ કેટલાક ઊંઘી ગયા છે;
7 ત્યાર પછી તેમણે યાકૂબને દર્શન આપ્યું. પછી સર્વ પ્રેરિતોને દર્શન આપ્યું.
8 અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેમનું દર્શન થયું.
9 કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી.
10 પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.
11 પછી ગમે તો હું હોઉં કે તેઓ હોય, પણ અમે પ્રમાણે બોધ કરીએ છીએ, અને પ્રમાણે તમે વિશ્વાસ કર્યો.
12 હવે ખ્રિસ્ત મૂએલાંમાંથી ઊઠયા છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાક કેમ કહે છે કે મૂએલાંનું પુનરુત્થાન નથી?
13 પણ જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠયા નથી!
14 અને જો ખ્રિસ્ત ઊઠયા નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.
15 અને ઈશ્વર વિષે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી પૂરી કે તેમણે ખ્રિસ્તને ઉઠાડયા; પણ જો મૂએલાં ઊઠતાં નહિ હોય, તો તેમને તેમણે ઉઠાડયા નથી.
16 કેમ કે જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠયા નથી;
17 અને જો ખ્રિસ્ત ઊઠયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં છો.
18 વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલાં છે, તેઓ પણ નાશ પામ્યાં છે.
19 જો આપણે માત્ર જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય, તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
20 પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું પ્રથમફળ થયા છે.
21 કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસદ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું.
22 કેમ કે જેમ આદમદ્વારા સર્વ મરે છે, તેમ વળી ખ્રિસ્તદ્વારા સર્વ સજીવન થશે.
23 પણ દરેકને પોતપોતાને અનુક્રમે:ખ્રિસ્ત પ્રથમફળ; ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે સજીવન કરવામાં આવશે.
24 પછી જ્યારે તે ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે બધી રાજ્યસત્તા તથા બધો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે.
25 કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.
26 જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.
27 કેમ કે ઈશ્વરે બધાંને તેમના પગ નીચે આઘીન કર્યા. પણ જ્યારે તેમણે કહ્યું કે, બધાંને આઘીન કરવામાં આવ્યા છે, ત્યારે બધાંને સ્વાધીન કરનાર અલગ છે, તે સ્પષ્ટ દેખાય છે.
28 પણ જ્યારે સર્વને તેમને આઘીન કરવામાં આવશે, ત્યારે જેમણે સર્વને તેમને આઘીન કર્યા છે, એમને દીકરો પોતે પણ આઘીન થશે, જેથી ઈશ્વર સર્વમાં સર્વ થાય.
29 જો એમ હોય તો જેઓ મૂએલાંને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાંનું પુનરુત્થાન થતું નથી, તો તેઓને માટે લોકો શા માટે બાપ્તિસ્મા પામે છે?
30 અમે પણ શા માટે હરહંમેશ જોખમમાં પડીએ છીએ?
31 ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ ના ભય માં છું.
32 જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.
33 ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.
34 ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ કરો; કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા માટે હું કહું છું.
35 પણ કોઈ કહેશે કે મૂએલાંને શી રીતે ઉઠાડવામાં આવે છે? અને તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે છે?
36 અરે, મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહિ તો તે સજીવન પણ થાય નહિ.
37 અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ માત્ર દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના.
38 પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે.
39 સર્વ દેહ એક સરખા નથી; પણ માણસનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાંનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે.
40 વળી સ્વર્ગીય શરીરો છે, તથા પૃથ્વી પરનાં શરીરો છે; પણ સ્વર્ગીય શરીરો નું ગૌરવ જુંદું અને પૃથ્વી પરનાંનું જુંદું.
41 સૂર્યનું તેજ જુદું, અને ચંદ્રનું તેજ જુદું, અને તારાઓનું તેજ જુદું; કેમ કે તારા તારાના તેજમાં પણ ફેર હોય છે.
42 મૂએલાંનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે; અવિનાશમાં ઉઠાડાય છે;
43 અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે;
44 પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે; જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે.
45 એમ પણ લખેલું છે, “પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો.”
46 પણ આત્મિક પહેલું હોતું નથી. પણ પહેલું પ્રાણી; અને પછી આત્મિક.
47 પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો; બીજો માણસ આકાશથી છે.
48 જેવો માટીનો માણસ છે તેવા જેઓ માટીના છે તેઓ પણ છે; અને જેઓ સ્વર્ગીય છે તેવા જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.
49 જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું.
50 હવે, ભાઈઓ, હું કહું છું કે, માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતાં નથી. તેમ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી.
51 જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ,
52 પણ છેલ્‍લું રણશિંગડું વાગતાં જ, એક ક્ષણમાં, આંખના પલકારામાં, આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશિગડું વાગશે, અને મૂએલાં અવિનાશી થઈને ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.
53 કેમ કે વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.
54 જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે.” લખેલી વાત પૂર્ણ થશે.
55 “અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?”
56 મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ શાસ્‍ત્ર છે.
57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણને જય આપે છે, તેમને ધન્યવાદ હો.
58 માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી તમે જાણો છો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×