Bible Versions
Bible Books

2 Chronicles 34 (GUV) Gujarati Old BSI Version

1 યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે આઠ વર્ષનો હતો; તેને એકત્રીસ વર્ષ સુધી યરુશાલેમમાં રાજ કર્યું.
2 તેણે યહોવાની ર્દષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું, તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહિ.
3 તેના રાજ્યને આઠમે વર્ષે, તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલાંમા તો તેણે પોતાના પિતા દાઉદના ઈશ્વરની ઉપાસના કરવા માંડી. બારમે વર્ષે ઉચ્ચસ્થાનો તથા અશેરીમ મૂર્તિઓ કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મુર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.
4 લોકોએ તેની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂકો કરી નાખ્યો, અને તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા તેઓની કબરો પર તે ભૂકો વેર્યો.
5 તેણે તેઓની વેદીઓ ઉપર યાજકોનાં હાડકાં બાળ્યાં. પ્રમાણે તેણે યહૂદિયાને તથા યરુશાલેમને શુદ્ધ કર્યા.
6 મનાશ્શા, એફ્રાઈમ તથા શિમયોનનાં નગરોમાં અને છેક નફતાલી સુધી તેઓની આસપાસના ખંડેરોમાં તેણે એમ કર્યું.
7 તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો, અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.
8 પોતાના રાજ્યને અઢારમે વર્ષે, દેશને તથા મંદિરને શુદ્ધ કર્યા પછી, તેણે અસાલ્યાના પુત્ર સાફાનને તથા નગરના સૂબા માસેયાને તથા ઇતિહાસકાર યોઆહાઝના પુત્ર યોઆને પોતાના ઈશ્વર યહોવાનું મંદિર‍‍ સમારવા માટે મોકલ્યા,
9 અને તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે આવ્યા. જે પૈસા ઈશ્વરના મંદિરમાં લોકો લાવ્યા હતા તે, તથા દ્વારરક્ષક લેવીઓએ મનાશ્શા તથા એફ્રાઈમ પાસેથી, તથા ઇઝરાયલના જે બાકી રહેલા હતા તેમની પાસેથી, તથા યહૂદિયા, બિન્યામીન તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી, ઉઘરાવેલા હતા તે પૈસા તેઓએ તેને સોંપ્યા.
10 તેઓએ તે પૈસા યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા; અને યહોવાના મંદિરમાં કામ કરનાર કામદારોએ મંદિરની મરામત કરીને સમારવા માટે તે આપ્યા.
11 એટલે કે ઘડેલા પથ્થરો, જોડવાને માટે જોઈતાં લાકડાં ખરીદવા માટે, તથા જે ઇમારતોનો યહૂદિયાના રાજાઓએ નાશ કર્યો હતો તેઓને માટે જોઈતા પાટડા લેવાને તેઓએ તે પૈસા સુતારોને તથા મિસ્ત્રીઓને આપ્યા.
12 તે માણસોએ પ્રામાણિકપણે તે કામ કર્યું; મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ તથા ઓબાદ્યા તેઓના મુકાદમો હતા. કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા તથા મશુલ્લામ કામ ચલાવનાર હતા; તથા બીજા લેવીઓ પણ હતા, જેઓ વાજિંત્ર વગાડવામાં પ્રવીણ હતા, તે સર્વ.
13 તેઓ ભાર ઊંચકનારાઓના ઉપરી હતાં ને દરેક પ્રકારની સેવામાં કામ કરવારાઓ ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા, કારભારીઓ તથા દ્વારપાળો હતા.
14 જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા, તે તેઓ કાઢતાં હતા તેવામાં મૂસાની મારફતે અપાયેલા યહોવાના નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને મળી આવ્યું.
15 હિલ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું.
16 એટલે શાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાને તેણે એવી ખબર પણ આપી, આપના સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે.
17 જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યાં તે તેઓએ મુકાદમોને તથા કામ કરાનારાઓને સોંપી દીધા છે.”
18 શાફાન ચિટનીસે રાજાને ખબર આપી, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.” શાફાને તેમાંથી રાજાને કંઈક વાચી સંભળાવ્યું.
19 રાજાએ નિયમશાસ્‍ત્રનાં વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડી નાખ્યાં.
20 તેણે હિલ્કિયાને, શાફાનના પુત્ર અહીકામને, મિખાના પુત્ર આબ્દોનને, શાફાન ચિટનીસને તથા રાજાના સેવક અસાયાને આજ્ઞા કરી,
21 “તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇઝરાયલમાં તથા યહૂદિયામાં બાકી રહેલાઓની ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો કોપ આપણા ઉપર થયો છે તે દારુણ છે, કેમ કે પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”
22 માટે હિલ્કિયા તથા જેઓને રાજાએ આજ્ઞા કરી હતી તેઓ, પોષાકખાતાના ઉપરી હાસ્રાના પુત્ર તોકહાથના પુત્ર શાલ્લુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા (તે તો યરુશાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી); તેઓએ તેની સાથે ઉપર જણાવેલી બાબત વિષે વાત કરી,
23 હુલ્દાએ તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે, ‘જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને એમ કહો કે,
24 યહોવા એમ કહે છે કે, જગા પર તથા અહીંના રહેવાસીઓ ઉપર યહૂદિયાના રાજાની આગળ વાંચેલા પુસ્તકમાંના સર્વ શાપ હું લાવીશ.
25 કારણ કે તેઓએ મને તજી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, અને પોતાના સર્વ કામોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તે માટે મારો કોપ જગા પર પ્રગટ થયો છે, ને હોલવાશે પણ નહિ.
26 પણ યહૂદિયના રાજાએ તમને યહોવાની સલાહ લેવાને મોકલ્યા, તેને તમો કહો કે, ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે, જે વાતો તેં સાંભળી છે તે વિષે,
27 જ્યારે જગા વિરુદ્ધ તથા તેના રહેવાસીઓ વિરુદ્ધ તારા ઈશ્વરના વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું અંત:કરણ કોમળ થયું, તું તેની આગળ દીન બની ગયો, ને મારી આગળ દીન બનીને તેં તારાં વસ્ત્ર ફાડ્યાં ને મારી આગળ રુદન કર્યું માટે મેં તારું સાંભળ્યું છે, એમ યહોવા કહે છે.
28 હું તને તારા પિતૃઓ ભેગો કરીશ, તું તારી કબરમાં શાતિથી મુકાશે, ને જગા ઉપર તથા તેના રહેવાસીઓ ઉપર જે આપત્તિ હું લાવીશ તે તું જોશે નહિ.’ તેઓએ પાછા આવીને વાત રાજાને કહિ.
29 રાજાએ સંદેશિયા મોકલીને યહૂદિયા તથા યરુશાલેમના સર્વ વડીલોને એકત્ર કર્યા.
30 રાજા તથા યહૂદિયાના સર્વ માણસો, યરુશાલેમના રહેવાસીઓ, યાજકો, લેવીઓ તથા નાનામોટા તમામ લોકો યહોવાના મંદિરમાં ચઢી ગયા; અને કરારનું જે પુસ્તક યહોવાના મંદિરમાંથી મળ્યું હતું તેના સર્વ વચનો તેણે તેઓને વાંચી સંભળાવ્યાં.
31 રાજાએ પોતાની જગાએ ઊભા થઈને પુસ્તકમાં લખેલાં કરારનાં વચન પ્રમાણે કરવાને માટે, પોતાના ખરા હ્રદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાને તથા તેમની આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો તથા તેમના વિધિઓ પાળવાને યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી.
32 વળી યરુશાલેમ તથા બિન્યામીનમાં જે માણસો હતા તેઓની તેણે તેમાં સંમતિ લીધી, યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના, એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના, કરાર પ્રમાણે કર્યું.
33 યોશિયાએ ઇઝરાયલી લોકોના તાબાના સર્વ દેશમાંથી સર્વ અમંગળ વસ્તુઓ દૂર કરી; અને ઇઝરાયલમાંના જે મળી આવ્યા તેઓની પાસે તેણે યહોવાની સેવા કરાવી. તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાને અનુસરતા રહ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×