Bible Versions
Bible Books

2 Kings 17 (GUV) Gujarati Old BSI Version

1 યહૂદિયાના રાજા આહાઝને બારમે વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ રાજ કર્યું.
2 તેણે યહોવની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તોપણ તેની પહેલાં થઈ ગયેલા ઇઝરાયલના રાજાઓના જેવું નહિ.
3 તેના પર આશૂરનો રાજા શાલ્માનેસેર ચઢી આવ્યો; અને હોશિયા તેનો તાબેદાર થઈને તેને ખંડણી આપવા લાગ્યો.
4 પણ આશૂરના રાજાને હોશિયાનું કાવતરું માલૂમ પડ્યું; કેમ કે એણે મિસરના સો નામના રાજા પાસે સંદેશવાહકો મોકલ્યા હતા, ને વરસોવરસની જેમ હોશિયાએ આશૂરના રાજાને ખંડણી ભરી નહોતી. તેથી આશૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.
5 પછી આશૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, ને સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરી લીધું.
6 હોશિયાને નવમે વર્ષે આશૂરના રાજાએ સમરુન લીધું, ને ઇઝરયલને આશૂરમાં પકડી લઈ જઈને તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓનાં નગરોમાં રખ્યા.
7 અને એમ થયું એનું કારણ છે કે ઇઝરયલપુત્રોએ મિસરના રાજા ફારુનના હાથ નીચેથી મીસર દેશમાંથી પોતાને કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું, ને અન્ય દેવોની ઉપાસના કરી હતી,
8 અને જે પ્રજાઓને યહોવાએ તેમની આગળથી હાંકી કાઢી હતી તેઓના વિધિઓ પ્રમાણે, તથા પોતાના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
9 જે સારાં નહિ એવા કામ ઇઝરાયલી લોકોએ ગુપ્ત રીતે પોતાના ઇશ્વર યહોવા વિરુદ્ધ કર્યાં હતાં; અને પોતાનાં સર્વ નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી, તેઓએ પોતાના માટે ઉચ્ચસ્થાનો બાંધ્યાં હતાં.
10 તેઓએ પોતાને માટે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે સ્તંભો તથા અશેરીમ મૂર્તિઓ ઊભાં કર્યાં હતાં.
11 અને યહોવાએ જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી હતી, તેઓની જેમ ત્યાં તેઓ સર્વ ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળતા હતા, ને દુષ્ટ કૃત્યો કરીને યહોવાને રોષ ચઢાવતા હતા.
12 યહોવાએ મના કર્યા છતાં તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા.
13 તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક ર્દષ્ટા મારફતે ઇઝરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું, “તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.”
14 તોપણ તેઓએ યહોવાનું સાંભળ્યું નહિ, પણ તેઓના પિતૃઓ કે જેઓ પોતાના ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખતા નહોતા, તેઓના જેવા તેઓ સ્વચ્છંદી થઈ ગયા હતા.
15 યહોવા ના વિધિઓનો તથા તેમના પિતૃઓની‍‍ સાથે યહોવાએ કરેલા કરારનો, તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો. અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામાં થઈ ગયા, અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિષે યહોવાએ તેમને કહ્યું હતું, “તમારે તેમની જેમ કરવું નહિ, તેમનું અનુકરણ તેઓએ કર્યું.
16 અને તેમના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓનો ત્યાગ કરીને તેઓએ પોતાને માટે ઢળેલી મૂર્તિઓ, એટલે બે વાછરડા, બનાવ્યા હતા, અશેરા મૂર્તિ ઊભી કરી હતી, ને આકાશના સર્વ જ્યોતિમંડળની ભક્તિ કરી હતી, ને બાલની સેવા કરી હતી.
17 અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમાં થઈને ચલાવ્યાં હતાં, ને તેઓ શકુનવિદ્યા તથા જાદુક્રિયાનો ઉપયોગ કરતા હતા, ને યહોવાની ર્દષ્ટિમાં જે ભૂડું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાને રોષ ચઢાવ્યો હતો.
18 માટે યહોવાએ ઇઝરાયલ પર અતિ કોપાયમાન થઈને તેમને પોતાની ર્દષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદાના કુળ સિવાય બીજું કોઈ રહેવા પામ્ચું નહિ.
19 યહૂદિયાએ પણ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળી નહિ, પણ ઇઝરાયલના કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
20 યહોવાએ ઇઝરાયલનાં સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપતિ લાવ્યા, ને તેમને લૂટારાઓના હાથમાં સોંપીને, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.
21 યહોવાએ ઇઝરાયલને દાઉદના કુટુંબમાંથી વિભાજિત કરીને જુદા પાડ્યા; અને તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા ઠરાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.
22 ઇઝરાયલી લોકો યરોબામે કરેલાં સર્વ પાપો પ્રમાણે ચાલ્યા. તેનાથી તેઓ દૂર રહ્યા નહિ.
23 એટલે સુધી કે યહોવા પોતાના સેવક સર્વ પ્રબોધક મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે ઇઝરાયલને પોતાની નજર આગળથી દૂર કર્યા, એમ ઇઝરાયલ તેમના પોતાના દેશમાંથી આશૂરમાં લઈ જવામાં આવ્યા, ને તેઓ આજ સુધી ત્યાં છે.
24 આશૂરના રાજાએ બાબિલમાંથી, કુંથામાંથી, આવ્વામાંથી, હમાથમાંથી તથા સફાર્વાઈમમાંથી માણસો લાવીને તેમને ઇઝરાયલી લોકોને બદલે સમરુનનાં નગરોમાં વસાવ્યા. તેઓ સમરુનને પોતાનું વતન કરી લઈને તેનાં નગરોમાં રહ્યા.
25 ત્યાંના તેઓના વસવાટની શરૂઆતમાં તેઓએ યહોવાની બીક રાખી નહિ, માટે યહોવાએ તેઓની મધ્યે સિંહો મોકલ્યા; સિંહોએ તેમાંના કેટલાકને મારી નાખ્યા.
26 માટે તેઓએ આશૂરના રાજાને એમ કહાવ્યું, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનનાં નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી, માટે તેણે તેઓ મધ્યે સિંહો મોકલ્યા છે, અને જુઓ, તેઓ તમને મારી નાખે છે, કેમ કે તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી.”
27 ત્યારે આશૂરના રાજાએ આજ્ઞા કરી, “જે યાજકોને તમે ત્યાંથી લાવ્યા હતા, તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ. તેઓ જઈને ત્યાં વસે, ને તે તેમને તે દેશના ઈશ્વરની રીત શીખવે.”
28 તેથી જે યાજકોને તેઓ સમરુનમાંથી લઈ ગયા હતા, તેઓમાંથી એક આવીને બેથેલમાં રહયો, ને તેઓએ કેવી રીતે યહોવાની બીક રાખવી જોઈએ, તે તેમને શીખવવા લાગ્યો.
29 તોપણ સર્વ પ્રજાઓએ પોતપોતાના દેવો બનાવીને જે નગરોમાં તેઓ રહેતા હતા તેઓની અંદર, સમરુનીઓએ બનાવેલાં ઉચ્ચસ્થાનોનાં મંદિરોમાં તેમની પ્રતિષ્ઠા કરી.
30 બાબિલના માણસોએ સુક્કોથ-બનોથ નામે મૂર્તિ બનાવી, કૂથના માણસોએ નેર્ગોલ નામે મૂર્તિ બનાવી, હમાથના માણસોએ અશીમા નામે મૂર્તિ બનાવી.
31 આવ્વીઓએ નિબ્હાઝ તથા તાર્ત્તાક નામે મૂર્તિઓ બનાવી, ને સફાર્વાઇમના દેવ આદ્રામ્મેલેખ તથા અનામ્મેલેખની આગળ દહનીયાર્પણ કર્યું.
32 એમ તેઓ યહોવાનો ડર રાખતા હતા, ને તેઓ પોતાને માટે ઉચ્ચસ્થાનોના યાજકો પોતામાંથી ઠરાવતા. તેઓ તેમને માટે ઉચ્ચસ્થાનોનાં મંદિરમાં યજ્ઞ કરતા.
33 તેઓ યહોવાથી ડરતા, ને જે પ્રજાઓમાંથી તેમને પકડી લાવવામાં આવ્યા હતા તેઓની રીત પ્રમાણે તેઓ પોતપોતાના દેવોની સેવા કરતા હતા.
34 આજ દિવસ સુધી તેઓ આગળની રીત પ્રમાણે કરે છે: તેઓ યહોવાની બીક રાખતા નથી, તેમ પોતાના વિધિઓ પ્રમાણે, પોતાની રીત પ્રમાણે, ને જે નિયમ તથા આજ્ઞા યહોવાએ યાકૂબ, જેનું નામ ઇઝરાયલ પાડ્યું, તેના પુત્રોને ફરમાવ્યાં હતાં, તે પ્રમાણે તેઓ વર્તતા નથી.
35 ઇઝરાયલી લોકો સાથે યહોવાએ કરાર કર્યો હતો, ને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે અન્ય દેવોનો ડર રાખવો નહિ, ને તેઓને નમવું નહિ, તેઓની સેવા કરવી નહિ, ને તેઓની આગળ યજ્ઞ કરવા નહિ.
36 પણ યહોવા કે જે તમને મોટા પરાક્રમથી તથા લંબાવેલ હાથથી મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તેમની બીક તમારે રાખવી, તેમને તમારે નમન કરવું, ને તેમને તમારે યજ્ઞ કરવા.
37 વળી જે વિધિઓ, કાનૂનો નિયમ તથા આજ્ઞા તેમણે તમારે માટે લખ્યાં, તે પાળીને તેનો અમલ તમારે સર્વકાળ કરવો. અને તમારે અન્ય દેવોની બીક રાખવી નહિ.
38 મેં જે કરાર તમારી સાથે કર્યો છે તે તમારે વીસરી જવો નહિ; અને અન્ય દેવોની બીક તમારે રાખવી નહિ.
39 પણ તમારા ઈશ્વર યહોવાની બીક તમારે રાખવી; એટલે તે તમને તમારા સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવશે.”
40 તોપણ તેઓએ સાંભળ્યું નહિ, પણ પોતાની આગલી રીત પ્રમાણે તેઓએ કર્યા કર્યું.
41 એવી રીતે તે પ્રજાઓ યહોવાનો ડર રાખતી હતી, ને પોતાની કોતરેલી મૂર્તિઓની સેવા કરતી હતી, તેમનાં છોકરાં, તથા તેમનાં છોકરાંના છોકરાં પણ, જેમ, તેઓના પિતૃઓ કરતા હતા તેમ, આજ દિવસ સુધી કરે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×