Bible Versions
Bible Books

2 Samuel 2 (GUV) Gujarati Old BSI Version

1 ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી, “શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં?” યહોવાએ તેને કહ્યું, “જા.” દાઉદે પૂછ્યું, “હું ક્યાં જાઉં?” તેમણે કહ્યું, “હેબ્રોનમાં.”
2 તેથી દાઉદ અને તેની બે સ્‍ત્રીઓ એટલે યિઝ્રએલી અહિનોઆમ તથા નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઇલ, ત્યાં ગયાં.
3 અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવારસહિત દાઉદ તેઓને લઈ ગયો. તેઓ હેબ્રોનનાં નગરોમાં રહ્યાં.
4 અને યહૂદિયાના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા, શાઉલને દાટનાર તે યાબેશ-ગિલ્યાદના માણસો હતા.”
5 ત્યારે દાઉદે યાબેશ-ગિલ્યાદના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું, “યહોવા તમને આશિષ દો, કેમ કે તમે તમારા રાજા શાઉલ પર આવી કૃપા કરીને તેમને દાડ્યા છે.
6 હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો. વળી તમે કૃત્ય કર્યું છે, માટે હું પણ, તમને તમારી ભલાઈનો બદલો આપીશ.
7 માટે, હવે તમારા હાથ બળવાન થાઓ, ને તમે શૂરવીર થાઓ; કેમ કે તમારા રાજા શાઉલ મરણ પામ્યા છે, ને વળી યહૂદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે.”
8 હવે શાઉલનો સેનાપતિ, નેરનો દિકરો આબ્નેર શાઉલના દિકરા ઈશ-બોશેથને લઈને માહનાઈમમાં જતો રહ્યો હતો.
9 તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.
10 (શાઉલનો દિકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, ને તેણે બે વર્ષ રાજ કર્યું.) પણ યહૂદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું.
11 યહૂદાનું કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય સાત વર્ષ ને માસ સુધીનો હતો.
12 નેરનો દિકરો આબ્નેર તથા શાઉલના દિકરા ઈશ-બોશેથના ચાકરો માહનાઈમથી નીકળીને ગિબ્યોનમાં ગયા,
13 અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.
14 અને આબ્નેરે યોઆબને કહ્યું, “કૃપા કરીને જુવાનોને ઊઠીને આપણી આગળ કંઈ ગમત કરવા દે.” યોઆબે કહ્યું, “તેઓ ભલે ઊઠે.”
15 ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઊઠીને સામી બાજુએ ગયા; એટલે બિન્યામીન તરફથી તથા શાઉલના દિકરા ઈશ-બોશેથ તરફથી બાર, ને દાઉદના ચાકરોમાંથી બાર.
16 તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથીની કૂખમાં ભોકી દીધી; અને તે બધા સાથે નીચે પડ્યા; માટે તે જગાનું નામ હેલ્કાથ-હાસ્‍સુરીમ પડ્યું, તે ગિબ્યોનમાં છે.
17 અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું; અને આબ્નેર તથા ઇઝરાયલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા.
18 અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.
19 અસાહેલ આબ્નેરની પાછળ પડ્યો; અને આબ્નેરની પાછળ દોડતાં તે જમણી કે ડાબી તરફ વળ્યો નહિ.
20 ત્યારે આબ્નેર પાછળ નજર કરીને કહ્યું, “અસાહેલ, શું તું છે?” તેણે ઉત્તર આપ્યો, “હા હું છું.”
21 આબ્નેરે તેને કહ્યું, “તારી જમણી કે ડાબી બાજુએ ફરી જા, ને જુવાનોમાંથી એકને પકડીને તેનાં શસ્‍ત્ર લે.” પણ અસાહેલ તેની પાછળથી મરડાયો નહિ.
22 આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું, “મારી પાછળ લાગવાથી તું આડો અવળો ફરી જા; શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને શી રીતે મારું મોં દેખાડું?”
23 પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું નહિ; તેથી આબ્નેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો; અને તે ત્યાં પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગાએ જેટલા માણસો આવ્યા, તે ત્યાં ઊભા રહ્યા.
24 પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પછવાડે પડ્યા; અને આમ્મા પર્વત કે, જે ગિબ્યોનના રાનના માર્ગે ગીયાહ આગળ છે, ત્યાં તેઓ પહોંચ્ય, ત્યારે સૂર્યાસ્ત થયો.
25 બિન્યામીનપુત્રો આબ્નેરની પાછળ એકત્ર થયા, ને એક ટોળી બનીને તેઓ એક પર્વતના શિખર પર ઊભા રહ્યા.
26 ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું તરવાર સદા સંહાર કર્યા કરેશે? શું તું જાણતો નથી કે એનું પરિણામ તો કડવું આવશે? ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરીશ?”
27 યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, જો તું બોલ્યો હોત તો લોકોએ છેક સવાર સુધી પોતાના ભાઈઓનો પીછો પકડે રાખ્યો હોત.”
28 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે સર્વ લોકો ઊભા રહ્યા, અને ઇઝરાયલની પાછળ પડતાં અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું.
29 અને આબ્નેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા, અને યર્દન ઊતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ માહનાઈમ પહોંચ્યા.
30 અને યોઆબ આબ્નેરની પાછળ પડવાથી પાછો ફર્યો. તેણે સર્વ લોકોને એક્ત્ર કર્યા, ત્યારે દાઉદના ચાકરોમાંથી ઓગણીસ માણસ તથા અસાહેલ ઓછા માલૂમ પડ્યા.
31 પણ દાઉદના ચાકરોએ બિન્યામીનના તથા આબ્નેરના માણસોને એવા માર્યા કે તેઓમાંના ત્રણસો ને સાઠ માણસો મરી ગયા.
32 તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાંની તેના પિતાની કબરમાં દાટ્યો. યોઆબ તથા તેના માણસો આખી રાત ચાલ્યા, ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×