Bible Versions
Bible Books

2 Samuel 22 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદને યહોવાએ તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તે ગીતના શબ્દો યહોવા આગળ બોલ્યો;
2 અને તેણે કહ્યું, “યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, હા, મારો છે;
3 મારા ખડકના ઈશ્વર, હું તેમના પર ભરોસો રાખીશ; તે મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તમે મને જુલમમાંથી બચાવો છો.
4 યહોવા જે સ્તુતિપાત્ર છે, તેમને હું હાંક મારીશ; એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
5 કેમ કે મૃત્યુનાં મોજાંએ મને ઘેરી લીધો હતો, દુષ્ટ માણસોની રેલોએ મને બીવડાવ્યો હતો.
6 શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો હતો. મરણના પાશમાં હું સપડાયો હતો.
7 મારા સંકટમાં મેં યહોવાને હાંક મારી, હા, મારા ઈશ્વરને મેં સંબોધ્યા; એટલે તેમણે પોતાના મંદિરમાંથી મારી વાણી સાંભળી, અને મારી અરજ તેમને કાને પડી.
8 ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, આકાશોના પાયા ખસી ગયા તથા હાલ્યા, કારણ કે તે કોપાયમાન થયા હતા.
9 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો ચઢ્યો, અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો; તેથી કોલસા સળગી ઊઠ્યા.
10 વળી આકાશોને નમાવીને તે ઊતર્યા; અને તેમના પગ નીચે ઘોર અંધકાર હતો.
11 અને કરૂબ ઉપર સવારી કરીને તે ઊડ્યા; હા, વાયુની પાંખો પર તે દેખાયા.
12 તેમણે પોતાની આસપા અંધકારનુમ, પાણીના સમુદાયનું, તથા આકાશના ઘાડા મેઘોનુમ આવરણ બનાવ્યું.
13 તેમની સામેના પ્રકાશથી અગ્નિના કોલસા સળગી ઊઠ્યા.
14 આકાશમાંથી યહોવાએ ગર્જના કરી, અને પરાત્પરે પોતાનો સાદ કાઢ્યો.
15 બાણો મારીને તેમણે તેઓને વિખેરી નાખ્યા; વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.
16 ત્યારે યહોવાની ધમકીથી, તેમનાં નસકોરાંના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં, જગતના પાયા ઉઘાડા થયા.
17 તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે જળસમુદાયમાંથી મને બહાર કાઢ્યો;
18 તેમણે મારા બળવાન શત્રુથી, મારા દ્વેષીઓથી મને બચાવ્યો; કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.
19 મારા સંકટને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા; પણ યહોવા મારો આધાર હતા.
20 વળી તેમણે મને ખુલ્લી જગામાં લાવીને મૂક્યો; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્‍ન હતા.
21 મારા ન્યાયીપણા પ્રમાણે યહોવાએ મને પ્રતિફળ આપ્યું; મારા હાથની શુદ્ધતા પ્રમાણે તેમણે મને બદલો આપ્યો છે.
22 કેમ કે મેં યહોવાના માર્ગ પાળ્યા છે, અને દુષ્ટતા કરીને હું મારા ઈશ્વરની વિમુખ થયો નથી.
23 કેમ કે તેમના સર્વ ન્યાયકૃત્યો મારી સંમુખ હતાં. અને તેમના વિધિઓમાંથી હું હઠી ગયો નહિ.
24 વળી હું તેમની પ્રત્યે સંપૂર્ણ હતો, અને મેં મારા અન્યાયથી પોતાને સંભાળ્યો.
25 માટે યહોવાએ મારા ન્યાયીપણા પ્રમાણે, તથા તેમની દષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે.
26 માયાળુની સાથે તમે માયાળુ દેખાશો, સાત્વિકની સાથે તમે સાત્વિક દેખાશો.
27 શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો; અને હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો.
28 અને દુખિયારાને તમે બચાવશો; પણ ગર્વિષ્ઠો પર તમારી આંખ છે, માટે કે તેઓને તમે નમાવો.
29 કેમ કે, હે યહોવા તમે મારો દીવો છો: અને યહોવા મારા અંધકારને પ્રકાશિત કરશે.
30 કેમ કે તમારા વડે હું પલટણ પર ઘસી જાઉં છું; મારા ઈશ્વરથી હું કોટ કૂદી જાઉં છું.
31 ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે; યહોવાનું વચન પરખાયેલું છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે.
32 કેમ કે યહોવા વિના ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના ગઢ કોણ છે?
33 ઈશ્વર મારો મજબૂત ગઢ છે; તે સાત્વિકને તેમના માર્ગમાં દોરે છે.
34 તે મારા પગને હરણીના પગ જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
35 તે મારા હાથોને લડતાં શીખવે છે. તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
36 વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; અને તમારી કૃપાદષ્ટિએ મને મોટો કર્યો છે.
37 તમે મારાં પગલાં નીચે જગા વિશાળ કરી છે, અને મારા પગ સરકી ગયા નથી.
38 મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો વિનાશ કર્યો છે. અને તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.
39 મેં તેઓનો સંહાર કર્યો છે, તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ ફરી ઊઠી શકે.
40 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય બાંધ્યું છે, મારી સામે ઊઠનારાને તમે મારે તાબે કર્યા છે.
41 વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવાવી છે, કે, મારા દ્વેષીઓનો હું નાશ કરું.
42 તેઓએ જોયું, પણ બચાવનાર કોઈ નહોતો; વળી તેઓએ યહોવાને વિનંતી કરી, પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો નહિ.
43 ત્યારે મેં તેઓને ખાંડીને ભૂમિની ધૂળ જેવા કરી નાખ્યા, તેઓને રસ્તાના કાદવની જેમ મેં ખૂંદ્યા, ને તેઓને ચોતરફ વિખેરી નાખ્યા,
44 વળી મારા લોકોના ટંટાઓમાંથી તમે મને છોડાવ્યો છે; વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે; જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે.
45 પારકા લોકો ઢોંગથી મારે શરણે આવશે. મારા વિષે સાંભળતાં તેઓ મારું માનશે.
46 પારકા લોકોનો ક્ષય થશે, અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે.
47 યહોવા જીવે છે; મારા ખડકને ધન્ય હો. અને મારા તારણરૂપી ખડકના ઈશ્વર મોટા મનાઓ;
48 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકોને મારી સત્તા નીચે લાવી રાખે છે,
49 અને જે મારા શત્રુઓ પાસેથી મને છોડી લાવે છે તે; હા, મારી સાથે ઊઠનારાથી તમે મને ઊંચો ચઢાવો છો; તમે જુલમી માણસથી મને બચાવો છો.
50 માટે વિદેશીઓમાં, હે યહોવા, હું તમારો આભાર માનીશ, અને હું તમારો નામનાં સ્તોત્ર ગાઈશ.
51 તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે. અને તે પોતાના અભિષિક્ત પર, એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદાકાળ મહેરબાની રાખે છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×