Bible Versions
Bible Books

2 Samuel 5 (GUV) Gujarati Old BSI Version

1 પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ.
2 ભૂતકાળમાં જયારે અમાંરો રાજા શાઉલ હતો ત્યારે પણ યુદ્ધમાં તમે ઇસ્રાએલી સૈન્યની આગેવાની લેતા હતા, અને યહોવાએ તમને કહ્યું કે, ‘માંરી પ્રજા ઇસ્રાએલની સારસંભાળ લેનાર માંણસ તું છે, તું તેમનો શાસનકર્તા થનાર છે.”‘
3 તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.
4 દાઉદ રાજગાદી પર બેઠો ત્યારે તેની ઉંમર30 વર્ષની હતી. તેણે40 વરસ રાજય કર્યુ.
5 તે હેબ્રોનમાં રહ્યો અને યહૂદાના લોકો ઉપર સાડા સાત વર્ષ રાજય કર્યુ. ત્યારબાદ તેણે યરૂશાલેમમાં રહીને સમગ્ર ઇસ્રાએલ અને યહૂદાના લોકો ઉપર 33 વર્ષ રાજય કર્યું.
6 ત્યાર પછી દાઉદ પોતાનું સૈન્ય લઈને યરૂશાલેમ ગયો અને ત્યાં યબૂસીઓ સાથે યુદ્ધમાં લડ્યો. યબૂસીઓએ દાઉદને કહ્યું, “તું અમાંરા શહેરમાં આવી શકશે નહિ. અમાંરા આંધળા અને લંગડા લોકો સુદ્ધાં તને રોકી શકશે.” તેઓ માંનતા હતા કે દાઉદ તેઓના નગરમાં દાખલ થઇ શકશે નહિ.
7 પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું.
8 તે દિવસે દાઉદે તેના સૈન્યના માંણસોને કહ્યું, “પાણીના વહેળા વચ્ચે થઈને જાઓ, અને આંધળા તથા લંગડા શત્રુઓ સુધી પહોચો.”આથી લોકો કહે છે કે, “આંધળા અને લંગડા ઘરમાં પ્રવેશી શકશે નહિ.”
9 દાઉદ ગઢમાં રહેતો અને તેનું નામ “દાઉદનગર” પાડયું. ત્યાર બાદ તેણે મિલ્લો બાંધ્યો અને નગરની અંદર બીજા મકાનો બાંધ્યા.
10 રીતે દાઉદ બળવાન અને વધુ બળવાન થતો ગયો, કારણ, સર્વસમર્થ દેવ યહોવા તેની સાથે હતા અને તેને મદદ કરી.
11 સૂરના રાજા હીરામે કાસદો, સુથારો, પથ્થરકામ કરનારા અને દેવદાર કાષ્ટના, દાઉદને માંટે તેનો મહેલ બાંધવા મોકલ્યા.
12 દાઉદને પ્રતીતિ થઈ “કે દેવે તેને રાજા બનાવ્યો છે અને તેના રાજયને ઇસ્રાએલને માંટે પદ ગૌરવ તેના લોકો માંટે વધારી આપ્યંુ હતું.”
13 હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાંથી વધારે પત્નીઓ તથા ઉપપત્નીઓ કરી; અને તેને અનેક દીકરા તથા દીકરીઓ થયાં.
14 યરૂશાલેમમાં જન્મેલાં તેનાં સંતાનોનાં નામ નીચે પ્રમાંણે છે; શામ્મુઆ, શોબાબ, નાથાન, સુલેમાંન,
15 યિબ્હાર, એલીશૂઆ, નેફેગ, યાફીયા,
16 અલીશામાં, એલ્યાદા અને અલીફેલેટ.
17 પલિસ્તીઓએ સાંભળ્યું કે, દાઉદ સમગ્ર ઇસ્રાએલીઓનો રાજ્યકર્તા બન્યો છે; તેઓ સાથે ભેગા થઈને દાઉદને માંરી નાખવા તેની શોધખોળ કરવા નીકળી પડયા, દાઉદે સાંભળ્યું અને યરૂશાલેમના કિલ્લામાં ચાલ્યો ગયો.
18 પલિસ્તીઓ આવી પહોંચ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા.
19 દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?”યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”
20 તેથી દાઉદે બઆલ-પરાસીમમાં તેઓને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેમ તૂટેલા બંધમાંથી પાણીના પૂરની જેમ યહોવાએ માંરા શત્રુઓમાં ભંગાણ પાડયું છે. તેથી જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું છે.
21 પલિસ્તીઓ પોતાના દેવની મૂર્તિઓ બઆલ-પરાસીમમાં મૂકીને ભાગી ગયા હતા. દાઉદ અને તેના સૈનિકોએ તેઓની મૂર્તિઓ કબજે કરી હતી.
22 પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી.
23 દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે.
24 જયારે તું ઝાડની ટોચ ઉપરથી યુદ્ધમાં કૂચ કરવા જતો હોય તેવો પલિસ્તીઓનો અવાજ સાંભળે ત્યારે આગળ વધજે, કારણ કે, યહોવા તારી આગળ હશે અને પલિસ્તીઓની સેના તેનાથી હારી જશે.”
25 દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×