Bible Versions
Bible Books

Deuteronomy 11 (GUV) Gujarati Old BSI Version

1 માટે તું યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખ, ને તેમનું ફરમાન તથા તેમના વિધિઓ તથા તેમના હુકમો તથા તેમની આજ્ઞાઓ સર્વદા પાળ.
2 અને આજે સમજો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની શિક્ષા, તેમનું મહત્વ, તેમનો પરાક્રમી હાથ, તથા તેમનો લંબાવેલો બાહુ,
3 તથા તેમનાં ચિહ્નો તથા તેમનાં કૃત્યો, જે તેમણે મિસર મધ્યે મિસરનાં રાજા ફારુન પ્રત્યે તથા તેના આખા દેશ પ્રત્યે કર્યાં તે;
4 તથા મિસરના સૈન્યની, તેઓના ઘોડાઓની તથા તેઓના રથોની તેમણે કેવી હાલત કરી એટલે કે, તેઓ તમારી પાછળ ઘસતા હતા તેવામાં તેમણે સૂફ સમુદ્રનું પાણી તેમની ઉપર ફેરવી વાળ્યું, ને યહોવાએ તેમનો આજ સુધી જે નાશ કર્યો તે;
5 અને તમે જગાએ આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે માટે જે જે કર્યું તે;
6 અને સર્વ ઈઝરાયલના જોતાં રુબેનના દીકરા અલીઆબના દીકરા દાથાન તથા અબીરામના તેમણે જે હાલ કર્યા, એટલે કે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને તથા તેમનાં કુટુંબીઓને તથા તેમના તંબુઓને તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ, તે બધું જેઓએ જાણ્યું નથી તથા જોયું નથી તેમની સાથે એટલે તમારાં છોકરાંની સાથે નહિ પણ તમારી સાથે હું બોલું છું.
7 યહોવાએ કરેલાં સર્વ મહાન કૃત્યો તમે નજરે જોયાં છે.
8 માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે તું પાળ, માટે કે તમે બળવાન થાઓ, ને જે દેશનું વતન પામવાને તમે યર્દન ઊતરીને જાઓ છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો;
9 અને જે દૂધમધની રેલછેલવાળા દેશ વિષે યહોવાએ તમારા પિતૃઓની આગળ એવી પ્રતિજ્ઞા લીધી, કે તે હું તમને તથા તમારા વંશજોને આપીશ, તેમાં તમારું આયુષ્ય દીર્ધ થાય.
10 કેમ કે તેનું વતન પામવાને તમે જે દેશમાં પ્રવેશ કરવાના છો. તે તો મિસર દેશ જેમાંથી તમે નીકળી આવ્યા તેના જેવો નથી, કે જ્યાં તું બી વાવીને તેને, શાકભાજીની વાડીની જેમ, પોતાના પગથી પાણી પાતો.
11 પણ જે દેશનો વારસો પામવાને તું પેલી બાજુ જાય છે તે ડુંગરવાળો તથા ખીણવાળો દેશ છે, ને આકાશના વરસાદનું પાણી તે પીએ છે.
12 તે દેશ વિષે યહોવા તારા ઈશ્વર કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી તે અંત સુધી યહોવા તારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.
13 અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખશો. ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેમની સેવા કરશો, તો એમ થશે કે,
14 હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ૠતુ પ્રમાણે મોકલીશ, માટે કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષારસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે.
15 અને હું તારાં ઢોરને માટે તારાં ખેતરોમાં ઘાસ ઉગાવીશ, ને તું ખાઈને તૃપ્ત થશે.
16 સાવચેત રહો, રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય, ને તમે ભટકી જઈને બીજાં દેવદેવીઓની સેવા કરો ને તેમને ભજો.
17 અને યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠે, ને તે આકાશ બંધ કરે, જેથી વરસાદ થાય, અને જમીન પોતાની ઊપજ આપે. અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલદી નાશ થાય.
18 માટે મારાં વચનો તમે તમારા હ્રદયમાં તથા તમારા મનમાં સંઘરી રાખો. અને તમે તેમને નિશાની તરીકે તમારા હાથ પર બાંધો, ને તમે તમારી આંખોની વચ્ચે તેઓને કપાળભૂષળ તરીકે રાખો.
19 અને તું ઘરમાં બેઠો હોય ત્યારે, ને રસ્તે ચાલતી વેળાએ ને સૂતી વેળાએ ને ઊઠતી વેળાએ તેઓ વિષે વાત કરીને તમે તમારાં છોકરાંને તે શીખવો.
20 અને તું તેઓને તારા ઘરની બારસાખો પર તથા તારા દરવાજા પર લખ;
21 માટે કે જે દેશ તમારા પિતૃઓને આપવાની યહોવાએ પ્રતિજ્ઞા લીધી તેમાં તમારા દિવસો તથા તમારા વંશજોના દિવસો પૃથ્વી ઉપરના આકાશના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
22 કેમ કે જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે જો તમે ખંતથી પાળીને તેમને અમલમાં લાવશો અને યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો ને તેમને વળગી રહેશો,
23 તો યહોવા બધી દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢશે, ને તમે તમારા કરતા મોટી તથા સમર્થ દેશજાતિઓનાં વતન પામશો.
24 જે જે જગા તમારા પગ નીચે આવશે તે સર્વ તમારી થશે. અરણ્યથી તથા લાબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદીથી, તે છેક પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે.
25 તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જે ભૂમિ પર તમારા પગ ફરશે તે પર પ્રભુ તમારા ઈશ્વર તમારો ડર તથા ભય બેસાડશે, જે તેમણે તમને કહ્યું છે તેમ.
26 જુઓ, હું આજે તમારી આગળ આશીર્વાદ તથા શાપ મૂકું છું:
27 યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો, તો તમે આશીર્વાદ પામશો.
28 અને જો તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળતાં જે માર્ગ હું આજે તમને ફરમાવું છું તે મૂકી દઈને જેઓ વિષે તમને અનુભવ નથી એવાં દેવદેવીઓની પાછળ ભટકી જશો, તો તમે શાપ પામશો.
29 અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લઈ જશે ત્યારે એમ થાય કે આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર, ને શાપને એબાલ પર્વત પર રાખજે.
30 શું તેઓ યર્દનની પેલી બાજુ પશ્ચિમ દિશાના રસ્તાની પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેનારા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષની પાસે નથી?
31 કેમ કે જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને આપે છે તેનું વતન પામવા માટે તેમાં પ્રવેશ કરવા તમે યર્દન ઊતરવાના છો, ને તમે તેનું વતન પામીને તેમાં વસશો.
32 અને જે સર્વ વિધિઓ તથા કાનૂનો હું આજે તમારી આગળ મૂકું છું તે તમે ચોક્કસાઈથી પાળો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×