Bible Versions
Bible Books

Ecclesiastes 1 (GUV) Gujarati Old BSI Version

1 યરુશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
2 સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા: વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે.
3 જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે?
4 એક પેઢી જાય છે, અને બીજી આવે છે; પણ પૃથ્વી સદા ટકી રહે છે.
5 સૂર્ય ઊગે છે, અને તે અસ્ત થઈને સત્વર તેની ઊગવાની જગાએ ધસી જાય છે.
6 પવન દક્ષિણ તરફ જાય છે, અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે; તે પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે, અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે.
7 સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
8 સર્વ વસ્તુઓ પૂરો કંટાળો આપનારી છે; મનુષ્ય તેનું વર્ણન કરવાને અશક્ત છે; જોવાથી આંખ તૃપ્ત થતી નથી, અને સાંભળવાથી કાન ધરાતા નથી.
9 જે થઈ ગયું છે તે થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે કરવામાં આવશે; અને પૃથ્વી પર કંઈ નવું નથી.
10 શું, એવું કંઈ છે કે જે વિષે લોકો કહી શકે, “જુઓ, નવું છે?” તોપણ જાણવું કે, આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું.
11 આગલી પેઢીઓ નું સ્મરણ નથી; તેમ હવે પછી થનાર પેઢીઓ નું પણ કંઈ પણ સ્મરણ હવે પછી થનાર લોકોમાં રહેશે નહિ.
12 હું સભાશિક્ષક યરુશાલેમમાં ઇઝરાયલનો રાજા હતો.
13 પૃથ્વી ઉપર જે કાર્યો બને છે તે સર્વની જ્ઞાનથી શોધ કરવાને તથા તેમનું રહસ્ય સમજવાને મેં મારું મન લગાડયું. કષ્ટમય શ્રમ ઈશ્વરે માણસોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે.
14 પૃથ્વી પર જે કામો થાય છે તે સર્વ મેં જોયાં છે; અને સર્વ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.
15 વાંકું હોય તે સીધું કરી શકાતું નથી; અને જે ખૂટતું છે તે બધા ની ગણતરી કરી શકાતી નથી.
16 મેં મારા મન સાથે એવી વાત કરી, “જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે; મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે.”
17 વળી મેં મારું મન જ્ઞાન સમજવામાં અને ઘેલાપણું તથા મૂર્ખાઈ સમજવામાં લગાડયું; તો મને માલૂમ પડયું કે પણ પવનમાં બાચકા ભરવા જેવું છે.
18 કેમ કે અધિક જ્ઞાનથી અધિક શોક થાય છે; અને વિદ્યા વધારનાર શોક વધારે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×