Bible Versions
Bible Books

Ezekiel 19 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાએ મને કહ્યું, “તું ઇસ્રાએલના આગેવાનો માટે મરશિયા ગા.
2 “‘તારી મા કેવી સ્ત્રી હતી! તે તો હતી સિંહણ, સિંહોના ટોળામાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી.
3 તે સ્ત્રીએ એમાનાં એક સિંહના બચ્ચાંનેઉછેર્યો અને તે શકિતશાળી સિંહ બની ગયો, પછી તે શિકાર કરતાં શીખ્યો અને લોકોનો ભક્ષ કરવા લાગ્યો.
4 બીજી પ્રજાઓએ સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવ્યો. તેઓ તેને બેડીઓ પહેરાવી મિસર લઇ ગયા.
5 “‘જ્યારે સિંહણે જોયું કે તેની આશાઓ ધૂળમાં મળી ગઇ છે ત્યારે તેણે બીજા બચ્ચાંનેબધાં જંગલી પ્રાણીઓના રાજા થવા માટે તાલીમ આપીને ઉછેરીને મોટો કર્યો.
6 તે પણ મોટા સિંહોનો વનરાજ થયો, શિકાર કરતાં શીખ્યો અને માણસોનો ભક્ષ કરવા લાગ્યો.
7 તેણે કિલ્લાઓ તોડી પાડ્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં; અને તેની ગર્જનાથી દેશના લોકો ભયભીત થઇ ગયા.
8 આજુબાજુના પ્રાંતના લોકોએ તેના પર હુમલો કર્યો, તેમણે જાળ નાંખીને તેને ખાડામાં પકડી લીધો.
9 તેઓ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂરીને બાબિલના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને જેલમાં પૂરવામાં આવ્યો. જેથી ઇસ્રાએલના પર્વતો પર તેની ગર્જના સંભળાતી બંધ થઇ જાય.
10 “‘તારી માતા પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી. પાણીની ખોટ નહોતી, એટલે તેને ખૂબ પાંદડાં અને ફળ આવ્યાં.
11 તેની ડાળીઓ એવી મજબૂત હતી કે તેના રાજદંડ બને. વેલ વધતી વધતી આજુબાજુની જાડીથી ઉપર નીકળી ગઇ, અને તેની ઘટા અને ઊંચાઇ સૌની નજરે ચડતી.
12 પરંતુ તે દ્રાક્ષાવેલો કોપને લીધે ઉખેડી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો, તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. પૂર્વ તરફથી ફૂંકાતા પવનોને કારણે તે સુકાઇ ગઇ અને તેનાં ફળો તૂટી પડ્યા. સુકાઇ ગયેલી ડાળીઓ અગ્નિમાં ભસ્મીભૂત થઇ ગઇ.
13 હવે તેને સૂકા વેરાન અને નકામા રણમાં રોપવામાં આવી છે.
14 તેના થડમાંથી અગ્નિ પ્રગટીને તેની ડાળીઓ અને ફળોને ભરખી ગયો છે. હવે એની ડાળીઓ ફરીથી કદી મજબૂત નહિ થાય, અને તેમાંથી રાજદંડ પણ નહિ બને.’ શોકનું ગીત ભલે વારંવાર ગવાય. દુ:ખદ ગીત છે, જે વારંવાર ગવાતું આવ્યું છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×