Bible Versions
Bible Books

Ezekiel 34 (GUV) Gujarati Old BSI Version

1 પછી મને યહોવાની વાણી પ્રમાણે સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના રાજકર્તાઓને મારા તરફથી સાવધાન કરીને તેમને કહેજે કે, યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલના ઘેટાંપાળકો, તમારું આવી બન્યું! તમારે ઘેટાંંનું પાલનપોષણ કરવું જોઇએ? તમે તો પોતાનું લાલનપાલન કરીને સ્વાર્થ સાધો છો.
3 તમે દૂધ પી જાઓ છો, ઊનના કપડાં પહેરો છો અને તાજામાજાં ઘેટાંંને મારીને ખાઓ છો, પણ તમે ઘેટાંને ખવડાવતા નથી.
4 તમે પાતળાની કાળજી રાખી નથી, માંદાની સાચવણી કરી નથી, ઘવાયેલાને પાટાપિંડી કરી નથી, જેઓ ભટકી ગયા છે તેઓની તમે શોધ કરી નથી અને તેઓને પાછા લાવ્યા નથી, પરંતુ તેમના ઉપર બળજબરી અને સખતાઇથી શાસન ચલાવ્યું છે.
5 “‘તેથી પાળક વિના તેઓ વિખેરાઇ ગયા અને જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે.
6 મારા ઘેટાં ડુંગરે ડુંગરે અને પર્વતે પર્વતે રખડતાં ફરે છે. ઘેટાંબકરાંના ટોળાં આખા દેશમાં વેરવિખેર થઇ ગયા છે. કોઇને તેમની પડી નથી કે કોઇ તેમને શોધવા જતું નથી.”‘
7 માટે હે પાળકો, યહોવાનું વચન સાંભળો:
8 “મારાં ઘેટાં જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે, તેમનો કોળિયો બન્યા છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. મારા પાળકોને ઘેટાંની કશી પડી નથી. ઘેટાંને ખવડાવવાને બદલે તેઓ પોતાનું પેટ ભરવાની કાળજી રાખે છે.”
9 તેથી પાળકો, તમે યહોવાનું વચન સાંભળો, હું યહોવા જીવના સમ ખાઇને કહું છું કે,
10 “હું તમારી વિરુદ્ધ છું, હું મારા ઘેટાં માટે તમને જવાબદાર ઠરાવીશ. પાળક તરીકે હું તમને દૂર કરીશ. જેથી પાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તમારા મુખમાંથી છોડાવી લઇશ અને મારા ઘેટાં તમારો ખોરાક બનશે નહિ.”
11 યહોવા મારા માલિક કહે છે: “હું પોતે મારા ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.
12 પોતાનાં ઘેટાં આજુબાજુ વેરવિખેર થઇ ગયા હોય ત્યારે ભરવાડ જેમ તેમને શોધવા જાય છે તેમ હું મારા ઘેટાંને શોધવા જઇશ અને તેમને સુરક્ષિત પાછા લાવીશ. જ્યારે તેઓ ગભરાઇ ગયા હોય અને અંધારા વાદળીયા દિવસે ખોવાઇ ગયા હોય.
13 જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ.
14 હું તેઓને ચારાની સારી જગ્યાઓમાં લઇ જઇશ. ઇસ્રાએલના પર્વતોની ઊંચાઇઓ તેઓ માટે ચરવાની જગ્યા થશે. ત્યાં લીલા બીડમાં શાંતિથી તેઓ સૂઇ જશે. હું તેઓને ઇસ્રાએલના પર્વતોના રસાળ બીડોમાં લાવીશ.
15 હું જાતે મારા ટોળાને ચારીશ અને આરામ કરાવીશ.” હું યહોવા માલિક કહું છું.
16 “ખોવાયેલાની હું શોધ કરીશ, આડે રસ્તે ચઢી ગયેલાને હું રસ્તે લાવીશ, ઘવાયેલાને હું પાટાપિંડી કરીશ, પાતળાંને બળ આપીશ; પણ તંદુરસ્ત અને મજબૂત હશે તેમનો હું નાશ કરીશ, અને સારી રીતે તેઓને ચરાવીશ.”
17 “અને તમને મારા ટોળાને વિષે હું યહોવા માલિક એમ કહું છું કે, “હું ઘેટાં ઘેટાં, વચ્ચે ન્યાય કરીશ.
18 હે ઘેટાંઓ અને બકરાઓ, ઉત્તમ ચારો આરોગી તમે ધરાયા નથી કે બાકીના ચારાને તમે પગ વડે કચડી નાખો છો? અથવા સ્વચ્છ પાણી પીને તમે ધરાયા નથી કે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો?
19 મારા બાકીના ટોળાએ તમારું કચડેલું ખાવું પડે છે અને તમારું ડહોળેલું પાણી પીવું પડે છે!”
20 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું જાડા અને પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.
21 તમે જોડાથી અને ખભેથી હડસેલા મારીને મારા માંદા અને ભૂખ્યાને ઘણે દૂર સુધી વિખેરી નાખ્યા છે.
22 તેથી હું પોતે મારા ટોળાને બચાવીશ. પછી કોઇ તેઓને સતાવી શકશે નહિ કે તેઓનો નાશ કરશે નહિ. તેઓ તંદુરસ્ત છે કે પાતળા છે તે હું જોઇશ અને પછી તેઓનો ન્યાય કરીશ.
23 ત્યાર બાદ હું યહોવા, એમની સંભાળ લેવા માટે મારા સેવક દાઉદ જેવો એક ભરવાડ નીમીશ. તે તેમને ચારશે અને તેમનો ભરવાડ બનશે.
24 હું, યહોવા, તેમનો દેવ થઇશ અને મારો સેવક દાઉદ મારા લોકોમાં રાજકર્તા સમાન થશે. હું યહોવા એમ બોલ્યો છું.
25 “હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે બધા ખુલ્લા ગૌચરમાં શાંતિને સુરક્ષામાં વાસો કરશે અને જંગલમાં સૂશે.
26 મારી ટેકરીની આસપાસ હું મારા લોકોને ત્યાં વસાવીશ અને તેઓનાં ઘરોને આશીર્વાદ આપીશ. અને હું ઋતુ પ્રમાણે વરસાદ વરસાવીશ અને વરસાદ આશીર્વાદ લાવશે.
27 તેઓના ફળના વૃક્ષો ફળ આપશે અને ખેતરોમાં મબલખ પાક થશે. સર્વ લોકો સુરક્ષિત રહેશે. જ્યારે હું તેઓની ગુલામીની સાંકળો તોડી નાખીશ અને તેઓના ભોગે લાભ મેળવનારાઓથી હું તેઓને છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
28 “હવે પછી ફરી કદી તો વિદેશી પ્રજાઓ તેમને સતાવશે કે તો જંગલી પ્રાણીઓ તેમને ખાઇ જશે. તેઓ શાંત ચિત્તે કોઇનાપણ ભય વગર રહેશે.
29 હું તેમની ભૂમિને એવી ફળદ્રુપ બનાવીશ કે તેની કીતિર્ ચોમેર થશે. ફરી કદી દુકાળ પડશે નહિ. કે કોઇ વિદેશી પ્રજા તેમને ટોણા મારી લજ્જિત કરશે નહિ.
30 તેમને ખાતરી થશે કે, હું, યહોવા તેમનો દેવ તેમની જોડે છું અને તેઓ મારી ઇસ્રાએલી પ્રજા છે.” હું યહોવા દેવ બોલું છું.
31 “તમે મારા ઘેટાં છો, જેમનો હું ચારનાર ભરવાડ છું; હું તમારો દેવ છું.” યહોવા મારા માલિકના વચન છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×