Bible Versions
Bible Books

Genesis 35 (GUV) Gujarati Old BSI Version

1 અને ઈશ્વરે યાકૂબને કહ્યું, “ઊઠ, બેથેલમાં જા, ને ત્યાં રહે; અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો, ત્યારે જે ઈશ્વરે તને દર્શન આપ્યું હતું, તેને માટે ત્યાં તું વેદી બાંધ.”
2 અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં કપડાં બદલો;
3 અને આપણે ઊઠીને બેથેલ જઈએ; અને જે ઈશ્વરે મારા દુ:ખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યા, તેમને માટે ત્યાં હું વેદી બાંધીશ.”
4 અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે યાકૂબને આપ્યાં, અને યાકૂબે શેખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં.
5 અને તેઓ ચાલતાં થયાં.; અને તેઓની ચારે તરફના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકૂબના દિકરાઓની પાછળ નહિ પડયા.
6 અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સહિત કનાન દેશનું લૂઝ, જે બેથેલ કહેવાય છે, તેમાં આવ્યો.
7 અને તેણે ત્યાં વેદી બાંધી, ને તે જગાનું નામ એલ-બેથેલ પાડયું, કેમ કે તે તેના ભાઈના મોં આગળથી નાઠો હતો, ત્યારે ઈશ્વરે તેને ત્યાં દર્શન આપ્યું હતું.
8 અને રિબકાની દાઈ દબોરા મરી ગઈ, ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દાટવામાં આવી. અને તે વૃક્ષનું નામ તેણે એલોન-બાખૂથ પાડયું.
9 અને પાદાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું, ને તેને આશીર્વાદ આપ્યો.
10 અને ઈશ્વરે તેને કહ્યું, “તારું નામ યાકૂબ છે; હવેથી તારું નામ ઇઝરાયલ થશે.”
11 અને ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા, ને વૃદ્ધિ પામ. તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્‍ન થશે, ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે.
12 અને મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ, ને તારા પછી તારા વંશંજોને તે દેશ આપીશ.”
13 અને જયાં ઈશ્વર તેની સાથે બોલ્યા, ત્યાં આગળ તે તેની પાસેથી ચઢી ગયા.
14 અને જ્યાં તે તેની સાથે બોલ્યા, તે સ્થળે યાકૂબે એક સ્તંભ, એટલે પથ્થરનો એક સ્તંભ, ઊભો કર્યો; અને તેના પર પેયાર્પણ તથા તેલ રેડયું.
15 અને જ્યાં ઈશ્વર તેની સાથે બોલ્યા, તે જગાનું નામ યાકૂબે બેથેલ પાડયું.
16 અને તેઓ બેથેલની આગળ ગયા. અને એફ્રાથ પહોંચવાને હજી થોડો માર્ગ બાકી રહ્યો હતો, એટલામાં રાહેલને પ્રસૂતિ થઈ, ને તેને ઘણી પ્રસવવેદના થઈ.
17 અને એમ થયું કે તે પ્રસુતિમાં કષ્ટાતી હતી ત્યારે દાઈએ તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તને પણ દીકરો સાંપડશે.”
18 અને એમ થયું કે, જ્યારે તેનો જીવ જતો હતો (કેમ કે તે મરી ગઈ), ત્યારે તેણે તેનું નામ બેનોની પાડયું, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડયું.
19 અને રાહેલ મરી ગઈ, ને એફ્રાથ (જે બેથલેહેમ છે), તેને રસ્તે તેને દાટવામાં આવી.
20 અને યાકૂબે તેની કબર પર‍ સ્તંભ ઊભો કર્યો, તે આજ સુધી રાહેલની કબરનો સ્તંભ છે.
21 અને ઇઝરાયલ આગળ ચાલ્યો, ને ટોળાના બુરજની પેલી બાજુ તેણે તેનો તંબુ માર્યો.
22 અને એમ થયું કે ઇઝરાયલ તે દેશમાં રહેતો હતો, ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો; ને તે ઇઝરાયલના સાંભળવામાં આવ્યું.
23 હવે યાકૂબના દિકરા બાર હતા. લેઆના દિકરા રૂબેન યાકૂબનો જયેષ્ઠ દીકરો તથા શિમયોન તથા લેવી તથા યહૂદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન.
24 રાહેલના દિકરા: યૂસફ તથા બિન્યામીન.
25 અને રાહેલની દાસી બિલ્હાના દિકરા: દાન તથા નફતાલી,
26 અને લેઆની દાસી ઝિલ્પાના દિકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરઅ જે તેને પાદાનારામમાં થયા તેઓ હતા.
27 અને મામેર, એટલે કિર્યાથ-આર્બા, જે હેબ્રોન કહેવાય છે, જ્યાં ઇબ્રાહિમે તથા ઇસહાકે વાસો કર્યો હતો, ત્યાં યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો.
28 અને ઇસહાકની ઉંમર એક સો એંસી વર્ષની હતી.
29 અને ઇસહાકે ઘરડો તથા બહુ વરસોનો થઈને પ્રાણ મૂકયો, ને પોતાના લોકોમાં તે મેળવાયો. અને તેના દિકરાઓએ, એટલે એસાવે તથા યાકૂબે, તેને દાટયો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×