Bible Versions
Bible Books

Hebrews 3 (GUV) Gujarati Old BSI Version

1 માટે, પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.
2 જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ પોતાના નીમનાર પ્રત્યે વિશ્વાસુ હતા.
3 કેમ કે જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે, તેમ એમને મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યા છે.
4 કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ બધી વસ્તુઓના સર્જનહાર તો ઈશ્વર છે.
5 મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા માટે, ઈશ્વરના આખા ઘરમાં સેવકની જેમ વિશ્વાસુ હતો ખરો;
6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન દઢ રાખીએ, તો આપણે તેમનું ઘર છીએ.
7 માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “જો તમે આજ ઈશ્વરની વાણી સાંભળો,
8 તો જેમ ક્રોધકાળે, એટલે રાનમાંના પરીક્ષણના સમયમાં, તમે તમારાં‍હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.
9 ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું, અને ચાળીસ વરસ સુધી મારાં કામ જોયાં.
10 તેથી તે જમાનાના લોકો પર હું નારાજ થયો, અને મેં કહ્યું કે, તેઓ પોતાનાં હ્રદયમાં હંમેશાં અવળે માર્ગે જાય છે; તેઓએ મારા માર્ગ જાણ્યા નહિ.
11 માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ, એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા.”
12 હે ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને એમ તેમ તે જીવતા ઈશ્વરથી દૂર જાય.
13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે, પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો થાય.
14 કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.
15 કેમ કે કહેલું છે, “આજ જો તમે તેમની વાણી સાંભળો, તો જેમ ક્રોધકાળે તમે તમારાં હ્રદય કઠણ કર્યાં તેમ કરો નહિ.”
16 કેમકે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્‍ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે બધાએ નહિ?
17 વળી ચાળીસ વરસ સુધી તે કોના ઉપર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યા, જેઓનાં શબ અરણ્યમાં પડયાં, તેઓના પર નહિ?
18 અને જેઓએ માન્યું નહિ તેઓ વગર બીજા કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ?”
19 તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકયા નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×