Bible Versions
Bible Books

Isaiah 10 (GUV) Gujarati Old BSI Version

1 જેઓ અન્યાયી કાયદા ઘડે છે, ને જે લેખકો જુલમી ચુકાદાઓ લખે છે;
2 જેથી ગરીબોને ઇનસાફ મળે નહિ, ને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય, ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ!
3 તમે ન્યાયને દિવસે, ને આઘેથી આવનાર વિનાશકાળે શું કરશો? તમે સહાયને માટે કોણિ પાસે દોડશો? તમારી સમૃદ્ધિ કયાં મૂકી જશો?
4 બંદીવાનોની ભેગા નમી જવા સિવાય, અને કતલ થએલાની નીચે પડી રહ્યા વગર રહેવાશે નહિ. તે સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હથા હજી ઉગામેલો છે.
5 “અરે આશૂર, તે મારા રોષનો દંડ છે, ને તેમના હાથમાંનો સોટો તે મારો કોપ છે!
6 અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.
7 પરંતુ તે એવો વિચાર કરતો નથી, ને તેના મનની એવી ધારણા નથી; માત્ર વિનાશ કરવો, ને ઘણા દેશોની પ્રજાઓનું નિકંદન કરવું, તે તેના મનમાં છે.
8 કેમ કે તે કહે છે, ‘મારા સર્વ સરદાર રાજાઓ નથી?
9 કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદના જેવું નથી? સમરૂન દમસ્કસ જેવું નથી?
10 જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ તથા સમરૂનના કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથ આવ્યાં છે;
11 અને જેમ સમરૂનને તથા તેની મૂર્તિઓને મેં કર્યું, તેમ યરુશાલેમને તથા તેની મૂર્તિઓને શું હું કરીશ નહિ?’”
12 વળી યહોવા કહે છે, “સિયોન પર્વત પર ને યરુશાલેમ પર હું મારું સર્વ કામ પૂરું કરીશ, તે પછી હું આશૂરના રાજાના મનમાં આવેલા અભિમાનને તથા તેની મગરૂબ દષ્ટિના ગર્વને જોઈ લઈશ.
13 કેમ કે તેણે કહ્યું છે, બધું મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ તખ્તો પર બેસનારાને નીચે પાડયા છે.
14 વળી પક્ષીઓના માળાની જેમ દેશોનું દ્રવ્ય મારે હાથ આવ્યું છે. તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેવી રીતે મેં આખી દુનિયા એકઠી કરી છે! પાંખ ફફડાવે, મુખ ઉઘાડે, કે ચીંચીં કરે, એવું કોઈ નથી.’
15 શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને એટલે માણસને સોટી ઉઠાવે તેમ છે!”
16 તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.
17 ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, ને એનો પવિત્ર ઈશ્વર તે જવાળારૂપ થશે. તે એક દિવસે તેના કાંટા તથા તેનાં ઝાંખરાંને બાળીને ભસ્મ કરશે.
18 વળી તેના વનની તથા તેના ફળદ્રુપ ખેતરની શોભા, આત્મા અને શરીર બન્નેને તે નષ્ટ કરશે. અને માંદો માણસ સુકાઈ જાય છે તે પ્રમાણે તે થશે.
19 તેના વનનાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં થઈ જશે કે એક છોકરું પણ તેઓને નોંધી શકે.
20 તે સમયે ઇઝરાયલનો શેષ તથા યાકૂબના વંશજોમાંથી બચેલા, પોતાને માર ખવડાવનારા પર ફરીથી કદી ભરોસો રાખશે નહિ; પણ યહોવા જે ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છે, તેમના પર તેઓ ખરા હ્રદયથી આધાર રાખશે.
21 શેષ, યાકૂબનો શેષ, સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછો આવશે.
22 “હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંના થોડા પાછા આવશે;” ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થએલો છે.
23 કેમ કે સૈન્યોના યહોવા પ્રભુ આખા દેશનો વિનાશ, હા, નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.
24 માટે સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, આશૂરથી બીતા નહિ; તે તો છડીથી તને મારશે, ને પોતાની સોટી તારા પર મિસરની રીત મુજબ ઉગામશે.
25 પણ થોડી મુદતમાં મારો કોપ સમાપ્ત થશે, ને તેઓનો વિનાશ કરવામાં મારો રોષ સમાપ્ત થશે.”
26 ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો, તે રીતે સૈન્યોના ઈશ્વર યહોવા તેના પર આફતો લાવશે. તેની સોટી જેમ સમુદ્રમાં મિસર પર ઉગામવામાં આવી હતી તેમ તેઓ પર ઉગામવામાં આવશે.
27 તે સમયે તેનો ભાર તારી ખાંધ પરથી, ને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, ને પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.
28 તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઈને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.
29 તેઓ ખીણની પાર આવ્યા છે, ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે. રામા થરથરે છે; શાઉલનું ગિબયા નાસાનાસ કરે છે.
30 હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.
31 માદમેના નાસી જાય છે; ગેબીમના રહેવાસીઓ પોતાની માલમતા લઈને નાસે છે.
32 આજે તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત ની સામે, યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.
33 પણ જુઓ, સૈન્યોના પ્રભુ યહોવા ડાળીઓને ત્રાસદાયક રીતે સોરી નાખશે; અને જે મોટા કદનાં ઝાડ છે તેઓને પાડી નાખવામાં આવશે, ને જે ઊંચાં છે તેઓને નીચાં કરવામાં આવશે.
34 તે વનની ઝાડીઓને લોઢાથી કાપી નાખશે, અને લબાનોન બળવાનના હાથથી પડશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×