Bible Versions
Bible Books

Isaiah 11 (GUV) Gujarati Old BSI Version

1 યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.
2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.
3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ.
4 પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઇનસાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે; અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે, ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે.
5 ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.
6 તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવારા પાસે સૂશે; વાછરડું, સિંહ તથા માતેલાં ઢોર એકઠાં રહેશે; અને નાનું છોકરું તેઓને દોરશે.
7 ગાય તથા રીંછ સાથે ચરશે; તેઓનાં બચ્ચાં ભેગાં સૂશે; અને સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે.
8 ધાવણું બાળક સાપના દર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે.
9 મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહિ, તેમ વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.
10 તે સમયે યિશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું રહેઠાણ મહિમાવંત થશે.
11 તે સમયે પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે.
12 વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે, ને ઇઝરાયલના કાઢી મૂકેલાને એકત્ર કરશે, ને યહૂદિયાના વિખેરાઈ ગએલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.
13 વળી એફ્રાઈમની અદેખાઈ મટી જશે, ને યહૂદાને પજવનારાને નાબૂદ કરવામાં આવશે; એફ્રાઈમ યહૂદાની અદેખાઈ કરશે નહિ, ને યહૂદા એફ્રાઈમને પજવશે નહિ
14 તેઓ ઊડીને પશ્ચિમમાં પલિસ્તીઓની ખાંધ પર ઊતરી પડશે. તેઓ એકત્ર થઈને પૂર્વની પ્રજાઓને લૂંટશે. તેઓ અદોમ તથા મોઆબને હસ્તગત કરશે; અને આમ્મોનીઓ તેઓના હુકમ માથે ચઢાવશે.
15 યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે.
16 જેમ ઇઝરાયલને માટે તેના મિસરમાંથી ઉપર આવવાના સમયમાં હતી, તેવી સડક આશૂરમાંથી તેના લોકના શેષને માટે થશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×