Bible Versions
Bible Books

Isaiah 42 (GUV) Gujarati Old BSI Version

1 જુઓ, મારો સેવક, એને હું નિભાવી રાખું છું; મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે; તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે.
2 તે બૂમ પાડશે નહિ, ને પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, ને રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ.
3 છૂંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ, અને મંદમંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ. સત્ય પ્રમાણે તે ધર્મ પ્રગટ કરશે.
4 તે પૃથ્વી પર ધર્મ સ્થાપિત કરશે, ત્યાં સુધી તે મંદ થનાર નથી, ને નાઉમેદ થશે નહિ; અને ટાપુઓ તેના બોધની વાટ જોશે.”
5 આકાશોને ઉત્પન્ન કરનાર, તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર, તે પરના લોકોને પ્રાણ આપનાર તથા તે પરના ચાલનારાને જીવન આપનાર યહોવા ઈશ્વર, તેમણે એવું કહ્યું છે,
6 “મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;
7 જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને, ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે.
8 હું યહોવા છું; મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.
9 જુઓ, અગાઉથી કહી દેખાડેલી બિનાઓ થઈ ચૂકી છે, ને નવીની ખબર હું આપું છું; તેઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભળાવું છું.”
10 સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ, તમે યહોવા પ્રત્યે નવું ગીત ગાઓ; પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી તેમનાં સ્તોત્ર ગાઓ.
11 અરણ્ય તથા તેમાંનાં નગરો, વળી કેદારે વસાવેલાં ગામડાં, મોટે સાદે ગાઓ; સેલાના રહેવાસીઓ, હર્ષનાદ કરો, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો.
12 તેઓ યહોવાને મહિમા આપે, અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે.
13 યહોવા વીરની જેમ બહાર આવશે; યોદ્ધાની જેમ તે આવેશને પ્રદીપ્ત કરશે; તે મોટેથી પોકારશે, વળી તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.
14 હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; અને શાંત થઈને મેં પોતાને કબજે રાખ્યો છે; પણ હવે હું જન્મ આપનારીની જેમ પોકારીશ; મને હાંફણ તથા અમૂઝણ સાથે થશે.
15 હું પર્વતોને તથા ડુંગરોને ઉજજડ કરીશ, ને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; હું નાળાંઓના બેટ કરી નાખીશ, અને તળાવોને હું સૂકવી નાખીશ.
16 જે માર્ગ આંધળાઓ જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે વાટોની તેમને માહિતી નથી, તેઓ પર હું તેમને ચાલતા કરીશ. તેમની સંમુખ હું અંધકારને અજવાળારૂપ, ને ખરબચડી જગાઓને સપાટ કરીશ. જે કામો હું કરવાનો છું તે છે, ને હું તેમને પડતાં મૂકીશ નહિ.
17 જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે, ને ઢાળેલી મૂર્તિઓને કહે છે, ‘તમે અમારા દેવ છો, તેઓ પાછા ફરશે, તેઓ બહુ લજિજત થશે.
18 હે બહેરાઓ, સાંભળો; અને હે આંધળાઓ, નજર કરીને જુઓ.
19 મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા ખેપિયા જેવો બહેરો કોણ છે? કૃપાદાન પામેલા જેવો આંધળો, ને યહોવાના સેવક જેવો અંધ કોણ છે?
20 તેં ઘણી બાબતો જોઈ છે, પણ તેમને નિહાળીને જોઈ નથી; તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.
21 યહોવા પોતાના દઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું મહાત્મ્ય વધારવા તથા તેને માનવંત કરવા રાજી થયા.
22 પણ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ તમામ ખાડાઓમાં ફસાયેલા, ને કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ શિકાર થઈ પડયા છે, તેમને છોડાવનાર કોઈ નથી; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, ને ‘પાછા આપ, એવું કહેનાર કોઈ નથી.
23 તમારામાંનો કોણ આને કાન દેશે? હવે પછી કોણ ધ્યાન દઈને સાંભળશે?
24 કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે, તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાની વિરુદ્ધ આપને પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા, અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ.
25 માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો; અને એમણે તેને ચોતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×