Bible Versions
Bible Books

Isaiah 66 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા એવું કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, ને પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?”
2 વળી યહોવા કહે છે, “મારે હાથે બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની તરફ હું દષ્ટિ રાખીશ.
3 બળદને કાપનાર તે માણસને મારી નાખનારના જેવો; હલવાનનો યજ્ઞ કરનાર તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું લોહી ચઢાવનાર જેવો; ધૂપથી સ્મારક અર્પણ કરનાર તે મૂર્તિને આશિષ આપનાર જેવો ગણાય છે; તેઓએ પોતાના માર્ગોને પસંદ કર્યા છે, ને તેઓના જીવ તેઓના ધિક્કારપાત્ર પદાર્થોમાં આનંદ માને છે.
4 હું પણ તેઓને માટે આફતો પસંદ કરીશ, ને તેઓ જેનાથી ડરે છે તે બધું તેઓ પર લાવીશ; કેમ કે મેં હાંક મારી, ત્યારે કોઈ ઉત્તર આપનાર નહોતો; હું બોલ્યો, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ; અને તેઓએ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.”
5 યહોવાનાં વચન સાંભળીને ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.
6 નગર તરફ હંગામાનો અવાજ! મંદિર તરફથી કોલાહલ! જે પોતાના શત્રુઓને બદલો વાળી આપે છે તે યહોવાનો સ્વર!
7 ચૂંક આવ્યા પહેલાં તેને પ્રસવ થયો; પ્રસવવેદના થયા પહેલાં તેને છોકરો સાંપડયો છે.
8 પ્રમાણે કોણે સાંભળ્યું છે? પ્રમાણે કોણે જોયું છે? શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું પ્રજા એકાએક જન્મ પામે? પરંતુ સિયોનને પ્રસવવેદના થઈ કે તરત તેણે પોતાનાં છોકરાંને જન્મ આપ્યો.”
9 યહોવા કહે છે, “હું પ્રસૂતિકાળ પાસે લાવીને પ્રસવ નહિ કરાવું?” તારો ઈશ્વર કહે છે, “હું જે જન્મ આપનાર તે હું ગર્ભસ્થાન બંધ કરું?”
10 યરુશાલેમ પર પ્રેમ કરનારા, તમે સર્વ તેની સાથે હરખાઓ, ને તેને લીધે આનંદ કરો. તેને લીધે શોક કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ;
11 જેથી તમે તેના દિલાસાનું સ્તનપાન કરીને ધરાઓ, અને તેના ભરપૂર ગૌરવમાંથી ચૂસીને મગ્ન થાઓ.
12 કેમ કે યહોવા કહે છે, “હું તેની પાસે નદીની જેમ શાંતિ, તથા ઊભરાતા નાળાની જેમ પ્રજાઓની સમૃદ્ધિ પ્રસારનાર છું; તમે ધાવશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવશે.
13 જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાને હું તમને દિલાસો આપીશ; અને યરુશાલેમમાં તમે દિલાસો પામશો.
14 તમે તે જોશો, અને હરખાશો, તમારાં હાડકાં લીલોતરીની જેમ ખીલશે; અને યહોવાનો હાથ તેના સેવકોના જાણવામાં આવશે, ને પ્રભુના વૈરીઓ પર તે કોપાયમાન થશે.
15 કેમ કે જુઓ, યહોવા અગ્નિદ્વારા આવશે, ને એમના રથો વંટોળિયા જેવા થશે! તે કોપથી પોતાના રોષને, તથા અગ્નિના ભડકાથી પોતાની ધમકીને પ્રગટ કરવા માટે આવશે.
16 કેમ કે યહોવા સર્વ માણસજાત સાથે અગ્નિથી તથા પોતાની તરવારથી વાદ કરનાર છે; અને યહોવાથી વીંધાયેલા ઘણા થશે.
17 વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમાં જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ ભૂંડનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ તથા ઊંદર ખાનારા છે, તેઓ સર્વ નાશ પામશે, એમ યહોવા કહે છે.
18 “કેમ કે હું તેઓનાં કામ તથા તેઓના વિચારો જાણું છું; સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષાઓ બોલનાર લોકોને એકત્ર કરવાનો સમય આવે છે; તેઓ આવીને મારો મહિમા જોશે.
19 હું તેઓને એક ચિહ્ન દેખાડી આપીશ; તેઓમાંના બચેલાઓને હું વિદેશીઓની પાસે મોકલીશ; એટલે તાર્શીશ, પૂલ તથા લૂદ, ધનુર્ધારરીઓની પાસે, તુબાલ તથા યાવાનની પાસે, દૂરના બેટો, જેઓમાંના લોકોએ મારી કીર્તિ સાંભળી નથી ને મારો મહિમા જોયો નથી; તેમની પાસે મોકલીશ; અને તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”
20 યહોવા કહે છે, “જેમ ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાના મંદિરમાં ખાદ્યાર્પણ લાવે છે, તેમ તેઓ સર્વ પ્રજાઓમાંથી તમારા સર્વ ભાઈઓને યહોવાને માટે અર્પણ તરીકે, મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા સાંઢણીઓ પર બેસાડીને લાવશે.”
21 વળી યહોઆ કહે છે, “હું તેઓમાંથી પણ યાજકો તથા લેવીઓ થવા માટે કેટલાકને પસંદ કરીશ.
22 કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમક્ષ સ્થિર રહેનાર છે, તેમ તમારાં સંતાન તથા તમારાં નામ કાયમ રહેશે, એવું યહોવા કહે છે.
23 વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.
24 તેઓ બહાર નીકળીને જે માણસોએ મારો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં જોશે, કેમ કે તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્નિ હોલવાશે નહિ; અને તેઓ સર્વ માનસજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×