Bible Versions
Bible Books

Jeremiah 11 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે છે,
2 “આ કરારનાં વચન સાંભળ, ને યહૂદિયાના મનુષ્યોની સાથે, તથા યરુશાલેમના રહેવાસીઓની સાથે વાત કરીને
3 તેઓને કહે, યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જે મનુષ્ય કરારનાં વચન માનતો નથી તે શાપિત થાઓ!
4 જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, લોઢાની ભઠ્ઠીમાંથી, કાઢી લાવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, ‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ;
5 જેથી આજની માફક દૂધમધની રેલછેલવાળો દેશ તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા તે હું પૂરા કરું’” ત્યારે મેં, “હે યહોવા, આમીન.” એમ કહીને ઉત્તર આપ્યો.
6 વળી યહોવાએ મને કહ્યું, “આ સર્વ વચન યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં પોકારીને કહે કે, કરારનાં વચનો સાંભળો તથા તેઓને પાળો.
7 કેમ કે જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ત્યારથી તે આજ દિવસ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેમને ખંતથી એવો સુબોધ આપતો આવ્યો છું કે, ‘મારું વચન માનો.’
8 તોપણ તેઓએ માન્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ તેઓ સર્વ પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલ્યા. કરાર પાળવાને મેં તેઓને આજ્ઞા આપી હતી, પણ તેઓએ તે પાળ્યો નહિ, તેથી મારાં સર્વ વચન પ્રમાણે હું તેમના પર વિપત્તિ લાવ્યો.”
9 વળી યહોવાએ મને કહ્યું, “યહૂદિયાના મનુષ્યોમાં, તથા યરુશાલેમના રહેવાસીઓમાં કાવતરું માલૂમ પડયું છે.
10 તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”
11 તે માટે યહોવા કહે છે, “જુઓ, જેથી તેઓ બચી શકે નહિ એવી વિપત્તિ હું તેઓ પર લાવીશ. અને તેઓ મને હાંક મારશે, પણ હું તેઓનું સાંભળીશ નહિ.
12 યહૂદિયાનાં નગરોના તથા યરુશાલેમના રહેવાસીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેમને હાંક મારશે; પણ તેઓ તેઓની વિપત્તિની વેળાએ તેમને જરા પણ બચાવશે નહિ.
13 કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગર તેટલા તારા દેવ થયા છે! અને તમે તે નિર્લજ્જ વસ્તુને નામે યરુશાલેમના મહોલ્લાઓ જેટલી વેદીઓ બાંધી છે, એટલે બાલની આગળ ધૂપ બાળવા માટે વેદીઓ બાંધી છે.
14 તે માટે તું લોકને માટે વિનંતી કર, ને તેમને માટે કાલાવાલા અથવા પ્રાર્થના કર; કેમ કે જ્યારે તેઓ પોતાની વિપત્તિને લીધે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.
15 મારા મંદિરમાં મારી પ્રિયાનું શું કામ છે? કેમ કે તેણે ઘણાની સાથે કુકર્મ કર્યું છે, ને તારી પાસેથી પવિત્ર માંસ ગયું છે! તું ભૂંડું કરે છે ત્યારે તું હરખાય છે.’”
16 યહોવાએ લીલું, સુશોભિત તથા ફળ આપનારું જૈતવૃક્ષ, એવું તારું નામ પાડયું. મોટા ગડબડાટ સહિત યહોવાએ તેના પર અગ્નિ સળગાવ્યો છે, ને તેની ડાળીઓ તોડી નાખેલી છે.
17 ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ યહોવાને રોષ ચઢાવવા માટે બાલની આગળ ધૂપ બાળીને પોતા ના હિત ની વિરુદ્ધ જે પાપ કર્યું છે તેને લીધે તને રોપનાર સૈન્યોના ઈશ્વર યહોવાએ તારા પર વિપત્તિ ફરમાવી છે.
18 વળી યહોવાએ તે વિષે જણાવ્યું છે, તેથી મેં જાણ્યું; ત્યારે તેં મને તેઓનાં કામ દેખાડયાં.
19 ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને માંહોમાંહે કહેતા, “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, મેં જાણ્યું નહિ.
20 પણ, હે સૈન્યોના ઈશ્વર યહોવા, અદલ ન્યાયાધીશ, અંત:કરણના તથા હ્રદયના પરીક્ષક, તેમના ઉપર તમે વાળેલો બદલો મને જોવા દો; કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.
21 તારો જીવ લેવાને તાકી રહેનાર અનાથોથના જે માણસો કહે છે, “જો તું યહોવાને નામે પ્રબોધ કરે તો તું અમારે હાથે માર્યો નહિ જાય, તેઓ વિષે યહોવા કહે છે;
22 હા સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હું તેઓને જોઈ લઈશ! તેમના જુવાનો તરવારથી માર્યા જશે. તેઓનાં દીકરાદીકરીઓ ભૂખે મરશે.
23 અને તેઓમાં કોઈ પણ બાકી રહેશે નહિ; કેમ કે હું અનાથોથના માણસો પર વિપત્તિ, એટલે તેઓના શાસનનું નિર્મિત વરસ, લાવીશ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×