Bible Versions
Bible Books

Jeremiah 13 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાએ મને કહ્યું, “તુ જઈને તારે માટે શણનો કમરબંધ વેચાતો લે, ને તેને તારી કમરે બાંધ, ને તેને પાણી લાગવા દે.”
2 તેથી મેં યહોવાના વચન પ્રમાણે કમરબંધ વેચાતો લીધો, ને મારી કમરે બાંધ્યો.
3 પછી બીજી વાર યહોવાનું વચન મારી પાસે આવ્યું,
4 “જે કમરબંધ તેં વેચાતો લઈને તારી કમરે બાંધ્યો છે તે લઈને ઊઠ, ને ફ્રાત નદીની પાસે જા, ને ત્યાં તેને ખડકની ફાટમાં સંતાડી મૂક.”
5 જેમ યહોવાએ મને આજ્ઞા આપી હતી તેમ મેં જઈને ફ્રાત પાસે તેને સંતાડી મૂકયો.
6 ઘણા દિવસ વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “તું ઊઠીને ફ્રાત પાસે જા, ને જે કમરબંધ ત્યાં સંતાડવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ત્યાંથી લઈ લે.”
7 ત્યારે મેં ફ્રાતની પાસે જઈને ખોદ્યું, ને જે જગાએ મેં કમરબંધ સંતાડયો હતો, ત્યાંથી મેં તેને લઈ લીધો; અને જોયું તો તે કમરબંધ બગડી જઈને તદ્દન નકામો થઈ ગયો હતો.
8 ત્યારે યહોવાનું વચન મારી પાસે આવ્યું,
9 “યહોવા કહે છે કે, તે પ્રમાણે હું યહૂદિયાનું અભિમાન તથા યરુશાલેમનો અતિશય ગર્વ ઉતારીશ.
10 જે દુષ્ટ લોક મારાં વચન સાંભળવા ના પાડે છે, ને પોતાના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે ચાલે છે ને અન્ય દેવોની સેવાપૂજા કરવા માટે તેમની પાછળ ગયા છે, તે દુષ્ટ લોકો નકામા થઈ ગયેલા કમરબંધ જેવા થશે.
11 કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.
12 તેથી તું તેઓને વચન કહે:‘યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, બરણી દ્રાક્ષારસથી ભરકપૂર થશે, ત્યારે તેઓ તને કહેશે, ‘શું અમે નથી જાણતા કે દરેક બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે?’
13 પછી તું તેઓને કહેજે, ‘યહોવા કહે છે કે, જુઓ, દેશના સર્વ રહેવાસીઓને, એટલે જે રાજાઓ દાઉદના રાજ્યાસન પર બેઠેલા છે તેઓને, યાજકોને, પ્રબોધકોને તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓને હું છાકટા કરી નાખીશ.
14 હું તેઓને એકબીજા સામે લડાવીશ, પિતાને તથા પુત્રોને એકબીજા સામે અથડાવીશ, એમ યહોવા કહે છે. હું તેઓ પર દયા, ક્ષમા કે કરુણા કરીશ નહિ, પણ તેઓનો નાશ કરીશ.’
15 તમે કાન દઈને સાંભળો. અભિમાની થાઓ, કેમ કે યહોવા બોલ્યો છે.
16 અંધકાર થાય તથા તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય, અને તમે અજવાળાની રાહ જોતા હો, તેટલામાં તેને બદલે યહોવા મરણછાયા તથા ઘોર અંધકાર પેદા કરે, તે પહેલાં યહોવા તમારા ઈશ્વરને માન આપો.
17 પણ જો તમે નહિ માનશો, તો તમારા ગર્વને લીધે મારો જીવ ગુપ્તમાં શોક કરશે; અને મારી આંખ બહુ રડશે, ને તેમાંથી ચોધાર આંસુઓ વહેશે, કેમ કે યહોવાનું ટોળું બંદીવાસમાં લઈ જવાયુમ છે.
18 રાજેને તથા રાજમાતાને કહે, દીન થઈને બેસો; કેમ કે તમારા શિરપેચ, એટલે તમારો જે સુશોભિત મુગટ છે તે, પડી ગયો ચે.
19 દક્ષિણનાં નગરો ઘેરાઈ ગયાં છે, તેઓમાં પ્રવેશનાર કોઈ નથી; યહૂદિયાના સર્વ લોકોને બંદીવાસમાં, હા, સંપૂર્ણ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.
20 જેઓ ઉત્તર દિશાથી આવે છે, તેઓને તમે તમારી આંખો ઊંચી કરીને જુઓ! જે ટોળું તને સોંપેલું હતું, એટલુ તારું સુંદર ટોળું, તે ક્યાં છે?
21 જેઓને તેં પોતે તારા મિત્રો થવાને માટે શીખવ્યા હતા, ને તારી વિરુદ્ધ થતામ શીખવ્યા હતા, તેઓને તે તારા પર અધિકારીઓ ઠરાવે, ત્યારે તું શું કહેશે? પ્રસૂતાના જેવી વેદના તને થશે નહિ?
22 જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.
23 હબશી પોતાની ચામડી કે ચિત્તો પોતાનાં ટપકાં બદલી શકે શું? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા પણ ભલું કરી શકશો!
24 તે માટે જેમ ભૂસું વગડાના પવનથી ઊડી જાય છે, તેમ તેઓને હું વિખેરી નાખીશ.
25 તારો હિસ્સો, મેં નીમી આપેલો તારો વિભાગ છે, કેમ કે તું મને વીસરી ગયો છે, અને તેં અસત્ય પર ભરોસો રાખ્યો છે.
26 તે માટે હું પણ તારા મોં આગળ તારાં વસ્ત્રો ઊંચા કરીશ, ને તારી લાજ દેખાશે.
27 વગડામાંના પર્વતો પર તારાં જારકર્મો તથા તારો ખોંખારો તથા તારા વ્યભિચારની બદફેલી તારાં ધિક્કારપાત્ર કર્મો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને હાય હાય! તું શુદ્ધ થવા ચાહતી નથી; તારી એવી હાલત હજી ક્યાં સુધી રહેવાની?”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×