Bible Versions
Bible Books

Jeremiah 38 (GUV) Gujarati Old BSI Version

1 પરંતુ જ્યારે માત્તાનનો પુત્ર શફાટયા, પાશહૂરનો પુત્ર ગદાલ્યા, શેલેમ્યાનો પુત્ર યુકાલ અને માલ્ખિયાનો પુત્ર પાશહૂરે યમિર્યા લોકોને જે કહેતો હતો તે સાંભળ્યું:
2 “આ યહોવાના વચન છે: ‘જે કોઇ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી મૃત્યુ પામશે, પણ જે કોઇ બાબિલવાસીઓને શરણે જવા બહાર ચાલ્યો જશે તે બચવા પામશે, કઇઁં નહિ તો તે જીવતો તો રહેશે જ.’
3 ‘અને નગર બાબિલના રાજાના લશ્કરના હાથમાં જશે, અને તેઓ તેનો કબજો લેશે.”‘
4 ત્યારબાદ પેલા અમલદારોએ રાજાને કહ્યું, “આ માણસને મારી નાખવો જોઇએ. આવી વાતો કરીને આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. લોકોનું હિત કરવા નથી માગતો પણ વિનાશ કરવા માંગે છે. તે દેશદ્રોહી છે.”
5 રાજા સિદકિયાએ કહ્યું, “સારું તમને યોગ્ય લાગે તેમ કરો. હું તમને રોકી શકતો નથી.”
6 આથી લોકોએ યમિર્યાને લઇ જઇને રક્ષકઘરના પ્રાંગણમાં આવેલા રાજકુમાર માલ્ખિયાના ધાતુંના ટાંકામાં તેને ઉતાર્યો. તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. ધાતુના ટાંકામાં પાણી નહોતું, પણ ફકત કાદવ હતો અને યમિર્યા કાદવમાં ખૂંપી ગયો.
7 કૂશનો એબેદ-મેલેખ રાજમહેલમાં એક ખોજો હતો. તેણે સાંભળ્યું કે તેઓએ યમિર્યાને ધાતુના ટાંકામાં નાખવામાં આવ્યો છે.
8 રાજા બિન્યામીન દરવાજા આગળ બેઠો હતો એવામાં એબેદ-મેલેખે આવીને તેને કહ્યું,
9 “મારા ધણી, મારા રાજા, લોકોએ પ્રબોધક યમિર્યા સાથે જે બધું કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; લોકોએ તેને પાણીનાં ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.”
10 સાંભળીને રાજાએ એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઇને પ્રબોધક યમિર્યા મૃત્યુ પામે તે પહેલાં તેને બહાર ખેંચી કાઢ.
11 એબેદ-મેલેખે પોતાની સાથે ત્રીણ માણસો લઇને મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાંક ફાટેલાં ચીથરાં લઇને દોરડા વડે ટાંકાંમાં યમિર્યાને પહોંચાડ્યા અને કહ્યું,
12 “દોરડાથી તને હાનિ પહોંચે નહિ માટે જૂના ફાટેલાં કપડાને તારી બગલમાં મૂક.”
13 યમિર્યાએ તે પ્રમાણે કર્યું. અને તેને દોરડા વડે ધાતુના ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો અને પહેલા જ્યાં હતો ત્યાં રક્ષકઘરમાં મોકલી અપાયો.
14 પછી રાજા સિદકિયાએ પ્રબોધક યમિર્યાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.”
15 યમિર્યાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તું મને મારી નાખશે અને જો હું સલાહ આપુ તો પણ તું મારું સાંભળવાનો નથી.”
16 ત્યારે રાજા સિદકિયાએ ખાનગીમાં યમિર્યાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોનો દેવ યહોવાના સમ ખાઇને કહું છું કે, હું તને મારી નાખવા ઇચ્છતા લોકોના હાથમાં સોંપી દઇશ નહિ કે તને મારી નાખવા દઇશ નહિ.”
17 એટલે યમિર્યાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં.
18 પરંતુ જો તમે બહાર જઇ તેને શરણે નહિ જાઓ, તો તેઓનું સૈન્ય નગરને આગ લગાડશે અને તમે તેઓનાં હાથમાંથી બચવા નહિ પામો.”‘
19 એટલે રાજા સિદકિયાએ યમિર્યાને કહ્યું, “મને યહૂદિયાના લોકોથી ડર લાગે છે, જેમણે બાબિલના સૈન્યની શરણાગતિ સ્વીકારી છે, મને તેમની બીક લાગે છે. કદાચ મને તેમનાં હાથમાં સોંપી દેવામાં આવે, તેઓ મારી સાથે કેવી રીતે વર્તશે તેની કોને ખબર?”
20 યમિર્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે.
21 પરંતુ જો તમે બહાર જઇને તાબે થવાની ના પાડશો, તો યહોવાએ મને આવું દિવ્યદર્શન આપ્યું છે:
22 યહૂદિયાના મહેલમાં રહેતી સર્વ સ્ત્રીઓને બહાર લાવવામાં આવશે. અને તેઓને બાબિલના સૈન્યના અધિકારીઓને વહેંચી દેવામાં આવશે;” તેઓ જતાં જતાં ગાય છે:તમારાં પરમમિત્રોએ તમને ખોટે રસ્તે દોર્યા છે, તેમણે તમારી પાસે પોતાનું ધાર્યું કરાવ્યું છે. તમારા પગ કાદવમાં ફસાઇ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે.
23 “તમારી બધી સ્ત્રીઓને અને તમારા બધાં બાળકોને બાબિલવાસીઓ સમક્ષ લઇ જવામાં આવશે, અને તમે પોતે પણ બચવા નહિ પામો; તમે પણ બાબિલના રાજાના કેદી બનશો અને નગરને બાળીને ભસ્મિભૂત કરી દેવામાં આવશે.”
24 એટલે સિદકિયાએ યમિર્યાને કહ્યું, “આ વચનોની કોઇને ખબર પડે, નહિ તો તારું આવી બન્યું જાણજે.
25 જો અમલદારોને ખબર પડે કે, હું તારી સાથે વાત કરતો હતો તો આપણે શું ચર્ચા કરી છે તે જાણવા માટે તેઓ તને મારી નાખવાની ધમકી પણ આપે.
26 છતાં તું કેવળ એટલું કહેજે કે, યહોનાથાનના ઘરમાં આવેલી કેદમાં મને પાછો મોકલે નહિ, હું ત્યાં મરી જઇશ, તેવી વિનંતી મેં રાજાને કરી હતી.”
27 બધા અમલદારોએ યમિર્યા પાસે આવીને તેને પૂછયું, અને તેણે રાજાએ તેને કહ્યું હતું તે પ્રમાણે બરાબર તેમને કહ્યું. તેઓ છાનામાના ચાલ્યા ગયા, કારણ તેમણે વાતચીત સાંભળી નહોતી.
28 યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યમિર્યા રક્ષકઘરના ચોકમાં રહ્યો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×