Bible Versions
Bible Books

Jeremiah 9 (GUV) Gujarati Old BSI Version

1 મારું માથું જળાશય હોય તો કેવું સારું! મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું; મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું!
2 અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં અને તેઓને વીસરી જાઉં અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને, તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં! બધા બેવફા લોકો છે, દગાબાજોની ટોળકી છે.
3 યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે. તેઓ સત્યની પરવા કરતા નથી અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે; તેઓ મારી પણ પરવા કરતા નથી.”
4 “પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો, ભાઇનો પણ વિશ્વાસ કરતા, કારણ, એકેએક ભાઇ યાકૂબ જેવો દગાબાજ છે.
5 અને એકેએક મિત્ર પોતાના મિત્રની નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે. દરેક જણ પોતાના મિત્રને છેતરે છે, કોઇ સાચું બોલતું નથી, તેમની જીભ જૂઠું બોલવા ટેવાઇ ગઇ છે.
6 તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” યહોવાના વચન છે.
7 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ. હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ હું તેઓની પરીક્ષા કરીશ, સિવાય તેઓને માટે હું બીજું શું કરું?
8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું ઉચ્ચારે છે. બધા મોઢે મીઠું બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.”
9 યહોવા પૂછે છે, “આ બધા માટે મારે તેમને શું સજા કરવી? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?”
10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું; તેઓ ઉજ્જડ થઇ ગયા છે, તેમાં કોઇ જીવતું રહ્યું નથી. ઢોરનો અવાજ સંભળાતો નથી અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી; સર્વ નાસી ગયા છે.
11 યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ, શિયાળોની બોડ બનાવી દઇશ, અને હું યહૂદિયાના શહેરોને નિર્જન વગડામાં ફેરવી નાખીશ.”
12 મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?
13 યહોવાએ કહ્યું, “એનું કારણ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે. તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે નથી તેનું પાલન કર્યું.
14 તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે. અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.”
15 આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે, “હવે હું લોકોને ખાવા માટે કડવી વેલ અને પીવા માટે ઝેર આપવાનો છું.
16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ, તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે; ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે. આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.”
17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો;
18 જલદી કરો, તેમને કહો કે આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય, જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’
19 સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.”‘
20 પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ, દેવનો સંદેશો સાંભળો. તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો; “તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો.
21 ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે. અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે. તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી, અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.”‘
22 યહોવા કહે છે: “તેઓને પ્રમાણે કહો, ‘ખેતરમાં ખાતરની માફક તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે. અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.”‘
23 યહોવા કહે છે, “જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.
24 પરંતુ તેઓ ફકત એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે મને પસંદ છે.” યહોવાના વચન છે.
25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;
26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×