Bible Versions
Bible Books

Jude 1 (GUV) Gujarati Old BSI Version

1 ઈશ્વરપિતાને વહાલા તથા ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા અને તેડવામાં આવેલાઓ પ્રતિ લખનાર, ઈસુ ખ્રિસ્તનો સેવક, યાકૂબનો ભાઈ યહૂદા:
2 તમારા પર દયા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ.
3 વહાલાઓ, હું આપણા સામાન્ય તારણ વિષે તમારા પર લખવાને ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.
4 કેમ કે જેઓને દંડાજ્ઞા માટે પ્રાચીનકાળથી નિર્માણ કરવામાં આવ્યા હતા, એવા કેટલાક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા છે. તેઓ અધર્મી છે, ને આપણા ઈશ્વરની કૃપાનો વિષયાસક્તિમાં દુરુપયોગ કરે છે, અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા સ્વામી તથા પ્રભુ છે તેમનો નકાર કરે છે.
5 હવે તમે બધું જાણી ચૂકયા છો ખરા, તોપણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.
6 વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.
7 તેમ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.
8 તોપણ એવી રીતે તરંગીઓ દેહને ભ્રષ્ટ કરે છે, સ્વર્ગીય અધિકારને તુચ્છ ગણે છે, અને ઈશ્વરના દૂતોના ગૌરવની નિંદા કરે છે.
9 પણ મિખાએલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”
10 તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે, અને બુધ્ધિહીન પશુઓની જેમ જેને તેઓ કુદરતી રીતે સમજે છે તેમાં તેઓ પોતાને ભ્રષ્ટ કરે છે.
11 તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ દ્રવ્યલાલસાને માટે બલામની ભૂલમાં ઘસી ગયા, અને કોરાના બંડમાં નાશ પામ્યા.
12 તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.
13 તેઓ પોતાની લાજનું ફીણ કાઢનારા, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ રાખી મૂકવામાં આવેલો છે.
14 તેઓ વિષે પણ આદમથી સાતમા પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે, “જુઓ,
15 સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યા, અને અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓએ તેમની વિરુદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સર્વને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારોહજાર સંતોસહિત આવ્યા.
16 તેઓ કચકચ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા છે (તેઓ મોઢે ગર્વિષ્ઠ વચનો બોલે છે). તેઓ પોતાના સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.
17 પણ, વહાલાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોથી જે વચનો અગાઉ કહેવામાં આવ્યાં છે, તેઓને તમે સંભારો.
18 તેઓએ તમને કહ્યું છે, “છેલ્લા સમયમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.”
19 એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં પવિત્ર આત્મા નથી.
20 પણ વહાલાઓ તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને,
21 અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની રાહ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.
22 કેટલાક જેઓ તમારી સાથે વાદવિવાદ કરે છે તેઓને ઠપકો આપો.
23 અને કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો, ને દેહથી ડાઘ લાગેલા વસ્‍ત્રનો તિરસ્કાર કરો.
24 હવે જે તમને ઠોકર ખાતાં બચાવવા, અને પોતાના ગૌરવની સમક્ષ તમને પરમાનંદસહિત નિર્દોષ રજૂ કરવા, સમર્થ છે,
25 એટલે આપણા તારનાર જે એકલા ઈશ્વર, તેમને ગૌરવ, મહત્વ, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં, તથા સર્વકાળ હોજો આમીન.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×