Bible Versions
Bible Books

Judges 1 (GUV) Gujarati Old BSI Version

1 હવે યહોશુઆના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલી લોકોએ યહોવાને પૂછ્યું, “કનાનીઓની સામે લડવાને અમારી તરફથી તેઓ પર પહેલો કોણ ચઢાઈ કરે?”
2 અને યહોવાએ કહ્યું, ”યહૂદા ચઢાઈ કરે. જુઓ, મેં તેના હાથમાં દેશ સોંપ્યો છે.”
3 ત્યારે યહૂદાએ પોતાના ભાઈ શિમયોનને કહ્યું, “આપણે કનાનીઓની સામે લડીએ, માટે મારી સાથે મારા વતનમાં આવ; ત્યાર પછી હું પણ તારી સાથે તારા વતનમાં આવીશ.” અને શીમયોન તેની સાથે ગયો.
4 પછી યહૂદાએ ચઢાઈ કરી; અને યહોવાએ કનાનીઓને તથા પરિઝીઓને તેઓના હાથમાં સોંપી દીધા. અને તેઓએ બેઝેકમાં તેઓમાંના દશ હજાર માણસોનો સંહાર કર્યો.
5 અને બેઝેકમાં તેઓને અદોની-બેઝેક સામો મળ્યો. તેઓ તેની સાથે લડ્યા, ને તેઓએ કનાનીઓ તથા પરિઝીઓનો સંહાર કર્યો.
6 પણ અદોની-બેઝેક નાઠો, અને તેઓએ તેની પાછળ પડીને તેને પકડી પાડ્યો, ને તેના હાથના તથા તેના પગના અંગૂઠા કાપી નાખ્યા.
7 ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.
8 હવે યહૂદાપુત્રોએ યરુશાલેમ પર ચઢાઈ કરીને તેને જીતી લીધું, ને તેના લોકોને તરવારથી મારીને તે નગરને આગ લગાડી.
9 ત્યાર પછી યહૂદાપુત્રો પહાડી પ્રદેશમાં, નેગેબમાં, તથા નીચાણના પ્રદેશમાં રહેનારા કનાનીઓની સાથે લડવાને ઊતરી પડ્યા.
10 અને યહૂદા હેબ્રોનવાસી કનાનીઓની સામે ગયો.(પૂર્વે હેબ્રોનનું નામ તેઓ કિર્યાથ-આર્બા હતું.) અને તેઓએ શેશાયનો, અહીમાનનો તથા તાલ્માઈનો સંહાર કર્યો.
11 ત્યાંથી તે દબીરના રહેવાસીઓની સામે ગયો. (અગાઉ તો દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.)
12 અને કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેરને મારીને તેને જીતી લેશે, તેની સાથે હું મારી દીકરી આખ્સા પરણાવીશ.”
13 અને કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે તે લીધું. અને તેણે પોતાની દીકરી આખ્સા તેની સાથે પરણાવી.
14 હવે એમ બન્યું કે, તે આવી ત્યારે પોતાના પિતાની પાસે ખેતર માગવાને તેણે તેને સમજાવ્યો. અને તે પોતાના ગધેડા પરથી ઊતરી પડી. અને કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”
15 તેણે તેને કહ્યું, “મને આશીર્વાદ આપ; તેં મને નેગેબની ભૂમિ આપી છે, તો પાણીના ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના તેમ નીચેના ઝરા આપ્યા.
16 મૂસાના સાળા કેનીના પુત્રો યહૂદાપુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના વગડામાં ગયા. અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા.
17 અને યહૂદા પોતાના ભાઈ શિમયોનની સાથે ગયો, ને તેઓએ સફાથમાં રહેનારા કનાનીઓને ઠાર કર્યા, ને તેનો પૂરો નાશ કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું.
18 યહૂદાએ ગાઝા તથા તેની સીમ, આશ્કોન તથા તેની સીમ અને એક્રોન તથા તેની સીમ જીતી લીધાં.
19 અને યહોવા યહૂદાની સાથે હતા; અને તેણે પહાડી પ્રદેશ ના રહેવાસીઓ ને હાંકી કાઢ્યા, પણ નીચાણમાં રહેનારાને તે હાંકી કાઢી શક્યો નહિ, કેમ કે તેઓની પાસે લોઢાના રથ હતા.
20 અને મૂસાના કહેવા પ્રમાણે તેઓએ કાલેબને હેબ્રોન આપ્યું; અને તેણે અનાકના પુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા.
21 પણ બિન્યામીનપુત્રોએ યરુશાલેમવાસી યબૂસીઓને કાઢી મૂક્યા નહિ. પણ યબૂસીઓ તો બિન્યામીન પુત્રોની સાથે આજ સુધી યરુશાલેમમાં રહ્યા છે.
22 અને યૂસફના વંશોને પણ બેથેલ પર ચઢાઈ કરી; અને યહોવા તેઓની સાથે હતા.
23 અને યૂસફના વંશજોએ બેથેલની બાતમી કાઢવા માણસો મોકલ્યા. (અગાઉ તો તે નગરનું નામ લૂઝ હતું.)
24 બાતમીપારોએ એક માણસને તે નગરમાંથી આવતો જોયો. તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમને નગરમાં પેસવાનો માર્ગ બતાવ, ને અમે તારા પર કૃપા કરીશું.”
25 પછી તેણે તેઓને નગરમાં જવાનો માર્ગ બતાવ્યો, ને તેઓએ તરવારથી તે નગરનો નાશ કર્યો, પણ તે માણસને તથા તેના આખા કુટુંબને તેઓએ જવા દીધા.
26 પછી તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું, ને તેનું નામ લૂઝ પાડ્યું. આજ સુધી તેનું નામ તે છે.
27 તેમ મનાશ્શાએ બેથ-શેઆનના તથા તેના કસવાનો ના રહેવાસીઓ ને, તાનાખના તથા તેના કસબાઓ ના રહેવાસીઓ ને, દોરના તથા તેના કસબાઓના રહેવાસીઓને, યિબ્લામના તથા તેના કસબાઓના રહેવાસીઓને, ને મગિદ્દોના તથા તેના કસબાઓના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓએ તે દેશમાં રહેવા ઇચ્છયું.
28 પણ ઇઝરાયલીઓ બળવાન થયા ત્યારે એમ થયું કે તેઓએ કનાનીઓ પર વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી મૂક્યા નહિ.
29 તેમ એફ્રાઈમે ગેઝેરવાસી કનાનીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ ગેઝેરમાં તેઓની સાથે રહ્યા.
30 તેમજ ઝબુલોને કિટ્રોનના રહેવાસીઓને તથા નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. પણ કનાનીઓ તેઓની સાથે રહ્યા, ને વેઠ કરનારા થયા.
31 તેમ આશરે આકકોના રહેવાસીઓને ને સિદ્દોનના રહેવાસીઓને, અને અહલાબના, આખ્ઝીબના, હેલ્બાના, અફીકના તથ રહોબના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
32 પણ દેશમાં રહેનારા કનાનીઓની સાથે આશેરીઓ રહ્યા, કેમ કે તેઓએ તેઓને કાઢી મૂક્યા નહિ.
33 તેમ નફતાલીએ બેથ-શેમેશના રહેવાસીઓને તથા બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ દેશમાં રહેનારા કનાનીઓની સાથે તે રહ્યો. તોપણ બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.
34 અને અમોરીઓએ દાનના પુત્રોને પહાડી પ્રદેશમાં જબરદસ્તીથી કાઢી મૂક્યા, કેમ કે તેઓએ તેઓને સપાટ પ્રદેશમાં આવવા દીધા નહિ.
35 પણ અમોરીઓ હેરેસ પહાડમાં તથા આયાલોનમાં તથા શાલબીમમાં રહેવા ચાહતા હતા, પણ યૂસફપુત્રોનો હાથ પ્રબળ થયો, માટે તેઓ વેઠ કરનારા થયા.
36 અમોરીઓની સરહદ આક્રાબ્બીમના ઘાટથી તથા ખડકથી ઉપર ગઈ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×