Bible Versions
Bible Books

Judges 11 (GUV) Gujarati Old BSI Version

1 હવે ગિલ્યાદી યિફતા નામનો એક પરાક્રમી યોદ્ધો હતો, તે વેશ્યાનો દીકરો હતો. યિફતા ગિલ્યાદથી થયો હતો.
2 ગિલ્યાદની પત્નીને પેટે પણ દીકરા થયા. અને તેની પત્નીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યિફતાને કાઢી મૂક્યો, ને તેને કહ્યું, “અમારા પિતાના ઘરમાં તને કંઈ વતન મળશે નહિ; કેમ કે તું બીજી સ્‍ત્રીનો દીકરો છે.”
3 ત્યારે યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો; અને કેટલાક હલકા લોક યિફતાને જઈ મળ્યા, ને તેઓ તેની સાથે નીકળતા
4 કેટલાક વખત પછી એમ થયું કે આમ્‍મોનપુત્રોએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.
5 અને એમ થયું કે જ્યારે આમ્મોનપુત્રો ઇઝરાયલની સામે યુદ્ધ કરતા હતા ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશથી તેડી લાવવાને ગયા.
6 તેઓએ યિફતાને કહ્યું, “તું આવીઇને અમારો સેનાપતિ થા કે, અમે આમ્‍મોનપુત્રોની સાથે લડીએ.”
7 ત્યારે યિફતાએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “તમે શું મને ધિક્કાર્યો નહોતો, અને મઆ પિતાના ઘરમાંથી શું મને કાઢી મૂક્યો નહોતો? હવે તમે સંકટમાં આવી પડ્યા ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?”
8 ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, તું અમારી સાથે આવે, ને આમ્મોનપુત્રોની સામે લડે, તો તું ગિલ્યાદના સર્વ રહેવાસીઓ પર અમારો સરદાર થાય, માટે હમણાં અમે તારી પાસે આવ્યા છીએ.”
9 ત્યારે યિફતઅએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “જો આમ્મોનપુત્રોની સાથે યુદ્ધ કરવા તમે મને સ્વદેશ તેડી જાઓ, ને જો યહોવા તેઓને મારા હાથથી હરાવે, તો શું હું તમારો સરદાર થાઉં?”
10 ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “યહોવા આપણી વચમાં સાક્ષી થાઓ. નિશ્ચે તારા કહેવા પ્રમાણે અમે કરીશું.”
11 ત્યારે યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો, ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો. અને યિફતાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી.
12 યિફતાએ આમ્મોનપુત્રોના રાજાની પાસે સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે?”
13 આમ્મોનપુત્રોના રાજાએ યિફતાના સંદેશિયાઓને ઉત્તર આપ્યો, “જ્યારે ઇઝરાયલ મિસરમાંથી આવતો હતો, ત્યારે આર્નોનથી તે યાબ્બોક તથા યર્દન સુધીનો મારો દેશ તેણે લઈ લીધો હતો; માટે હવે મૂગો મૂગો તે પાછો આપ.”
14 યિફતાએ આમ્મોનપુત્રોના રાજાની પાસે ફરી સંદેશિયા મોકલ્યા,
15 અને તેણે તેને કહેવડાવ્યું, “યિફતા એમ કહે છે કે મોઆબનો દેશ તથા આમ્‍મોનપુત્રોનો દેશ ઇઝરાયલે લઈ લીધો નહોતો.
16 પણ જ્યારે ઇઝરાયલ મિસરમાંથી આવ્યા, ને લાલ સમુદ્ર સુધી અરણ્યમાં થઈને કાદેશ પહોંચ્યા;
17 ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશિયા મોકલીને કહેવડાવ્યું કે, ‘કૃપા કરીને તારા દેશમાં થઈને મને જવા દે.’ પણ અદોમના રાજાએ તેનું સાંભળ્યું નહિ. તે પ્રમાણે તેણે મોઆબના રાજાને પણ કહેવડાવ્યું. તે પણ એમ કરવા ચાહતો નહોતો. આથી ઇઝરાયલ કાદેશમાં રહ્યા.
18 ત્યાર પછી અરણ્યમાં થઈને તેઓ ચાલ્યા, ને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ ફરી આવીને, આર્નોનની પેલે પાર તેઓએ છાવણી કરી; પણ તેઓ મોઆબની સરહદની અંદર આવ્યા નહોતા, કેમ કે મોઆબની સરહદ આર્નોન હતું.
19 પછી ઇઝરાયલે અમોરીઓના રાજા સિહોનની, એટલે હેશ્બોનના રાજાની પાસે સંદેશિયા મોકલ્યા, અને ઇઝરાયલે તેને કહેવડાવ્યું, ‘અમે તને વિનંતી કરીએ છીએ કે તારા દેશમાં થઈને અમને અમારા દેશમાં જવા દે.’
20 પણ પોતાની સરહદમાં થઈને ઇઝરાયલને જવા દેવા જેટલો ઇઝરાયલનો ભરોસો સિહોનને નહોતો; પણ સિહોને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહાસમાં છાવણી કરી, ને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું.
21 ઇઝરાયલના ઈશ્વર યહોવાએ સિહોનને તથા તેના સર્વ લોકોને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, ને તેઓએ તેઓનો સંહાર કર્યો; એમ ઇઝરાયલે તે દેશના રહેનારા અમોરીઓના આખા દેશનું વતન પ્રાપ્ત કર્યું.
22 એટલે આર્નોનથી તે યાબ્બોક સુધી, તથા અરણ્યથી તે યર્દન સુધી, અમોરીઓના આખા પ્રદેશનું વતન તેઓએ પ્રાપ્ત કર્યું.
23 એમ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોક ઇઝરાયલને અમોરીઓનું વતન આપીને તેઓને વતનહીન કર્યા છે, ને શું તું તેઓનું વતન લઈ લઈશ?
24 તારો દેવ કમોશ તને જે વતન આપે છે, તે વતન શું તુમ નહિ લે? તેમ અમારા ઈશ્વર યહોવાએ જેઓને અમારે માટે વતનહીન કર્યા છે, તેઓનું વતન અમે લઈશું.
25 હવે શું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાકના કરતાં તું કંઈ શ્રેષ્ઠ છે? શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે, તેઓની સામે તેણે કદી યુદ્ધ કર્યું?
26 ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથ તેનાં ગામોમાં, તથા આર્નોનના કાંઠા ઉપરનાં સર્વ નગરોમાં ત્રણસો વર્ષ સુધી રહ્યા. તો તે દરમિયાન તમે કેમ તે પાછાં લીધાં?
27 માટે મેં તારો અપરાધ કર્યો નથી, પણ તું મારી સામે યુદ્ધ કરીને મને અન્યાય કરે છે. ઇઝરાયલી લોકો તથા આમ્મોનપુત્રોની વચ્ચે ન્યાયાધીશ યહોવા આજે ન્યાય કરો.”
28 તોપણ યિફતાએ જે સંદેશો આમ્મોનપુત્રોના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહિ.
29 ત્યારે યહોવાનો આત્મા યિફતા પર આવ્યો, અને તે ગિલ્યાદ તથા મનાશ્શામાં થઈને ગયો, ને ગિલ્યાદના મિસ્પમાં થઈને ગયો, ને ગિલ્યાદના મિસ્પામાંથી આમ્‍મોનપુત્રોની પાસે ગયો.
30 અને યિફતાએ યહોવાની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું, “જો તમે આમ્મોનપુત્રોને મારા હાથમાં જરૂર સોંપો,
31 તો હું સલાહ કરીને આમ્મોનપુત્રો પાસેથી શાંતિએ પાછો આવું ત્યારે એમ થશે કે મને મળવા માટે જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દહનીયાર્પણ કરીશ.”
32 એમ આમ્મોનપુત્રોની સાથે યુદ્ધ કરવા માટે યિફતા તેઓની સામે ગયો; અને યહોવાએ તેઓને તેના હાથમાં સોંપ્યા.
33 તેણે અરોએરથી મિન્‍નીથ સુધીનાં વીસ નગરનો, તથા આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. એમ ઇઝરાયલી લોકોની આગળ આમ્મોનપુત્રો હારી ગયા.
34 પછી યિફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો, ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકનીએક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ હતું.
35 એમ બન્યું કે જ્યારે તેણે તેને જોઈ, ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ફાડ્યાં, ને કહ્યું, “હાય, મારી દીકરી! તેં મને છેક દીન બનાવ્યો છે, ને મને દુ:ખ દેનારાંમાંની એક તું પણ છે; કેમ કે યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહિ.”
36 તેણે યિફતઅને કહ્યું, “મારા પિતા, તમે યહોવાની આગળ મુખ ઉઘાડ્યું છે; તો તમારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કરો; કેમ કે યહોવાએ તમારું વેર તમારા વેરીઓ પર, એટલે આમ્મોનપુત્રો પર, વાળ્યું છે.”
37 અને તેણે પોતાના પિતાને કહ્યું, “મારા માટે આટલું થવા દો:મને બે મહિના સુધી રહેવા દો કે, હું મારી સહિયરોનિ સાથે પર્વતો પર ફરીને મારા કુંવારાપણાનો શોક કરું.”
38 પછી તેણે કહ્યું, “જા.” બે મહિનાને માટે તેણે તેને જવા દીધી. તેણે પોતાની સહિયરો સાથે જઈને પર્વતો ઉપર પોતાના કુંવારાપણાનો શોક કર્યો.
39 બે મહિના પૂરા થયા પછી એમ થયું કે તે તેના પિતાની પાસે પાછી આવી, ત્યારે પોતે લીધેલી પ્રતિ પ્રમાણે તેણે તેને કર્યું. તે કુંવારી રહી હતી. તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે,
40 વર્ષમાં ચાર દિવસ ગિલ્યાદી યિફતાની દીકરીનો શોક પાળવા માટે ઇઝરાયલ પુત્રીઓ દર વર્ષે જતી હતી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×