Bible Versions
Bible Books

Lamentations 4 (GUV) Gujarati Old BSI Version

1 સોનું કેવું ઝાંખું પડ્યું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! પવિત્રસ્થાનના પથ્થર સર્વ મહોલ્લાઓને નાકે વિખેરાયેલા છે.
2 સિયોનના જે અમૂલ્ય પુત્રો કુંદન જેવા હતા, તેઓ કુંભારના હાથે કરેલાં માટલાં જેવા કેમ ગણાય છે!
3 શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાળીને ધવડાવે છે! પણ મારા લોકોની દીકરી રાનમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.
4 ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી રહે છે! બાળકો રોટલી માગે છે, કોઈ તે ભાંગીને તેઓને આપતો નથી.
5 જેઓ મિષ્ટાન્‍ન ખાતા હતા, તેઓ મહોલ્લાઓમાં નિરાધાર થયા છે. જેઓ કિરમજી વસ્‍ત્ર પહેરતા હતા તેઓ ઉકરડાઓ પર આળોટે છે.
6 જે સદોમ અકસ્માત નષ્ટ થયું, ને જેને કોઈએ હાથ લગાડ્યો નહોતો, તેના અન્યાય કરતાં મારા લોકોની દિકરીનો અન્યાય મોટો છે.
7 તેના સરદારો હિમ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં ધોળા હતા, તેઓનાં શરીર માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.
8 પણ હાલ તેઓનું મુખ કોયલ કરતાં કાળું થયું છે! તેઓ મહોલ્લાઓમાં ઓળખાતા નથી. તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે; તે સુકાઈને લાકડાં જેવી થઈ ગઈ છે.
9 જેઓ તરવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનારા કરતાં સુખી છે; કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક થવાથી બળહીન થઈને ઝૂરે છે.
10 દયાળુ સ્‍ત્રીઓએ પોતાને હાથે પોતાનાં બાળકોને બાફ્યાં છે! મારા લોકોની દીકરીના નાશને સમયે તેઓનો ખોરાક હતો.
11 યહોવાએ પોતાનો કોપ પૂરો કર્યો છે, તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે. તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.
12 શત્રુ તથા વૈરી યરુશાલેમના દરવાજાઓમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા જગતના રહેવાસીઓ માનતા નહોતા.
13 તેના પ્રબોધકોનાં પાપોને લીધે, તેના યાજકોના અન્યાયને લીધે, તેઓએ તેમાં ધાર્મિકોનું રક્ત પાડ્યું છે.
14 તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્‍લે ભમતા ફરે છે, તેઓ રક્તથી ખરડાયા છે, તેથી તેઓનાં વસ્‍ત્રને કોઈ અડકી શકતું નથી.
15 “હઠો, હે અશુદ્ધ! તમે હઠો, હઠો, અમને અડકો નહિ, એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, તેઓ નાસીને રઝળવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં મુકામ કરશે નહિ.
16 યહોવાના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દષ્ટિ કરશે નહિ. તેઓએ યાજકોની મર્યાદા રાખી નહિ, તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.”
17 અમારી આંખો ખાલી સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે. અમને બચાવી શકે નહિ એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે.
18 તેઓ અમારો કેડો છોડતા નથી, તેથી અમે અમારા ચૌટાંઓમાં ફરી શક્તા નથી. અમારો અંતકાળ પાસે આવ્યો છે, અમારા દિવસો ભરાઈ ચૂક્યા છે; કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.
19 અમારી પાછળ પડનારાઓ આકાશનાં ગરૂડો કરતાં વેગાન હતા. પર્વતો પર તેઓ અમારી પાછળ પડ્યા, રાનમાં તેઓ અમને પકડવા સંતાઈ રહ્યા.
20 અમારા મુખનો શ્વાસ, યહોવાનો અભિષિક્ત, જેના વિષે અમે કહ્યું, તેની છાયામાં અમે વિદેશીઓમાં જીવીશું.” તે તેઓના ખાડાઓમાં પકડાયો.
21 અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.
22 રે સિયોનની દિકરી, તારા અન્યાયની સજા હવે પૂરી થઈ છે. તે તને ફરીથી બંદિવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી તે તારા અન્યાયનું શાસન આપશે. તે તારાં પાપ ઉઘાડાં કરશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×