Bible Versions
Bible Books

Matthew 14 (GUV) Gujarati Old BSI Version

1 અરસામાં હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને
2 પોતાના ચાકરોને કહ્યું, “આ તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૂએલાંમાંથી ઊઠયો છે, માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”
3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો, ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો.
4 કારણ યોહાને તેને કહ્યું હતું, “તેને તારે રાખવી ઉચિત નથી.”
5 અને તે તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા.
6 પણ હેરોદની વરસગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.
7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું, “જે કંઈ તું માંગે તે હું તને આપીશ.”
8 ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી, “યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપો.”
9 અને રાજા દુ:ખી થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો.
10 અને તેણે માણસોને મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું.
11 પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું. અને તે પોતાની માની પાસે તે લઈ ગઈ.
12 ત્યાર પછી તેના શિષ્યો આવ્યા અને તેનું મુડદું લઈ જઈને દાટ્યું, ને જઈને ઈસુને ખબર આપી.
13 સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જડ જગાએ એકાંતમાં ચાલ્યા ગયા. અને લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
14 અને તેમણે નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેમને દયા આવી અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યાં.
15 અને સાંજ પડી ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “આ સ્થળ ઉજ્જડ છે, ને હવે વખત થઈ ગયો છે. માટે લોકોને વિદાય કરો કે જેથી તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે.”
16 પણ ઈસુએ તેઓને કહ્યું, “તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને ખાવાનું આપો.”
17 અને તેઓએ તેમને કહ્યું, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી ને બે માછલી છે.”
18 ત્યારે ઈસુએ કહ્યું, “તે અહીં મારી પાસે લાવો.”
19 પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, ને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ તેમણે આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી.
20 અને તેઓ સહુ ખાઈને ધરાયાં. પછી છાંડેલા કકડાઓથી બાર ટોપલી ભરાઈ.
21 અને જેઓએ ખાધું તેઓ સ્રીછોકરાં ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
22 અને તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા, માટે કે તે પોતે લોકોને વિદાય કરે.
23 અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા, અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા.
24 પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
25 અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતા શિષ્યોની પાસે આવ્યા.
26 અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું, “એ તો કોઈ દુષ્ટાત્મા છે, અને બીકથી તેઓએ બૂમ પાડી.
27 પણ તરત ઈસુએ તેઓને કહ્યું, “હિમ્મત રાખો, તો હું છું, બીહો નહિ.
28 ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ‍ચાલીને તમારી પાસે આવું.”
29 અને તેમણે કહ્યું, “આવ.” ત્યારે પિતર હોડી પરથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ‍ચાલવા લાગ્યો.
30 પણ પવન જોઈને તે બીધો, ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, “ઓ પ્રભુ, મને બચાવો.”
31 અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહે છે, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ આણ્યો?”
32 અને તેઓ હોડીમાં‍ ચઢ્યા એટલે પવન બંધ પડ્યો.
33 અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમને પગે લાગીને કહ્યું, ખચીત તમે ઈશ્વરના દીકરા છો.”
34 અને તેઓ પાર ઊતરીને ગન્‍નેસારેત દેશમાં આવ્યા.
35 અને જ્યારે તે જગાના લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસો મોકલીને બધાં માંદાંઓને તેમની પાસે આણ્યાં.
36 અને તેઓએ તેમને વિનંતી કરી કે, માત્ર તમારાં વસ્‍ત્રની કોરને તમે અમને અડકવા દો, અને જેટલા અડક્યા તેટલા સાજા થયા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×