Bible Versions
Bible Books

Proverbs 15 (GUV) Gujarati Old BSI Version

1 નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;
2 જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે.
3 યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.
4 નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે.
5 મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે; પણ ઠપકાને લક્ષમાં લેનાર શાણો થાય છે.
6 નેકીવાનના ઘરમાં ધનનો ભંડાર છે; પણ દુષ્ટની પેદાશમાં સંકટ છે.
7 જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે; પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી.
8 દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.
9 દુષ્ટના માર્ગથી યહોવા કંટાળે છે; પણ નેકીને અનુસરનાર પર તે પ્રેમ કરે છે.
10 માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.
11 શેઓલ તથા અબદોન વિનાશ યહોવાની આગળ ખુલ્લાં છે; તો માણસોનાં હ્રદય કેટલાં વિશેષ ખુલ્‍લાં હોવાં જોઈએ!
12 તિરસ્કાર કરનાર ઠપકો ખમવા ચાહતો નથી; તે જ્ઞાનીની પાસે પણ જવા ઇચ્છતો નથી;
13 અંત:કરણનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે; પણ હ્રદયના ખેદથી મન ભાંગી જાય છે.
14 બુદ્ધિમાનનું અંત:કરણ ડહાપણ શોધે છે; પણ મૂર્ખોનું મુખ મૂર્ખાઈનો આહાર કરે છે.
15 વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંત:કરણવાળાને સદા મિજબાની છે.
16 ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય, તેના કરતાં, થોડું ધન હોય પણ તે સાથે યહોવાનું ભય હોય, તો તે ઉત્તમ છે.
17 વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી જનને ત્યાં ભાજીનું ભોજન ઉત્તમ છે.
18 ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે.
19 આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છે; પણ પ્રામાણિકનો પંથ સડક જેવો સરળ છે.
20 ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે; પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે.
21 અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ પોતાની વર્તણૂક સીધી રાખે છે.
22 સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે.
23 પોતાને મુખે આપેલા યોગ્ય ઉત્તરથી માણસને આનંદ થાય છે; અને વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે!
24 જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચઢીને જીવનમાં પહોંચાડે છે, તે નીચેના શેઓલથી દૂર જાય છે.
25 યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે; પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
26 દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે; પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે.
27 દ્રવ્યલોભી પોતાના કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે.
28 સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી વાતો વહેતી મૂકે છે.
29 યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.
30 આંખોના અજવાળાથી અંત:કરણને આનંદ થાય છે; અને સારા સમાચાર હાડકાંને પુષ્ટ કરે છે.
31 જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે.
32 શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના આત્માને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
33 યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે; પહેલી દીનતા છે ને પછી માન છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×