Bible Versions
Bible Books

Proverbs 23 (GUV) Gujarati Old BSI Version

1 જ્યારે તું કોઇ અધિકારીની સાથે ખાવા બેસે ત્યારે તું કોની સાથે બેઠો છે તે ધ્યાનમાં રાખજે.
2 અને જો તારી ભૂખ પ્રબળ હોય તો તારે ગળે છરી મૂક.
3 સ્વાદિષ્ટ વાનગીઓ માટે ઝૂરીશ નહિ, કારણ કે તે ખોરાક છેતરામણો હોય છે.
4 ધનવાન થવા માટે તન તોડીને વૈતરું ના કરીશ, હોશિયાર થઇને પડતું મૂકજે.
5 તે (ધન) આંખના પલકારામાં ઊડી જશે. પૈસો પોતાના માટે પાંખો ઉગાડશે. આકાશમાં ઊડતાં ગરૂડની જેમ તે ઉડી જાય છે.
6 કંજૂસને ત્યાં ભાણું ખાઇશ નહિં, કે તેની સ્વાદિષ્ટ વાનગીની તું ઇચ્છા રાખતો નહિ.
7 કારણકે, તારા ગળામાં વાળની જેમ ચોંટી જશે. તે તને “ખાઓ, પીઓ” કહેશે તો ખરો, પણ મનથી નહિં કહે.
8 તેં ખાધેલો કોળિયો પણ તારે ઓકી કાઢવો પડશે, અને તેં કરેલાં વખાણ નકામાં જશે.
9 મૂર્ખને શિખામણ આપીશ નહિ, તારી સમજુ સલાહનો પણ તે તિરસ્કાર કરશે.
10 અસલની હદના પથ્થરો ખસેડીશ નહિં, અને અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
11 કારણ, તેમનું રક્ષણ કરનાર બળવાન છે; તે તારા વિરૂદ્ધ તેમનો પક્ષ લેશે.
12 શિસ્તમાં ચિત્ત પરોવ અને જ્ઞાનને તારા કાને ધર.
13 બાળકને ઠપકો આપતાં વિચલીત થઇશ નહિ. જો તું તેને ફટકારીશ તો તે કંઇ મરી જશે નહિ.
14 તારે તેને ફટકારવું, અને તેને મૃત્યુથી ઉગારવો.
15 બેટા, જો તું ડાહ્યો થઇશ તો મારું હૃદય હરખાશે.
16 તારા મોઢે જ્ઞાનના સારા શબ્દો સાંભળીને હું રાજી થઇશ.
17 તારા મનમાંય પાપીની ઇર્ષ્યા કરીશ, પણ હંમેશા યહોવાથી ડરીને ચાલજે.
18 તો તારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તારી આશા વ્યર્થ નહિ જાય.
19 મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા, અને તારા ચિત્તને સાચા માગેર્ દોરજે.
20 દ્રાક્ષારસ પીનારાઓનો અથવા તો જેઓ છૂટથી માંસ ખાય છે તેનો સંગ કરીશ નહિ.
21 કારણકે, દ્રાક્ષારસ પીનારાઓ અને ખાઉધરાઓ કંગાલ દશાને પામે છે. અને ઊંધ તેમને ચીથરાથી ઢાંકી દેશે.
22 તારા પોતાના પિતાનું કહ્યું સાંભળ, તારા જન્મદાતા છે; અને તારી જનેતાનો વૃદ્ધાવસ્થામાં ધિક્કારીશ નહિ.
23 સત્યને ખરીદજે પણ વેચીશ નહિ; હા, જ્ઞાન, શિખામણ અને બુદ્ધિ ખરીદ જે પણ તેને વેચીશ નહિ.
24 નીતિમાન પુત્રના પિતા આનંદથી હરખાય છે, અને જે પુત્ર શાણો છે તે તેના જન્મદાતાને આનંદ આપશે.
25 તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર. અને તારી જનેતાનું હૈયુ હરખાય એવું કર.
26 મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માગોર્ને લક્ષમાં રાખ.
27 વારાંગના ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી આફતોથી ભરેલો કૂવો છે.
28 તે લૂંટારાની જેમ સંતાઇને તાકી રહે છે. અને ઘણા પુરુષોને અવિશ્વાસુ બનાવેે છે.
29 કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખો લાલ છે?
30 જેઓ દ્રાક્ષારસ પીધા કરે છે અને જેઓ દ્રાસારસના નવાં નવાં મિશ્રણોની શોધમાં હોય છે તેઓને.
31 પ્યાલામાં ચળકતા દ્રાક્ષારસ સામે જોઇશ નહિ, કારણકે, સહેલાઇથી ગળે ઊતરી જાય છે.
32 અને આખરે તે સર્પની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે.
33 તારી આંખો ચિત્રવિચિત્ર વસ્તુઓ જોશે અને તારે મોઢેથી ઉલટસૂલટ વાણી નીકળશે.
34 તને એવું થશે કે, હું સમુદ્રમાં હાલકડોલક થતાં વહાણમાં સૂતો છું.
35 તું કહેશે કે, “કોઇએ મને માર્યુ પણ મને વાગ્યું નહિ, કોઇએ મને ઝૂડ્યો પણ મને ખબર પડી નહિ, હું ક્યારે જાગીશ? ચાલો ફરી એકવાર પી નાખીએ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×