Bible Versions
Bible Books

Psalms 118 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
2 ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો શબ્દોથી, “તેમની કૃપા સદાય રહે છે.”
3 હારુન પુત્રો, પ્રાર્થના ગીત ગાઓ, “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે; “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
5 મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી; તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે; તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
8 માણસો પર ભરોસો રાખીએ તે કરતાં; યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
9 સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં; યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે, પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો; પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત ઓલવાઇ ગયા છે. હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
13 મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી. પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે; તે મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે, યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી, પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ; અને યહોવાનો આભાર માનીશ.
20 દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે; યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે; અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 કાર્ય તો યહોવાથી થયું છે; આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને દિવસ આપ્યો છે; આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો; હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે દેવ છે અને તે અમારો પ્રકાશ છે. બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ; તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×