Bible Versions
Bible Books

Psalms 92 (GUV) Gujarati Old BSI Version

1 ગીત, વિશ્રામવારને માટે ગાયન યહોવાની આભારસ્તુતિ કરવી, ને, હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
2 દશ તારવાળા વાજા પર તથા સિતાર પર અને વીણાના મધુર સ્વરથી
3 સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરવાં તે સારું છે.
4 કેમ કે, હે યહોવા, તમે તમારાં કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; તમારા હાથે કરેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
5 હે યહોવા, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6 અજ્ઞાની માણસ તે જાણતું નથી, અને મૂર્ખ માણસ તે સમજતો નથી.
7 જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે છે;
8 પણ, હે યહોવા, તમે સર્વકાળ પરમ ઊંચામાં છો.
9 કેમ કે, હે યહોવા, તમારા શત્રુઓ, તમારા શત્રુઓ નાશ પામશે; સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે.
10 પણ તમે મારું શિંગ જંગલી ગોધા ના શિંગ જેટલું ઊંચું કર્યું છે; મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.
11 વળી મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થએલું મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનાર દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું મેં મારે કાને સાંભળ્યું છે.
12 ન્યાયી માણસ તાડની જેમ વધશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
13 જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા ઈશ્વરના આંગણામાં ખીલી રહેશે.
14 તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે;
15 જેથી યહોવા યથાર્થી માલૂમ પડે; તે મારા ખડક છે, અને તેમનામાં કંઈ અન્યાય નથી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×