Bible Versions
Bible Books

Song of Solomon 4 (GUV) Gujarati Old BSI Version

1 પ્રિયતમા, તું સુંદર છે; તું મનોહર છે; તારા બુરખાની પાછળ તારી આંખો કપોતના જેવી છે; તારા કેશ ગિલ્યાદ પર્વતની ઢોળાવે ઊતરતાં બકરાંના ટોળા જેવા છે.
2 તારાં દાંત તરત કોતરેલી તથા ધોવાઈને પાણીમાંથી બહાર નીકળેલી ઘેટીઓ ના ટોળા જેવા છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે, અને તેઓમાંની એકે વાંઝ નથી.
3 તારા હોઠ કીરમની દોરા જેવા છે, તારું મુખ ખૂબસૂરત છે. તારા બુરખાની પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવાં છે.
4 શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બૂરજ, જેમાં હજારો ઢાલો એટલે યોદ્ધાઓની સર્વ ઢાલો, લટકાવેલી છે, તેના જેવી ઘાટીલી તારી ગરદન છે.
5 સાબરીનાં જોડ બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવાં તારાં બે સ્તન છે.
6 પ્રભાત થાય, અને અંધકાર લોપ થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લબાનોનના ડુંગર પર જઈશ.
7 મારી પ્રિયતમા, તું અતિ સુંદર છે; તારામાં એક પણ ડાઘ નથી.
8 હે મારી નવોઢા, લબાનોનથી મારી સાથે, લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોનાં બીલો આગળથી, તેમ ચિત્તાઓના પર્વતો પરથી જો.
9 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તેં મારું મન મોહિત કર્યું છે; તારા એક નયનબાણથી, તારા એક કંઠમણિથી તેં મારું મન મોહિ લીધું છે.
10 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારો પ્યાર દ્રાક્ષારસ કરતાં, ને તારા અત્તરની સુવાસ સર્વ પ્રકારનાં સુગંધીદ્રવ્યો કરતાં કેટલી બધી ઉત્તમ છે!
11 હે નવોઢા, મધપૂડાની માફક તારા હોઠમાંથી મીઠાશ ટપકે છે: તારી જીભ નીચે મધ તથા દૂધ છે; અને તારાં વસ્ત્રોની સુગંધ લબાનોનની સુગંધ જેવી છે.
12 મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, પ્રવેશ બંધ વાટિકા, બંધ રખાયેલો કૂવો તથા અકબંધ ઝરો, એઓના જેવી તું છે.
13 તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓનો બગીચો છે કે, જેને મૂલ્યવાન ફળો લાગેલાં છે; જેમાં મેંદી અને જટામાંસીના છોડ છે.
14 જટામાંસી, કેશર, સુગંધી બરુ, તજ, લોબાનનાં સર્વ ઝાડ; બોળ, અગર તથા સર્વ મુખ્ય સુગંધીદ્રવ્યો છે.
15 તું બાગમાંના ફૂવારા શી, જીવંતજળના કૂવા શી, તથા લબાનોનથી વહી આવતા ઝરાઓ શી છે.
16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા; હે દક્ષિણ ના વાયુ, તું આવ; મારા બાગ પર વા કે, તેની સુગંધીઓનો પ્રવાહ ચાલે. મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે, અને પોતાનાં મૂલ્યવાન ફળો ખાય.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×