Bible Versions
Bible Books

Ezekiel 8 (GUV) Gujarati Old BSI Version

1 છઠ્ઠા વરસના છઠ્ઠા માસની પાંચમીએ, હું મારા ઘરમાં બેઠો હતો ને યહૂદિયાના વડીલો મારી આગળ બેઠા હતા, ત્યારે ત્યાં પ્રભુ યહોવાનો હાથ મારા પર પડ્યો.
2 મેં જોયું, તો, જુઓ, અગ્નિ જેવી એક પ્રતિમા દેખાઈ:તેની કમરથી માંડીને નીચેનો દેખાવ અગ્નિ જેવો; અને તેની કમરથી માંડીને ઉપરનો દેખાવ પ્રકાશમય તથા તૃણમણિના તેજ જેવો હતો.
3 તેણે હાથના આકાર જેવું લંબાવીને મારા માથાના વાળની લટ પકડીને, અને ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વીની વચ્ચે ઊંચકી લીધો, ને તે મને ઈશ્વરે આપેલા સંદર્શનોમાં યરુશાલેમમાં ઉત્તર બાજુના અંદરના ચોક ના દરવાજાના બારણા પાસે લાવ્યો કે, જ્યાં આગળ ઈશ્વરને કોપાયમાન કરે એવી મૂર્તિનું સ્થાન હતું.
4 જુઓ, ત્યાં ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ દેખાયું, જેમનું દર્શન મને મેદાનમાં થયું હતું તેના જેવું તે હતું.
5 પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હવે તારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જો.” એથી મેં મારી નજર ઊંચી કરીને ઉત્તર તરફ જોયું, તો વેદીના દરવાજાની ઉત્તર બાજુએ દ્વારમાં રોષજનક મૂર્તિ દેખાઈ.
6 પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેઓ શું કરે છે તે તું જુએ છે કે? એટલે હું મારા પવિત્રસ્થાનથી દૂર થઈ જાઉં તે મતલબથી ઇઝરાયલના લોકો જે ભારે ધિક્કારપાત્ર કૃત્યો અહીં કરે છે તે તું જુએ છે કે? હજી પણ બીજાં એથી વિશેષ ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે.
7 પછી તે મને ચોકના બારણા પાસે લાવ્યો. અને મેં જોયું તો જુઓ, ભીંતમાં એક કાણું હતું.
8 ત્યારે તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હવે ભીંતમાં ખોદ.” અને મેં ભીંતમાં ખોદ્યું, તો એક બારણું દેખાયું.
9 પછી તેણે મને કહ્યું, “અંદર જા, ને જે ધિક્કારપાત્ર કૃત્યો તેઓ અહીં કરે છે તે જો.”
10 એટલે મેં અંદર જઈને જોયું, તો દરેક જાતના પેટે ચાલનારાં પ્રાણીઓ તથા કંટાળો આવે એવાં પશુઓ તથા ઇઝરાયલના લોકોની સર્વ મૂર્તિઓ ભીંત પર ચારે તરફ ચીતરેલાં હતાં.
11 તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા નીકળતા હતા, અને તેની વાસ બધે પ્રસરતી હતી.
12 ત્યારે તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોના વડીલો અંધારામાં, પોતપોતાની મૂર્તિવાળી ઓરડીઓમાં, જે કરે છે તે તેં જોયું કે? તેઓ કહે છે કે, યહોવા અમને જોતો નથી; યહોવાએ દેશને તજી દીધો છે.”
13 વળી તેણે મને કહ્યું, “હજી પણ તું તેઓને બીજા વધારે ધિક્કારપાત્ર કૃત્યો કરતાં જોશે.”
14 ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તર તરફના દરવાજાના બારણા પાસે લાવ્યો; તો જુઓ, ત્યાં તો સ્ત્રીઓ તામ્મૂઝને માટે રડતી બેઠેલી હતી.
15 ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં જોયું કે? કરતાં પણ અધિક ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે.”
16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ જોઈને સૂર્યની પૂજા કરતા હતા.
17 પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર કૃત્યો યહૂદિયાના માણસો અહીં કરે છે તે તેમની નજરમાં નજીવાં લાગે છે? તેઓએ જોરજુલમથી દેશને ભરપૂર કર્યો છે, ને તેમ કરીને તેઓએ મને વિશેષ રોષ‍ ચઢાવ્યો છે. વળી, જો, તેઓ પોતાને નાકે ડાળી અડકાડે છે.
18 માટે હું પણ કોપાયમાન થઈને શિક્ષા કરીશ, મારી આંખ દરગુજર કરશે નહિ, તેમ હું પણ દયા રાખીશ નહિ, અને તેઓ મોટે અવાજે મારા કાનમાં બૂમ પાડશે, તોપણ હું તેમનું સાંભળીશ નહિ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×