Bible Versions
Bible Books

Isaiah 23 (GUV) Gujarati Old BSI Version

1 તૂરને લગતી દેવવાણી: “હે તાશીર્શના જહાજો, મોટેથી આક્રંદ કરો! કારણ, તૂર ખેદાનમેદાન થઇ ગયું છે: “સાયપ્રસથી પાછા ફરતાં તમને સમાચાર મળે છે.
2 હે સાગરકાંઠાના રહેવાસીઓ, હે સિદોનના વેપારીઓ, આક્રંદ કરો. તમારા માણસો દરિયો ઓળંગી ગયા, અને સાગરોને ખેડતા હતા.
3 અને શીહોરમાં ઉગાડેલા પાકથી અને નીલ નદીને કાંઠે ઉગાડેલા અનાજમાંથી લાભ પામ્યા હતાં અને અનેક રાષ્ટો સાથે વેપાર કર્યો હતો.
4 તમે જરા શરમાઓ, હે સિદોનનગરી હતાશ સાગરકાંઠાનો દુર્ગ થઇને પોકારી ઊઠે છે કે,“હું એવી સ્રી જેવી છું કે, જેણે ક્યારેય બાળકને જન્મ આપ્યો નથી અને જેણે છોકરાઓ મોટા કર્યા નથી કે છોકરીઓને ઉછેરી નથી.”
5 મિસરમાં સમાચાર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને શોકમાં ડૂબી જશે.
6 હે સાગરકાંઠાના લોકો, આક્રંદ કરતાં તાશીર્શ ચાલ્યા જાઓ.
7 તમારી એક વખતની આનંદી નગરીમાં હવે કેવળ વિનાશ રહ્યો છે. તમારો ભૂતકાળનો ઇતિહાસ કેટલો ભવ્ય હતો! તારા વતનીઓ દૂરના દેશોમાં જઇ વસ્યા હતા.
8 જે તૂર બાદશાહી નગર હતું, જેના વેપારીઓ સરદારો હતા અને જેના શાહસોદાગરોની પૃથ્વીમાં સૌથી વધુ શાખ હતી, તે તૂરની આવી હાલત કરવાનું કોણે વિચાર્યુ?
9 બધી જાહોજલાલીનો ગર્વ ઉતારવા અને પૃથ્વીના સર્વ માનવંતાઓને અપમાનિત કરવા સૈન્યોના દેવ યહોવાએ વિચાર્યુ છે.
10 હે તાશીર્શના જહાજો, તમે તમારા દેશમાં પાછા ફરો, કારણ અહીં કોઇ બંદર હવે રહ્યું નથી.
11 યહોવાએ સમુદ્ર વિરુદ્ધ પોતાનો હાથ ઉગામ્યો છે; તે પૃથ્વીના સામ્રાજ્યોને ધ્રૂજાવે છે. મહાન વેપારી નગર અને તેના સાર્મથ્યનો વિનાશ કરવા તેમણે આજ્ઞા આપી છે,
12 યહોવએ કહ્યું છે, “હે સિદોનનગરી તારા સુખનો અંત આવ્યો છે. તારા લોકો પર અન્યાય કર્યો છે; તેઓ સાયપ્રસ ચાલ્યા જશે તોયે ત્યાં પણ તેમને આરામ મળવાનો નથી.”
13 ખાલદીઓની ભૂમિને જુઓ; રાષ્ટ છે જે હવે અસ્તિત્વ ધરાવતું નથી, આશ્શૂરે તેને રણના લોકો માટે વસાવ્યો; તેઓએ તેના બૂરજો ઊભા કર્યા અને એક કિલ્લો બાધ્યો. તેઓએ એનાં મહેલને ભોંયભેંગા કર્યા; અને તેનો વિનાશ કર્યો.
14 હે સાગરખેડુ વહાણોના તાશીર્શના ખલાસીઓ, તમે આક્રંદ કરો; કારણ કે તમારો કિલ્લો નાશ પામ્યો છે.
15 તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે.
16 “હે ભૂલાઇ ગયેલી વારાંગના, વીણા લઇને નગરમાં ફરી વળ; મધુરા સ્વરો છેડી ગીત ઉપર ગીત ગા, જેથી લોકો તને ફરી સંભારે.”
17 સિત્તેર વર્ષ પૂરાં થયા પછી યહોવા તૂરની મુલાકાત લેશે, ને તૂર ફરીથી પોતાનો ધંધો શરૂ કરશે, પૃથ્વીનાં સર્વ રાજ્યો સાથે તે વેપાર કરશે.
18 પણ તેની કમાણી તથા પગાર યહોવાને અર્પણ કરવામાં આવશે; ખજાનામાં તેનો સંગ્રહ કરાશે નહિ, એની કમાણીમાંથી યહોવાના ભકતો માટે પુષ્કળ ખાવા-પીવાનું અને કપડાલત્તા ખરીદવામાં આવશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×