Bible Versions
Bible Books

Isaiah 54 (GUV) Gujarati Old BSI Version

1 “હે સંતાનવિહોણી, જેણે બાળકને જન્મ આપ્યો નથી તે તું હર્ષનાદ કર; જેણે પ્રસવવેદના સહન કરી નથી તે તું હર્ષનાદ કરીને જયઘોષ કર; કેમ કે યહોવા કહે છે કે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં ઘણાં છે.
2 તારા તંબુની જગા વિશાળ કર, અને તેઓ તારાં રહેઠાણોના પડદા પ્રસારે; રોક નહિ! તારાં દોરડાં લાંબાં કર, ને તારી મેખો મજબૂત કર.
3 કેમ કે તું ડાબી જમણી ફેલાઈ જવાની છે; અને તારાં સંતાન અન્ય પ્રજાઓને કબજે કરશે, ને ઉજ્જડ નગરોને વસાવશે.
4 તું બીશ નહિ; તું લજિજત થવાની નથી, અને ગભરાઈશ નહિ; કેમ કે તારી બદનામી થવાની નથી; કેમ કે તારી જુવાનીમાં લાગેલી શરમ તું ભૂલી જવાની છે, અને તારા વૈધવ્યનું કલંક ફરી તને યાદ આવશે નહિ.
5 કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે; તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે. તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.
6 તજેલી તથા મનમાં ઉદાસ રહેતી પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી પણ પછીથી ધિક્કારપાત્ર થયેલી પત્નીની જેમ, યહોવાએ તને બોલાવી છે. એવું તારા ઈશ્વર કહે છે.
7 મેં ક્ષણવાર તને તજી હતી:પણ હવે પુષ્કળ દયાથી હું તને સમેટીશ.
8 ક્રોધના આવેશમાં મેં પળવાર તારા તરફથી મારું મુખ ફેરવ્યું હતું, પણ હવે અખંડ કૃપાથી હું તારા પર દયા રાખીશ, તારો ઉદ્ધાર કરનાર યહોવા એવું કહે છે.
9 કેમ કે મારે તો નૂહના જળપ્રલય સરખું છે; જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી ભૂમિ પર થનાર નથી, તેમ મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી ક્રોધાયમાન થઈશ નહિ, ને તને ધમકાવીશ નહિ.
10 પર્વતો ખસી જાય, ને ડુંગરો ચળે; પણ મારી કૃપા તારા પરથી ટળશે નહિ, અને તારી સાથેનો મારો શાંતિનો કરાર ચળી જશે નહિ, તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે.
11 હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની નગરી, જો, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ, ને તારા પાયા નીલમના કરીશ.
12 તારા બુરજોને હું માણેકના, તારા દરવાજાને લાલના, અને તારી આખી દીવાલોને રત્ન જડીત કરીશ.
13 તારાં સર્વ સંતાન યહોવાનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.
14 તું ન્યાયીપણામાં સ્થાપિત થઈશ; ત્રાસથી દૂર રહે, તને કંઈ ભય લાગશે નહિ; ધાકથી દૂર રહે, તે તારી પાસે આવશે નહિ.
15 જુઓ, તેઓ એકત્ર થાય છે ખરા, પણ મારાથી નહિ; જેઓ તારી સામા એકત્ર થશે તેઓ તારે લીધે વિનાશ પામશે.
16 લુહાર અંગારાનો અગ્નિ ફૂંકે છે, અને પોતાના કામને માટે ઓજાર ઘડે છે, તેને મેં ઉત્પન્ન કર્યો છે; તેમ વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે.
17 તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલુમ કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. યહોવાના સેનકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, એમ યહોવા કહે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×