Bible Versions
Bible Books

Job 11 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો:
2 “આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે? જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે?
3 શું તું વિચારે છે કે વાતો કરીને તું બીજા માણસોને ચૂપ કરી દઇશ? તું શું વિચારે છે કે તું દેવની મશ્કરી કરીશ અને તને કોઇ ઠપકો નહિ આપે?
4 કારણકે તું કહે કે, ‘હું જે કહું છું તે સાચું છે. હું દેવની નજરમાં નિદોર્ષ છું.’
5 હું ઇચ્છું છું કે, દેવ બોલશે અને તને કહેશે કે પોતે શું વિચારે છે!
6 દેવ તને ડહાપણના રહસ્યો વિષે કહેશે. તે તને કહેશે કે દરેક વાત ને બે બાજુ હોય છે. અને તું ખાતરી રાખજે કે તે તને તારા દોષોની પાત્રતાથી ઓછી સજા આપે છે.
7 અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે? તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી.
8 તું સ્વર્ગની બાબત કાંઇ કરી શકશે નહિ. શેઓલ બાબતે તું કાંઇ જાણતો નથી.
9 તેનું માપ પૃથ્વી કરતાં પણ મહાન અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે.
10 તે ધસી જઇને કોઇની પણ ધરપકડ કરે; અને તેનો ન્યાય કરવા તેને ન્યાયાલયમાં ઊભો કરી દે તો તેમ કરતાં તેમને કોણ અટકાવી શકે?
11 સાચે દેવ જાણે છે કોણ નિરર્થક છે. જ્યારે દેવ અનિષ્ટ જુએ છે ત્યારે તે તેને યાદ રાખે છે.
12 પણ મૂર્ખ માણસને તે બુદ્ધિમાન કરે છે, અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.
13 પણ તારે તારા હૃદયને માત્ર દેવની સેવા કરવા માટે તૈયાર કરવું જોઇએ અને તેની પ્રાર્થના કરવા તારે તારા હાથ તેની ભણી ઉપર કરવા જોઇએ.
14 જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ! તારાં ઘરમાં અનિષ્ટ ને દાખલ થવા દેતો નહિ
15 પછી તું દેવ સામે શરમાયા વગર જોઇ શકશે અને ભય વિના દેવ સમક્ષ ઊભો રહી શકશે.
16 વહી ગયેલા પાણીની જેમ તું તારું દુ:ખ ભૂલી જઇશ. અને તારા દુ:ખો ભૂતકાળ બની જશે.
17 તારું જીવન મધ્યાનના સૂર્યથી પણ વધુ ઊજળું થશે. અને અંધકાર પણ પ્રભાતના પ્રકાશ જેવો બની જશે.
18 પછી તું સુરક્ષા અનુભવીશ કારણકે ત્યાં આશા છે. દેવ તારી સંભાળ લેશે અને તને વિસામો આપશે.
19 તું નિરાંતે સૂઇ શકશે અને તને કોઇ હેરાન કરશે નહિ. અને ઘણા લોકો તારી પાસે મદદ માગવા આવશે.
20 દુષ્ટ લોકો કદાચ મદદ માગશે, પરંતુ તેઓ તેમની મુશ્કેલીમાંથી છટકી શકશે નહિ. તેમની આશાઓ તેમને મૃત્યુ સુધી દોરી જશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×