Bible Versions
Bible Books

Proverbs 12 (GUV) Gujarati Old BSI Version

1 જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે સમજ ચાહે છે; પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે.
2 સારો માણસ યહોવાની કૃપા મેળવશે; પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠરાવશે.
3 માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ; પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ.
4 સદગુણી સ્‍ત્રી પોતાના પતિને મુગટરૂપ છે; પણ નિર્લજ્જ કૃત્યો કરનારી તેનાં હાડકાંને સડારૂપ છે.
5 નેકીવાનોના વિચાર વાજબી હોય છે; પણ દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે.
6 દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિષે હોય છે; પણ પ્રામાણિક માણસોનું મોં તેમને બચાવશે.
7 દુષ્ટો ઊથલી પડે છે, અને હતા હતા થઈ જાય છે; પણ સદાચારીનું ઘર કાયમ રહેશે.
8 માણસ પોતાના જ્ઞાન પ્રમાણે વખાણ પામશે; પણ જે ભ્રષ્ટ અંત:કરણનો છે તે તુચ્છ ગણાશે.
9 જેને અન્‍નના સાંસા હોય છતાં પોતે પોતાને માનવંત માનતો હોય તેના કરતાં જે હલકો ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે‍ શ્રેષ્ઠ છે.
10 નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે; પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે.
11 પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્‍ન મળશે; પણ નકામી વાતોને વળગી રહેનાર મૂર્ખ છે.
12 દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે; પણ સદાચારીનું મૂળ તો ફળદ્રુપ છે.
13 દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે; પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.
14 માણસ પોતાના મુખના શબ્દોથી સંતોષ પામશે. અને માણસના હાથોના કામનું ફળ તેને પાછું આપવામાં આવશે.
15 મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે; પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.
16 મૂર્ખનો ક્રોધ તરત માલૂમ પડી આવે છે; પણ ડાહ્યો માણસ બદનામીને ઢાંકે છે.
17 સત્ય ઊચરનાર નેકી પ્રગટ કરે છે; પણ જૂઠો સાક્ષી ઠગાઈ પ્રગટ કરે છે
18 વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.
19 સત્યનો હોઠ સદા ટકશે; પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે.
20 જેઓ ભૂંડી યોજના કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિના બોધકોને આનંદ છે.
21 સદાચારીને કંઈ નુકસાન થશે નહિ; પણ દુષ્ટો હાનિથી ભરપૂર થશે.
22 જૂઠા હોઠો યહોવાને કંટાળરૂપ છે; પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે.
23 ડાહ્યો પુરુષ પોતાના ડહાપણને ઢાંકી રાખે છે; પણ મૂર્ખોનું અંત:કરણ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
24 ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે; પણ આળસુ માણસની પાસે વેઠ કરાવવામાં આવશે.
25 પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.
26 નેકીવાન પોતાના પડોશીને સીધે માર્ગે ચલાવે છે; પણ દુષ્ટોનો માર્ગ તેઓને ભૂલમાં નાખે છે.
27 આળસુ માણસ પોતે પકડેલો શિકાર રાંધતો નથી; પણ ઉદ્યોગી થવું મૂલ્યવાન સંપત્તિ મેળવવા જેવું છે.
28 નેકીના માર્ગમાં જીવન છે; અને તેમાં મરણ છે નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×