Bible Versions
Bible Books

Proverbs 8 (GUV) Gujarati Old BSI Version

1 શું જ્ઞાન હાંક મારતું નથી, અને બુદ્ધિ બૂમ પાડતી નથી?
2 તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબૂતરાઓની ટોચ પર ઊભું રહે છે;
3 તે દરવાજાની પાસે, નગરના દ્વારે, અને બારણામાં પેસવાની જગાએ, મોટેથી પોકારે છે,
4 “હે માણસો, હું તમને હાંક મારીને કહું છું; મારું બોલવું મનુષ્યોને માટે છે.
5 હે બેવકૂફો, શાણપણ શીખો; અને હે મૂર્ખો, તમે સમજણા થાઓ.
6 સાંભળો, હું ઉત્તમ વાતો કહીશ; અને યથાયોગ્ય વાતો વિષે મારા હોઠો ઊઘડશે.
7 મારું મુખ સત્ય ઉચ્ચારશે; કેમ કે દુષ્ટતા મારા હોઠોને ધિક્કારપાત્ર લાગે છે.
8 મારા મુખના બધા શબ્દો નેક છે; તેઓમાં વાંકું કે વિપરીત કંઈ નથી,
9 તેઓ સર્વ સમજણાને માટે સીધા છે, વિદ્વાનોને તેઓ યથાયોગ્ય લાગે છે.
10 રૂપું નહિ, પણ મારું શિક્ષણ લો; ચોખ્ખા સોના કરતાં સમજ સંપાદન કરો.
11 કેમ કે જ્ઞાન માણેક કરતાં શ્રેષ્ઠ છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
12 મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય તથા વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.
13 દુષ્ટતાનો ધિક્કાર કરવો યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.
14 ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; હું બુદ્ધિ છું; મને સામર્થ્ય છે.
15 મારા વડે રાજાઓ રાજ કરે છે, અને હાકેમો ન્યાય ચૂકવે છે.
16 મારાથી સરદારો તથા હોદ્દેદારો, હા, પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, અમલ ચલાવે છે.
17 મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું; જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું પ્રાપ્ત થઈશ.
18 દ્રવ્ય તથા માન મારી પાસે છે, અચળ ધન તથા નેકી પણ છે.
19 મારું ફળ સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં, અને મારી પેદાશ ઊંચી જાતના રૂપા કરતાં શ્રેષ્ઠ છે.
20 હું નેકીના માર્ગમાં, ન્યાયના રસ્તાઓની વચ્ચે ચાલું છું; કે
21 જેથી હું મારા પર પ્રેમ કરનારાઓને સંપત્તિનો વારસો આપું, અને તેઓના ભંડારો ભરપૂર કરું.
22 યહોવાએ સૃષ્ટિક્રમના આરંભમાં, તેનાં આદિકૃત્યોની અગાઉ મને ઉત્પન્‍ન કર્યું.
23 સદાકાળથી, આરંભથી, પૃથ્વી થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 જ્યારે કોઈ જળનિધિઓ નહોતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરાઓ નહોતા, ત્યારે મારો જન્મ થયો હતો.
25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ, મારો જન્મ થયો હતો;
26 ત્યાં સુધી પ્રભુએ પૃથ્વી, ખેતરો કે, દુનિયાની માટીનું મંડાણ કર્યું નહોતું.
27 જ્યારે તેમણે આકાશો વ્યવસ્થિત કર્યાં, ત્યારે હું ત્યાં હતું; જ્યારે તેમણે ઊંડાણના પ્રદેશની ચારે બાજુ મર્યાદા ઠરાવી;
28 જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષ સ્થિર કર્યું; જ્યારે તેમણે જળનિધિના ઝરા દઢ કર્યા;
29 જ્યારે તેમણે સમુદ્રને હદ નીમી આપી કે, તે ફરમાવેલી મર્યાદા ઓળંગે નહિ; જ્યારે તેમણે પૃથ્વીના પાયા આંક્યા;
30 ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને સંતોષ આપતું હતું, સદા હું તેમની આગળ હર્ષ કરતું હતું.
31 તેમની વસ્તીવાળી પૃથ્વી પર હું ગમત કરતું હતું; અને મનુષ્યોમાં મને આનંદ થતો હતો.”
32 હવે, દીકરાઓ, મારું સાંભળો; કેમ કે મારા માર્ગો પાળનારને ધન્ય છે.
33 શિખામણ સાંભળીને જ્ઞાની થાઓ, અને તેનો નકાર કરશો નહિ.
34 જે માણસ મારું સાંભળે છે, દરરોજ મારા દરવાજા પાસે લક્ષ રાખે છે, તથા મારી બારસાખો આગળ રાહ જુએ છે, તેને ધન્ય છે.
35 કેમ કે જેઓને હું મળું છું, તેઓને જીવન મળે છે, અને તેઓ યહોવાની કૃપા પ્રાપ્ત કરશે.
36 પણ જે મારી વિરુદ્ધ ભૂલ કરે છે, તે પોતાના આત્માને નુકસાન પહોંચાડે છે; મને ધિક્કારનારા સર્વ મોતને ચાહે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×