Bible Versions
Bible Books

Jeremiah 10 (GUV) Gujarati Old BSI Version

1 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને જે સંદેશો આપે છે તે ધ્યાનથી સાંભળો;
2 તે કહે છે, “બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ, તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે. તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ. કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.
3 તે પ્રજાઓની મૂર્તિઓ કશા કામની નથી, તે તો જંગલમાંથી કાપી આણેલું લાકડું છે; કારીગરે તેને પોતાના ઓજારોથી કોતરી છે.
4 અને પછી સોનારૂપાથી શણગારી છે. તેને હથોડા અને ખીલાથી જડી દીધી છે, જેથી પડી જાય.
5 ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ તેઓના દેવ ત્યાં ઊભા રહે છે! તે બોલી શકતા નથી, તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે. આવા દેવોથી ડરશો નહિ, તે કશી ઇજા કરી શકે તેમ નથી, તેમ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.”
6 હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી. તમે કેવા મહાન છો અને તમારા નામનો પ્રતાપ પણ કેવો મહાન છે!
7 હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે? તમારાથી તો ડરીને ચાલવું જોઇએ. સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.
8 મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.
9 તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને એને શણગારે છે અને જાંબુડિયાં અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે. બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે.
10 પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.
11 યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે પ્રમાણે કહેજો: “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી, તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”
12 પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી, પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી, પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ.
13 તોફાની વાદળોની ગર્જનાઓથી તેમના અવાજનો પડઘો પડે છે, તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે. જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.
14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
15 નકામી છે, હાંસીપાત્ર છે. દેવ તેમને સજા કરશે ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.
16 પણ યાકૂબનો દેવ એવો નથી; તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે, અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે. તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.”
17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે, તેઓ તમારો સામાન બાંધો અને હવે જવાને માટે તૈયાર રહો.”
18 કારણ કે તે એમ કહે છે કે, “આ વખતે હું એકાએક તેમને દેશમાંથી બહાર ફેંકી દઇશ અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ, એક પણ માણસ બચવા પામશે નહિ.”
19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે, તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે; આતો ફકત એક બિમારી છે અને અમે સહન કરી શકીશું.”
20 પણ અમારો તંબુ હતો હતો થઇ ગયો છે, એનાં દોરડાં તૂટી ગયા છે; અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે; એક પણ રહ્યો નથી; અમારો તંબુ ફરી ઊભો કરનાર કે એના પડદા બાંધનાર કોઇ નથી!”
21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે; તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી. અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની જેમ વેરવિખેર થઇ ગયા છે.
22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો, તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની કોતરોમાં ફેરવી નાખશે.
23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી. તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
24 તેથી હે યહોવા, તમે અમને સાચે માગેર્ વાળો. અમને પ્રમાણસર શિક્ષા કરો, રોષમાં આવીને નહિ, નહિ તો અમે હતા હતા થઇ જઇશું.
25 તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો, જે લોકો તમને માનતા નથી, તમારું નામ લેતાં નથી. કારણ, તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે, અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×