Bible Versions
Bible Books

Proverbs 10 (GUV) Gujarati Old BSI Version

1 જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
2 દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી; પણ નેકી મોતથી ઉગારે છે.
3 સદાચારીના આત્માને યહોવા ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઇચ્છાને તે નિષ્ફળ કરે છે.
4 ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.
5 ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે; પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનારો દીકરો બદનામી કરાવે છે.
6 સદાચારીને માથે આશીર્વાદ ઊતરે છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું છે.
7 ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.
8 જ્ઞાની હ્રદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.
9 પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઈ આવશે.
10 આંખથી મીંચકારા કરનાર ખેદ કરાવે છે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.
11 સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાયેલું રહે છે.
12 દ્વેષથી ઝઘડા ઊભા થાય છે; પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13 વિવેકબુદ્ધિવાળાના હોઠો પર જ્ઞાન માલૂમ પડે છે; પણ મૂર્ખની પીઠને માટે લાકડી છે.
14 જ્ઞાની પુરુષો ડહાપણનો સંગ્રહ કરે છે; પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ લાવે છે.
15 દ્રવ્યવાન માણસનું ધન તેનું કિલ્‍લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે.
16 સદાચારીની મહેનત જીવનસાધક છે; દુષ્ટની પેદાશ પાપકારક છે.
17 શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં છે; પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા હોઠવાળો છે; અને ચાડી કરનાર મૂર્ખ છે.
19 ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.
20 સદાચારીની જીભ ચોખ્‍ખી ચાંદી જેવી છે; પણ દુષ્ટના હ્રદયની કિંમત કોડીનીયે નથી,
21 નેક માણસના હોઠો ઘણાને તૃપ્ત કરે છે; પણ મૂર્ખો બુદ્ધિની અછતથી માર્યા જાય છે.
22 યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.
23 દુષ્ટતા કરવી મૂર્ખને તો રમત જેવું છે; પણ સમજણો માણસ જ્ઞાનથી આનંદ મેળવે છે.
24 દુષ્ટનું ભય તેના પોતાના ઉપર આવી પડશે; પણ નેક માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.
25 વંટોળિયો જતો રહે છે, તેમ દુષ્ટ સદાને માટે લોપ થઈ જાય છે; પણ નેક પુરુષ સર્વકાળ ટકનાર પાયારૂપ છે.
26 જેમ દાંતને સરકો, અને આંખોને ધુમાડો હેરાન કરે છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને હેરાન કરે છે.
27 યહોવાનું ભય આયુષ્ય વધારે છે; પણ દુષ્ટોનાં વર્ષો ટૂંકાં કરવામાં આવશે.
28 સદાચારીઓની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટોની અપેક્ષા નિષ્ફળ જશે.
29 યહોવાનો માર્ગ પ્રામાણિકોને કિલ્લારૂપ છે; પણ તે દુષ્કર્મીઓને નાશરૂપ છે.
30 સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ; પણ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.
31 સદાચારીઓનું મોં જ્ઞાન પ્રગટ કરે છે; પણ હઠીલી જીભ કાપી નાખવામાં આવશે.
32 સંતોષકારક શું છે તે સદાચારીના હોઠ જાણે છે; પણ દુષ્ટ પોતાને મોઢે આડું બોલે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×